બાણી પરિવારમાં પ્રિ વેડિંગ હતું તો જાણે કે આખા દેશમાં આ ચાર પાંચ દિવસમાં બીજુ કાંઇ ઘટ્યુ જ ન હોય એમ ફક્ત અને ફક્ત એની જ વાતો ચારે તરફ થતી હતી. રૂબરૂમાં વાતો, ફેસબુકમાં પોસ્ટ્સ, ઇન્સ્ટામાં રિલ્સ અને વ્હોટ્હએપમાં વિડીયો અને મેસેજ એના જ હતાં. જાણે કે એના લગ્નની પબ્લિસિટી કરીને મૂકેશભાઇએ જીયોની શરૂઆતમાં જેટલો ડેટા ફ્રી આપ્યો હતો એનુ વળતર એના દિકરાના લગ્નમાં પાછું વાળવાનુ હોય. અને લોકોએ એ કર્યુ પણ ખરૂ. ચાર પાંચ દિવસ તો ભારતમાં અંબાણી ફિવર જ રહ્યો. કેવી કેવી વાતો સાંભળવા અને જોવાં મળે એનો એક નમૂનો:
અમારાં ઘર પાસે રહેતી સરોજ અને સુશિલા વાતો કરતી હતી.
સરોજ: અરે એના વિડીયોમાં મે જોયું કે નિતાબેનની બેય નણંદ લગ્નમાં આવી’તી તો કેટલાં સાદા કપડા પહેરીને આવી’તી. જાણે કે ભત્રીજાના લગ્નનો હરખ જ ન હોય.
સુશિલા: મે તો એવું સાંભળ્યુ છે કે મૂકેશભાઇએ આટલાં પૈસા વાપર્યા ને એ બેયને નથી ગમ્યુ. જો ને, બેય એકલી જ આવી’તી. મૂકેશભાઇના એકેય બનેવીને લગ્નમાં જોયાં ? આવ્યાં જ નો’તા.
સરોજ: હવે ગમે તો ય શું ને ન ગમે તો ય શું ! મૂકેશભાઇના એના પૈસા છે ને વાપરે છે એમાં આ બેયને શું ખોટું લગાડવાનુ ? અને મૂકેશભાઇ ને નિતાબેન બેયે બેયને સરખી રીતે જ રાખી હશે હો. જરાંય ટાળો ય નહી કર્યો હોય. આપણે તો બેયને ઓળખીએ તો ખબર હોય ને કે બેય નણંદને વહેવાર પાછો વાળ્યો હશે એમાં ય પાછું વાળીને નહી જોયું હોય. નિતાબેન એમ તો દિલના ચોખ્ખા છે. પણ આ તો શું છે કે આવડું મોટું કર્યુ ને એટલે આંખમાં ખટકતુ હોય બાકી સગા ભાઇના દિકરાના લગ્ન હોય તો હરખ કેવડો હોય. હું તો મારાં ભત્રીજાના લગ્નમાં આઠ દિવસ વહેલી ગઇ’તી. અને આ તો બેય ટાણે હાજર થઇ. જો ને બધાં મે’માન આવતાં હતાં ત્યારે જ સાવ સાદા ચૂડીદાર પહેરીને આવી. અને ચૂડીદારેય રંગીન નહી હો, સાવ ધોળા ફક્ક. એકેય જાતની એમાં ભાતેય નહી. તો ય નિતાબેન સારા કહેવાય કે સારૂં માન આપ્યું. બાકી મારાં જેવી હોય તો કવરમાં ખાલી એકાવન રૂ. નાખીને રવાના કરી દઉ.
સુશિલા: મૂળ શું છે, આ આટલાં બધાં મોટા મોટા માણસો આવ્યાં ને એ ય ન ગમ્યુ હોય. પણ એ તો વહેવાર છે ને ! રખતરખા છે. મૂકેશભાઇ ને નિતાબેને વહેવાર રાખ્યો હોય તો જ કો’ક આપણે ત્યાં પ્રસંગમાં આવે ને ! નહીતર કોણ આવે !
સરોજ: નિતાબેન તો પણ ખરાં છે હો. કેટલું કેટલું કરે છે તો ય કોઇ પણ જગ્યાએ ટાઇમ ટુ ટાઇમ નવી સાડી પહેરીને હાજર થઇ જ ગયાં હોય. આ જેટલાં મે’માન આવ્યાં હતાં એની સાથે પછી વે’વાર રાખવાં નિતાબેન જ દોડતાં હશે ને. મૂકેશભાઇને તો
થોડો એવો ટાઇમ રહેતો હશે ! એ તો બધું નિતાબેન જ કરતાં હોય ને ! ધન્ય છે હો એને. આપણે તો એના જેવડું મકાન પણ નથી તો ય આખો દિ નવરીયુ નથી થાતું. અને નિતાબેન તો બધે ય ફુલફટાક થઇને પહોચી જ ગયાં હોય હો ! કેમ પહોચતા હશે બધે ?
સુશિલા: ઇ તો ઠીક, પણ એની સાડી જોઇ ? દર વખતે નવી જ હોય બોલ. અને એકેય સાડી પાંચ લાખથી નીચેની હોય એવી તો નહી જ પહેરતા હોય. કેવી સાહ્યબી હે !
સરોજ: હા હો, ભગવાને જ્યાં આપ્યું છે ત્યાં ભરી ભરીને આપ્યું છે. મે તો સાંભળ્યુ છે કે એને તો સાડી પહેરાવવા વાળી બાઇ રાખી છે.
સુશિલા: હા, એ તો મે ય સાંભળ્યુ છે કે સાડી પહેરાવવા કોઇ આવે છે. પણ મને તો હજી એ નથી સમજાતું કે આ દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વાર સાડી બદલાવવાનો ને મેક કરવાનો ટાઇમ મળી જાતો હશે એને ? આપણે તો સાવ સાદા તૈયાર થાય તો ય બે કલાક થાય છે. તો નિતાબેનને તો વધારે ટાઇમ નહી જોઇતો હોય ? ક્યારે ઓલી આવે ને ક્યારે ઇ સાડી પહેરાવે ને પછી ક્યારે હેર સ્ટાઇલ વાળે ને પછી ક્યારે મેક અપ કરે ! આટલું કરીએ ત્યાં અર્ધી મિટીંગ પૂરી થઇ ગઇ હોય.
સરોજ: તંઇ એલી, એટલે જ એ નિતાબેન છે. એમ કાંઇ હોય !
સુશિલા: હા હો બાપા એની આપણે વાતો ન થાય.
સરોજ: માણસો તો એમેય કહે છે કે ઓલો હાર નિતાબેને પહેર્યો હતો એ પ૦૦ કરોડનો હતો. સાચું હશે ?
સુશિલા: કોને ખબર? આમ તો એ લોકો ખોટું બોલે એવાં છે નહી. આપણને તો અનુભવ હોય ને.
સરોજ: તને એનો અનુભવ હોય એમ તો તું એવી રીતે કહેશ જાણે વીસ વર્ષથી તારાં પાડોશી હોય.
સુશિલા: ભલે ને મારાં પાડોશી ન હોય ! પણ ફેસબુકમાં ને ઇન્સ્ટ્ગ્રામમાં બધું જોતાં હોઇએ તો અંદાજ તો આવી જ જાય ને !
સરોજ: હા ઇ સાચું હો. પણ અમારે તો ઘરમાં એવું બધું હાલે જ નહી. મારાં રમલાએ એક વાર ફેસબુક જોયું’તું ત્યાં તો મારો નણદોયો આવીને મારાં સાસરાને, જેઠને, સાસુને આ બધાંયના કાન ભંભેરી ગ્યો રો’યો. આના પપ્પાએ આ તો મને વાત કરી એટલે ખબર પડી. નહીતર તો હું બરી બરીને અર્ધી ય નો રહી હોત.
સુશિલા: લે, તારે ય નણદોયો એવો છે ? મારે ય એવો જ નણદોયો છે હો. ઓલો ભાઇલાલભાઇ નથી એની વાત કરૂં છું. આપણાં ઘરની વાત આપણને ન ખબર હોય એટલી એને ખબર હોય બોલ. સારૂં છે આ અંબાણીને ત્યાં એના નણદોયા કોઇ આવ્યા નથી. આવ્યાં હોત તો ખબર પડી જાત મૂકાભાઇને. મૂકાભાઇએ જેમ ફીલમુવાળાવને નચાવ્યા ને એમ એ ફુવા તો મૂકાભાઇને નચાવત. જો એમ થયું હોત તો લગ્નનો રંગ કાંઇક ઓર જ હોત હો !
સરોજ: મારે ય ઓલો કચરાકુમાર નથી આવતો, અમારાં ભનીબેનનો ઘરવાળો. એ ય એવો જ છે. એમાં ય એને મારાં સાસુ હારે વધારે ભળે. એટલે તો પછી થઇ રહ્યું ને.
સુશિલા: ઇ તો ઠીક, પણ નવી વહુ તો જો. આખાં પ્રસંગમાં ક્યાંય માથે ઓઢ્યુ છે ? સસરાની હારે ફોટા પડાવે પણ માથે તો ઓઢે જ નહી. આટલી છૂટ અપાતાં હશે નવી વહુને અત્યાર થી. જો આટલી છૂટ અત્યારથી આપી દેશે તો પછી હવે મૂકેશભાઇને સુખના દિવસો ઓછા બાકી રહેશે.
સરોજ: ઘોઇરૂ હવે, એને પોસાય એમ કરે. આપણે શું ! એનો દિકરો, એની વહુ તો આપણે વચ્ચે બોલવાં વાળા કોણ !
સુશિલા: આમ તો સાચી વાત છે. મને ય તારાં ભાઇ ના જ પાડે પંચાત કરવાની. ક્યારેક જોઇ ગયાં હોય ને તો વારો પાડી દ્યે બાપા. હાલ હાલ હું નીકળુ છું. રોટલીનો લોટ બાંધીને નિકળી છું. હજી રોટલી બનાવવાની બાકી છે ને હું તારી હારે પંચાત કરવાં ઊભી રહી ગઇ. હાલો ત્યારે આવજો હો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech