જામ્યુકોની સ્ટે.કમિટીના ચેરમેનના તાજ માટે અંદરખાને કાવા-દાવા

  • July 26, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર પદ માટે મુકેશ માતંગ અને વિનોદ ખીમસુરીયા: મહત્વના ચેરમેન પદ માટે ધર્મરાજસિંહ જાડેજા, કીશન માડમ, અરવિંદ સભાયા અને ગોપાલ સોરઠીયાના નામો ચર્ચામાં: કોર્પોરેશનનું રાજકારણ બન્યું ગરમ

જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદતને હવે માત્ર દોઢ મહીનો બાકી છે, તા.૧૧ સપ્ટેમ્બરના રોજ મુદત પુરી થાય છે ત્યારે હવે નવા મુરતીયા કોણ-કોણ આવશે ? તે અંગે રાજકીય લોબીંગ શરુ થઇ ચૂકયું છે, અત્યારે તો નામોની ચર્ચાઓએ જોર પકડયું છે, પોતપોતાના રાજકીય આકાઓને ભલામણ કરી રહ્યા છે તો કોઇ રાજકીય અગ્રણીઓ સાથે અવારનવાર મીટીંગ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને મેયર અને ચેરમેનના નામો ઉપર સૌથી મદાર છે, જો રાજપૂત જ્ઞાતિના વ્યકિતને ચેરમેન પદ અપાય તો ડે.મેયર પદ આ જ્ઞાતિના નગરસેવકને નહીં મળે તે પણ નિશ્ર્ચિત છે, બીજી તરફ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ કોની પસંદગી કરે છે તે કોઇને ખબર પડતી નથી અને પાંચ નામમાંથી એકાદ-બે નામ એવા આવશે કે કોર્પોરેટરોએ પણ ધાર્યુ નહીં હોય, આ તો રાજકારણ છે કયારે બાજી પલ્ટી જાય તેની ખબર પડતી નથી, જ્ઞાતિના સમીકરણો જોવામાં આવશે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં નગરસેવકોએ કરેલા કામોની પણ ઉચ્ચ કક્ષાએથી નોંધ લેવાય છે ત્યારે કોના ગળામાં આ મહત્વની વિજયની વરમાળા પહેરાવવામાં આવશે તેના ઉપર સૌ કોઇની ચાતક નજર છે.
આગામી મહીનાઓમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને જ્ઞાતિનું ફેકટર જોઇને પણ આ નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવે તેવી શકયતા છે, ચર્ચાઓ ચાલી રહી છે કે, મેયર પદ માટે અત્યારે તો મુકેશ માતંગ અને વિનોખ ખીમસુરીયા હોટ ફેવરીટ છે, એસસી જ્ઞાતિના કોર્પોરેટરને આ પદ મળશે, જો આ બંને વચ્ચે તેમના રાજકીય આકાઓ તેના નામ ઉપર જોર લગાવશે તો જેન્તીભાઇ ગોહીલ પણ કદાચ સ્પર્ધામાં આવી જાય, હાલ તો અત્યારે આ મહત્વના પ્રથમ નાગરિકના પદ માટે ત્રણ ઉમેદવારો ગણતરીમાં કહી શકાય.
ધર્મરાજસિંહ જાડેજા ચેરમેન પદ માટે સક્રિય થયા હોવાનું રાજકીય પંડીતો કહી રહ્યા છે, ઉપરાંત આ વખતે ૭૯ મત વિસ્તારમાં સૌથી વધુ ૧૫ હજારથી વધુ ભાજપની લીડ લાવનાર અને આરએસએસથી નજીક અરવિંદ સભાયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે, જયારે કિશન માડમનું નામ કેટલાક લોકો કહી રહ્યા છે અને એક વખતે ડે.મેયર બની ચૂકેલા અને ભાજપનું મહામંત્રી પદ છોડનાર ગોપાલ સોરઠીયાને પણ ચેરમેન પદની ભારે ઇચ્છા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ડે.મેયર પદ કદાચ મહીલાને અપાય તેવી પણ સંભાવના છે, હાલમાં ત્રણ મહીલા વચ્ચે સ્પર્ધા હોવાનું રાજકીય નિરીક્ષકો કહે છે જેમાં તૃપ્તીબેન ખેતીયા, ક્રિષ્નાબેન સોઢા અને હર્ષાબા જાડેજા ચર્ચામાં ચાલી રહ્યા છે, જો ચેરમેન પદ રાજપૂત જ્ઞાતિના વ્યકિતને મળે તો હર્ષાબા જાડેજાનું નામ આપોઆપ ડે.મેયરના પદમાંથી નિકળી જશે, કોને-કોને સાંભળવા તે અંગે પણ ચર્ચા થશે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે નેતા અને દંડક પદે કોઇકને સાચવી લેવાશે તેમ અત્યારે મનાય છે.
જામનગર મહાનગરપાલિકાનું રાજકારણ હવે ધીરે-ધીરે ચોમાસામાં ગરમ બની રહ્યું છે, હજુ તો દોઢેક મહીનાની ચૂંટણીને વાર છે, કદાચ ઓગષ્ટમાં પદાધિકારીઓની પસંદગી કરી લેવામાં આવે અને ત્યારબાદ તરત જ જનરલ બોર્ડ બોલાવી લેવામાં આવે તેવા કારસા ઘડાઇ રહ્યા છે, કોણ કોના ગ્રુપમાં છે તે હજુ નકકી થતું નથી, કચ્છી ભાનુશાળી જ્ઞાતિના કોર્પોરેટરને ચેરમેન પદ પણ મળી ચૂકયું છે અને સતવારા જ્ઞાતિના કોર્પોરેટરને ડે.મેયર પદ મળ્યું છે જયારે બ્રાહ્મણ મહીલા નગરસેવિકાને નેતા પદ મળ્યું છે અને ઓચીંતુ દંડક પદે ઓશવાળ જ્ઞાતિને પદ મળ્યું છે ત્યારે જ્ઞાતિના સમીકરણ કઇ રીતે ચાલે છે તે પણ જોવામાં આવશે, પરંતુ પાર્લામેન્ટ્રી બોર્ડ છેવક સુધી આ મામલે સસ્પેન્સ રાખશે, એવું પણ બને એકાદ-બે નામ પદાધિકારીઓમાં કોઇએ ધાર્યા પણ ન હોય તેમની નિમણુંક પણ કરી દેવાય, ટુંકમાં જે નિમણુંક કરાશે તેનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં બરોબર થઇ શકે તેવી ગોઠવણ પણ ચાલી રહી છે, મેયર અને ચેરમેનના મહત્વના પદ માટે કયાં રાજકીય નેતાનો હાથ ઉપર રહેશે તે તો આવનારો સમય કહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application