અમીત શાહનું જામનગરમાં રાત્રી રોકાણ: દ્વારકામાં જગતમંદિરના દર્શન કર્યા

  • May 20, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહમંત્રી ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે: શંકરાચાર્યજીના આર્શિવાદ લેશે ત્યારબાદ શિવરાજપૂર બીચની મુલાકાત લઇ મોજપમાં બીએસએફના મથકે લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરશે: એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગઇકાલે મોડી રાત્રે ૧૦:૩૦ આસપાસ એરફોર્સના વિમાની મથકે આવી પહોંચતા સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, આઇજી અશોક યાદવ, એસપી પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર ભાવેશ ખેર અને એર કમાન્ડન્ટ આનંદ સોઢીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ ગૃહમંત્રીનો કાફલો રાત્રે જામનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યો હતો, તે દરમ્યાન મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, રાત્રે ભાજપના કોઇપણ નેતાને ગૃહમંત્રી મળ્યા નથી અને સવારે ૧૧ વાગ્યા આસપાસ તેઓ દ્વારકા જવા રવાના થયા છે.
કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત ખુબ જ સુચક બની રહી છે, પરંતુ તેઓએ ભાજપના કાર્યકરોને બોલાવ્યા ન હતાં તેથી કાર્યકરોને પણ આશ્ર્ચર્ય થયું છે, આજે બપોરે લગભગ ૧૧:૪૫ વાગ્યા આસપાસ દ્વારકા તેઓ પહોંચ્યા હતાં, પ્રવાસ બાદ સાંજે તેઓ સીધા જામનગર પરત આવી અમદાવાદ જવા રવાના થશે અને દ્વારકામાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક અને જિલ્લા ભાજપના પ્રમુખ મયુર ગઢવીએ તેમનું હેલીપેડ પર સ્વાગત કર્યુ હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૦ મેના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે તેઓ દ્વારકા ખાતે અનંત વિભૂષીત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી  મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને ત્યારબાદ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે તેમજ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ, ઓખાની મુલાકાત લેશે.
ગૃહમંત્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સિરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે.
નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.  ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે ગઅઈઙને વિકસાવવા માટે રુા.૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રુા.૧૬૪ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી ૧૮ કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની  ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સિરક્રીકમાં લખપતવારી બેટ ખાતેના ઓપી ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે. આ ઓપી ટાવર બીએસએફ ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે. એનએસીપી, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, બીએસએફ પણ ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application