જામનગર રંગમતી ડેમના ક્ષતિગ્રસ્ત તમામ પાંચ દરવાજા બદલાયા, હોનારતની ભીતિ ટળી

  • May 17, 2025 12:05 PM 

આગોતરૂ​​​​​​​ આયોજન: રંગમતી ડેમના તમામ દરવાજા સડી જતા સિંચાઇ વિભાગ દ્વારા ‚૧.૧૪ કરોડના ખર્ચે નવા નાખવામાં આવ્યા૪ દરવાજા બદલાવાની કામગીરી પૂર્ણ: ૧ દરવાજાનું કામ બાકી: ચોમાસા પહેલા તમામ કામગીરી પૂરી થતાં ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકશે


જામનગર તાલુકાના રંગમતી ડેમના ક્ષતિગ્રસ્ત તમામ પાંચ દરવાજા બદલાવવામાં આવતા હોનારતની ભીતિ ટળી છે, રંગમતી ડેમના તમામ દરવાજા સડી જતાં સિંચાઇ વિભાગ દ્વારા આગોતરૂ​​​​​​​ આયોજન કરી ૧.૧૪ કરોડના ખર્ચે તમામ દરવાજા નવા નાખવામાં આવ્યા છે, જે પૈકી ચાર દરવાજા બદલાવવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, જ્યારે એક દરવાજાનું કામ બાકી છે, ચોમાસા પહેલા તમામ કામગીરી પૂરી થતાં ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકશે. 


જામનગર તાલુકાના મહત્વના અને વર્ષો જુના રંગમતી ડેમના દરવાજા સમયાંતરે ક્ષતિગ્રસ્ત થયા હતા. ડેમના તમામ પાંચ દરવાજા સડી જતાં સિંચાઇ વિભાગ દ્વારા આગોત
રૂ​​​​​​​ આયોજન કરી ચોમાસા પહેલા તમામ દરવાજા બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ગત તા. ર૪/૧૦/ર૦ર૪ થી શરૂ​​​​​​​ કરવામાં આવી હતી. આ કામગીરી પાછળ ૧૧૪.૭૯ લાખના ખર્ચનો અંદાજ વ્યકત કરાયો હતો, ડેમના તમામ પાંચ દરવાજા બદલાવવાની કામગીરી તા. ૩૦/૦પ/ર૦રપ ના એટલે કે ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ડેમના પાંચ પૈકી ચાર દરવાજાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, હવે ફક્ત એક દરવાજાની કામગીરી બાકી છે, જે ચોમાસા પહેલા પૂર્ણ થઇ જશે. ડેમના દરવાજા બદલાવવાના હોય, ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હતું, ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, રંગમતી ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા બદલાવવાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થઇ જતાં હોનારતની ભીતિ ટળી છે. બીજી બાજુ ડેમના હેઠવાસના ગામોમાં રહેતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.


ડેમમાંથી પ૭ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું હતું...

રંગમતી ડેમના તમામ પાંચ દરવાજા બદલાવવામાં આવતા આ ડેમમાં સંગ્રહ થયેલું પ૭ એમસીએફટી પાણી ગત તા. ૩૦/૩/ર૦રપ ના રોજ છોડવામાં આવ્યું હતું, જે પૈકી ૩૦ એમસીએફટી પાણી શહેરની શાન સમાન લાખોટા તળાવમાં ઠલવાયું હતું, જ્યારે ર૭ એમસીએફટી પાણી નદી, નાળા, તળાવ અને ચેકડમમાં છોડવામાં આવ્યું હતું. આથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. 

ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા...

રંગમતી ડેમના તમામ દરવાજા બદલાવવાના હોય, ડેમમાં સંગ્રહ થયેલું પ૭ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું હતું, આથી ડેમની હેઠવાસમાં આવતા ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જુના નાગના અને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ડેમ સાઇટના અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application