હાર્ટ એટેકે બાળકને શિકાર બનાવ્યું, જસદણના જંગવડ ગામમાં ધો.5માં ભણતા 11 વર્ષીય માસુમનું હૃદય થંભી જતા મોત, પરિવાર પર આભ ફાટ્યું

  • January 29, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના જંગવડમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવાર ચિંતિત થયો હતો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે.


તાજેતરમાં જ બાળકે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમમાં મેદાન માર્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ, ધોરણ-5માં અભ્યાસ કરતો હેતાંશ રશ્મિકાંત દવે એક તેજસ્વી વિદ્યાર્થી હતો. હેતાંશ અભ્યાસ ઉપરાંત રમત-ગમતમાં પણ આગળ પડતો હતો. દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાંશને જીવ ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.


બાળકો થઈ રહ્યા છે હાર્ટએટેકના શિકાર
હમણાં થોડા સમય પહેલા જ 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાના બનાવના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.


હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં વધારો
છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. યુવાનો બાદ હવે બાળકો પણ હાર્ટએટેકનો ભોગ બનવા લાગ્યા છે. હાર્ટ એટેકને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં સામે આવ્યું કે ઊંઘ સંબંધિત સમસ્યા ધરાવનાર લોકો જલ્દી હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. તેમજ ઓછું પાણી પીનારા અને ઓછી ઊંઘ ધરાવનારા લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થાય છે. આથી લોકોએ ઉંમર મુજબ પાણીનું સેવન તેમજ પૂરતી ઊંઘ અને સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ.


હાર્ટ એટેકના લક્ષણો

  • છાતીની મધ્યમાં અથવા ડાબી બાજુએ દબાણ, ચુસ્તતા, ભારેપણું અથવા દુખાવો જે થોડી મિનિટો કરતાં વધુ ચાલે છે અથવા બંધ થઈ જાય અને પાછો થાય.
  • એક અથવા બંને હાથ, પીઠ, ગરદન, જડબા અથવા પેટમાં બેચેની અથવા દુખાવો અનુભવવો
  • ગરમી કે કસરત વિના વ્યક્તિ પરસેવામાં તરબોળ થઈ શકે છે.
  • કોઈ પણ કારણ વગર ખૂબ જ થાક લાગવો, કેટલાક લોકો તેને પેટમાં ખરાબી સમજે છે.
  • શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ઉલટી જેવી લાગણી.
  • હૃદયના ધબકારામાં વધારો અથવા ઘટાડો
  • છાતીમાં અગવડતાની લાગણી
  • ગેસ થયો હોય તેવું લાગવું.



હાર્ટ એટેકના કારણો

  • હૃદયરોગના હુમલાનું સૌથી સામાન્ય કારણ કોરોનરી આર્ટરી ડિસીઝ છે. આમાં, ચરબી અને કોલેસ્ટ્રોલને કારણે ધમનીઓમાં પ્લેક જમા થાય છે જે ધમનીઓને સાંકડી કરે છે અથવા બ્લોક કરે છે. તેનાથી હૃદયના સ્નાયુમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને નુકસાન થઈ શકે છે.
  • ધૂમ્રપાન ધમનીઓના અસ્તરને નુકસાન પહોંચાડે છે જ્યાં પ્લેક રચાય છે.
  • સ્થૂળતા હૃદયના રોગોનું જોખમ વધારી શકે છે અને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે.
  • દીર્ઘકાલીન તણાવ પણ હૃદય રોગનું કારણ બની શકે છે.
  • શારીરિક પ્રવૃત્તિનો અભાવ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.


હાર્ટ એટેકથી બચવાના ઉપાયો

  • હેલ્ધી વજન જાળવો, કારણ કે વધારે વજન હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. નિયમિત કસરત મહત્વપૂર્ણ છે, અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ કસરત હૃદયના રોગોના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
  • જો તમે ધૂમ્રપાન કરો છો, તો તેને છોડવું વધુ સારું રહેશે કારણ કે તે હાર્ટ એટેક માટે જવાબદાર હોઈ શકે છે. દારૂનું સેવન ટાળો
  • જો તમને ડાયાબિટીસ હોય તો તમારા બ્લડ પ્રેશર પર નજર રાખો અને જો જરૂરી હોય તો દવાથી તેને જાળવી રાખો, તમારા બ્લડ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે.
    અને સૌથી અગત્યનું, ઊંઘની ગુણવત્તામાં સુધારો હૃદયના સ્વાસ્થ્યના જોખમોને ઘટાડવામાં પણ ભૂમિકા ભજવી શકે છે.
  • તણાવને નિયંત્રિત કરવા માટે, તમારે યોગ અને ધ્યાન કરવું જોઈએ.
  • તમારા સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવો, ખાસ કરીને જો તમને હૃદયની બીમારી હોય, તો નિયમિત ચેકઅપ કરાવવું વધુ સારું રહેશે.
  • સ્વસ્થ આહાર લો, પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ, તેમાં વિટામીન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application