માત્ર 17 વર્ષની ઉમરમાં, હાથ ન હોવા છતાં જમ્મુ-કાશ્મીરના આર્ચરે ડેબ્યૂ પેરાલિમ્પિક્સમાં રચ્યો ઈતિહાસ

  • August 30, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા એથ્લેટ્સ આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન માત્ર 17 વર્ષની તીરંદાજ શીતલ દેવીનું હતું. વિશ્વની પ્રથમ આર્મલેસ તીરંદાજ શીતલ દેવી પેરાલિમ્પિકમાં ડેબ્યૂ કરવા આવી હતી અને તેણે મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. પેરિસમાં તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડ દરમિયાન તેણે 703 પોઈન્ટ બનાવ્યા અને વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો છે. જોકે, થોડા સમય બાદ તુર્કીની ઓઝનુર ગીર્ડી ક્યોરે 704 પોઈન્ટ સાથે શીતલને પછાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.



શીતલ દેવી જમ્મુ-કાશ્મીરના નાના ગામ કિશ્તવાડની રહેવાસી છે. 17 વર્ષની શીતલ ફોકોમેલિયા નામની જન્મજાત બીમારીથી પીડિત છે. બાળપણથી જ તેના બંને હાથ નથી પરંતુ તેણે જીવનમાં ક્યારેય હાર માની નથી. હવે તેણે પેરિસમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. શીતલે 720 માંથી 703 માર્ક્સ મેળવ્યા અને રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી છે. આ તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. આ સાથે તે 700 પોઈન્ટ મેળવનારી ભારતની પ્રથમ મહિલા તીરંદાજ બની ગઈ છે. તેના પરફોર્મન્સ અને ઉત્સાહને જોઈને તેને ઘણી પ્રશંસા મળી રહી છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સહિત ઘણા પ્રશંસકો અને સેલિબ્રિટી તેના કૌશલ્યને સલામ કરી રહ્યા છે.



વિશ્વ અને પેરાલિમ્પિક રેકોર્ડ્સ

શીતલ દેવીનો વ્યક્તિગત વર્લ્ડ રેકોર્ડ તરત જ તૂટી ગયો હોવા છતાં, મિશ્ર ટીમ ઇવેન્ટ સફળ રહી હતી. શીતલ દેવી અને રાકેશ કુમારની ટીમે સાથે મળીને પેરિસ પેરાલિમ્પિકમાં તીરંદાજીમાં વિશ્વ અને પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. શીતલના 703 પોઈન્ટ બાદ રાકેશ કુમારે તેના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં 696 પોઈન્ટ મેળવ્યા હતા. આ રીતે  પોતપોતાના રેન્કિંગ રાઉન્ડના અંત પછી બંનેએ મળીને કુલ 1399 પોઈન્ટ્સ મેળવ્યા હતા. મિશ્ર ટીમ ઈવેન્ટમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આ સાથે બંને જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ બીજી તારીખે રાત્રે 8:40 કલાકે રમાશે.



શીતલ દેવી અને રાકેશ કુમારની બનેલી ટીમ ઈન્ડિયાએ પોતાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો અને પોતપોતાના રેન્કિંગ રાઉન્ડના અંત પછી 1399 નો સંયુક્ત સ્કોર નોંધાવીને નવો PR પણ સેટ કર્યો.


શીતલ દેવીની કારકિર્દીની શરૂઆત

17 વર્ષની ઉંમરે ઈતિહાસ સર્જનાર શીતલે 15 વર્ષની ઉંમર સુધી ધનુષ અને તીર પણ જોયું ન હતું. 2022 માં તેનામાં એક મોટો બદલાવ લાવ્યો. તેણીના એક પરિચિતની વિનંતી પર શીતલે જમ્મુના કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. તે તેના ઘરથી લગભગ 200 કિમી દૂર છે. ત્યાં તેઓ અભિલાષા ચૌધરી અને તેમના બીજા કોચ કુલદીપ વેદવાનને મળ્યા, જેમણે તેમને તીરંદાજીની દુનિયામાં પરિચય કરાવ્યો. આ પછી તે ટૂંક સમયમાં કટરા શહેરમાં શિફ્ટ થઈ ગઈ અને ટ્રેનિંગ શરૂ કરી અને 2 વર્ષની અંદર તેણે પેરાલિમ્પિક્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application