ડઝનબંધ નાગરિકોનું ૩૭.૮૪ લાખનું સોનું ચાઉં કરી ભાગી છુટેલો સોની વેપારી પકડાયો

  • August 19, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ દિવસના રિમાન્ડ પર: પોલીસ દ્વારા રૂપિયા ૫.૪૦ લાખનું સોનુ અને ૭૯,૦૦૦ ની રોકડ રકમ કબ્જે કરાઇ: વધુ ભોગ બનનાર ત્રણ નાગરીકો સામે આવ્યા


જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી જામનગરના ૧૨ જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી ૩૭.૮૪ લાખ નું ફૂલેકું ફેરવીને ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ થઈ હતી, જે સોની વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.


પોલીસ દ્વારા તેની પાસેથી રૂપિયા ૫.૪૦ લાખનું સોનુ તેમજ ૭૯,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેનો ભોગ બનનાર વધુ ત્રણ નાગરિકો સામે આવ્યા છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા કે જેણે ગત તારીખ ૮.૧૨.૨૦૨૩ થી ૩૦.૬.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનુ બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુ મંતર થઈ ગયા હતા.


આ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે રૂપિયા ૩૭.૮૪ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જે વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને આજે સાંજે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતાં અદાલત દ્વારા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.


ઉપરોક્ત આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી, અને જામનગરના અન્ય કેટલાક નાગરિકો તેમ જ સોની વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. દરમિયાન તેનો ભોગ બનનારા વધુ ત્રણ નાગરિક સામે આવ્યા છે. જેની પણ પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે.  ઉપરાંત ઉપરોક્ત આરોપી પાસેથી રૂપિયા ૭૯ હજારની રોકડ રકમ તેમજ પાંચ લાખ ચાલીસ હજાર ની કિંમત નું સોનુ કબજે કરી લેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News