જામનગર : પદયાત્રા કરી દ્વારકા જશે અનંત અંબાણી

  • March 27, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વિખ્યાત ઔદ્યોગિક ગ્રુપ રિલાયન્સના અંબાણી પરિવારના લાડલા અને પ્રાણી પ્રેમી તરીકે સ્થાપિત થયેલા અનંત અંબાણી ધર્મપ્રેમી હોવાની વાત ખૂબ જાણીતી છે ત્યારે હવે એક મોટી વાત સામે આવી છે કે, તેઓ ખાવડીથી દ્વારકા પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને જશે, આ અંગેની સત્તાવાર જાહેરાત તો કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોતાના જન્મદિનના અનુસંધાને અનંત અંબાણી આ પદયાત્રા કરવાના છે અને દ્વારકાધીશમાં પહોંચીને જન્મદિવસ મનાવવાના છે.


અનંત અંબાણી અગાઉ અનેક વખત દ્વારકા, સોમનાથ સહિતના તીર્થસ્થનાઓે માથુ ટેકવવા જતા રહ્યા છે, તાજેતરમાં જ આખા અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું, નીતા અંબાણી, કોકીલાબેન અંબાણી અને ખુદ મુકેશભાઇ અંબાણી પણ સમયાંતરે દ્વારકા, સોમનાથ સહિતના ધર્મસ્થાનોએ જતા રહે છે, પરંતુ અત્યાર સુધી કોઇએ પદયાત્રા કરી નથી અને હવે અનંત અંબાણી એ પણ કરવા જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખાવડી-વનતારા ખાતેથી અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા શરૂ કરશે, દરરોજ લગભગ દસેક કિલોમીટર કે તેથી વધુ ચાલશે, જ્યાં પહોંચે ત્યાંથી રીર્ટન થઇને બીજા દિવસે ત્યાંથી ફરી પદયાત્રા શરૂ​​​​​​​ કરશે, આમ તબક્કાવાર ખાવડીથી દ્વારકાનું અંતર કાપશે.


સ્વાભાવિક રીતે હાઇફાઇ સીક્યુરીટી ધરાવતા અંબાણી પરિવારના કુળદિપક પદયાત્રા કરવાના હોય એટલે માર્ગ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, રિલાયન્સની પોતાની ખાનગી સીક્યુરીટી તો હશે જ, ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, હાલારના પદયાત્રા કરી બન્ને જિલ્લાની પોલીસ દ્વારા પણ પોતાના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.


જેમ કે, ખાવડીથી નીકળશે ત્યારે મેઘપર-પડાણા એટલે કે જામનગર જિલ્લાની પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને જેવા તેઓ દ્વારકાની હદમાં પ્રવેશ કરશે ત્યારે દેવભૂમિ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, કહેવાય છે કે આ માટે પોલીસ તંત્ર દ્વારા એકશન પ્લાન પણ બનાવી લેવામાં આવ્યો છે, જો કે આ અંગેની કોઇ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી, એ જ રીતે રિલાયન્સ તરફથી પણ અનંત અંબાણીની પદયાત્રાને લઇને વિગતો જાહેર કરવામાં આવી નથી.

અત્રે નોંધનીય છે કે, અનંત અંબાણી સહિત આખો અંબાણી પરિવાર દ્વારકાધીશમાં અખૂટ શ્રઘ્ધા ધરાવે છે અને તેના અનેક પુરાવાઓ તેઓ ભૂતકાળમાં આપી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી આ પરિવાર તરફથી કોઇએ પદયાત્રા કરી નથી, આટલું જ નહીં, દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિના કોઇ સંતાને કોઇ ધાર્મિક સ્થળ માટે પદયાત્રા કરી હોય, એવું પણ ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી, એટલે અનંત અંબાણીની આ પદયાત્રા એ રીતે પણ ઐતિહાસિક બની રહેશે.

તેઓ ક્યાં સમયે નીકળશે ?, ક્યાં રૂટ પર ચાલશે ?, ક્યારથી શરૂ કરશે ? તેને લઇને કોઇ સત્તાવાર વિગતો મળી નથી, પરંતુ ૧૦ એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિન આવતો હોવાથી એવી અટકળો લગાવડવામાં આવી રહી છે કે કદાચ આજ અથવા કાલે જ તેઓ રાત્રિના કોઇ ચોક્કસ સમયે પોતાની પદયાત્રા શરૂ કરી શકે છે.

અનંત અંબાણીની પદયાત્રા હોવાથી સ્વાભાવિક રીતે જંગી કાફલો એમની સાથે હશે, સંભવત: રાધિકા અંબાણી સાથે હોય શકે, બીજી બાજુ રિલાયન્સની સીક્યુરીટી, પોલીસની સીક્યુરીટી, ડોકટર સહિતની અનંત અંબાણીની પર્સનલ ટીમ અને અનંત અંબાણીની પદયાત્રાના કારણે મીડીયા સહિતના અન્ય લોકો પણ જોડાશે, એટલે આ પદયાત્રા અનોખી બની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application