લાગણી, ભાવ, ઊર્મિ, વૃત્તિ વગેરે માણસના મગજમાં પેદા થાય છે કે તેના મનમાં? મગજમાં કેમિકલ લોચા ન થાય તો આ બધું જન્મે ખરું? મન ન હોય તો કેમિકલ લોચા સંભવ બને? માનવીની ચેતના ક્યાંથી જન્મે છે? મગજમાંથી કે મનમાંથી? આ પ્રશ્નોના જવાબ દેખાય છે એટલા સહેલા નથી. આ પ્રશ્નોનું અત્યારે જેટલું મહત્વ છે એટલું અગાઉ ક્યારેય નહોતું. માણસના મગજ વિશે અત્યારે જેટલું સંશોધન થઇ રહ્યું છે એટલું ભૂતકાળમાં કયારેય થયું નથી. અત્યાર સુધી તબીબી ઉપયોગ માટે મગજ વિશે રીસર્ચ થતું હતું એટલે ભંડોળની તંગી રહેતી. હવે બિઝનેસ માટે સંશોધનો થઇ રહ્યા છે, નાણાંની રેલમછેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઇને માણસના મગજની જેમ વિચારતું કરવા માટે મગજને સમજવાની હોડ લાગી છે. ચેટ જીટીપી જેવાં લાર્જ લેન્ગવેજ મોડેલ ગમે તેટલાં બને, જયાં સુધી તે અદ્લ માણસની જેમ વિચારી નહીં શકે ત્યાં સુધી તેની કિંમત નથી. ત્યાં સુધી તે મશિનો જ બની રહેશે, જે ઘણાં કામ સરળતાથી કરી શકે. ત્યાં સુધી તેનામાં બુધ્ધિ છે એવું કહી શકાશે નહીં. વિશ્વભરની કંપનીઓને સમજાઇ ગયું છે કે ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું છે એટલે તેમાં અઢળક નાણાં રોકી રહી છે.
એઆઇને માણસની જેમ વિચારવા સમર્થ નથી કારણ કે માનવ મગજ કઇ રીતે વિચારે છે, વિચારતી વખતે ન્યુરોન્સમાં કઇ કઇ પ્રક્રિયાઓ થાય છે તે બાબતે નક્કર જાણકારી નથી. ન્યુરોન્સના એક વિસ્તૃત નેટવર્કમાં માહિતી પ્રોસેસ થાય છે, તેને યાદ રાખવામાં આવે છે અને વિચારતી વખતે ઉપલબ્ધ માહિતીનું એનાલિસિસ કરીને નિર્ણય લેવામાં આવે તે પ્રોસેસ બાબતે જે માહિતી અત્યાર સુધી હતી તે પ્રાથમિક જ હતી તેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવતી વખતે સમજાયું. હવે તબીબો નહીં, ટેકનિશિયનો મગજને સમજવા માટે દિમાગ લગાવી રહ્યા છે. માણસના મગજ અને કોમ્પ્યુટર વચ્ચે બેઝિક તફાવત એ છે કે મગજમાં ન્યુરોન્સ પ્રોસેસિંગ અને યાદ રાખવાનું એ બંને કામ કરે છે, કોમ્પ્યુટર આ બેય કામ અલગ અલગ કરે છે. ન્યુરોન્સ એકબીજા સાથે વાત કરી લે, કોઇ એક કામ માટે અલાયદુ નેટવર્ક રચી લે, એ નેટવર્ક ત્યાર પછી ડિલિટ પણ થઇ જાય, દરેક ટાસ્ક વખતે ન્યુરોન્સ જયાં જયાં માહિતિ સંગ્રહિત થઇ હોય તે જગ્યા સુધી પહોંચવા માટેના પાથ બનાવી લે, માહિતિને તેના મહત્વ મુજબ વિભાજિત કરી લે એવાં જટિલ કામ સાવ સરળતાથી કઇ રીતે કરતાં રહે અને તેમાં મગજના વિવિધ ભાગો કઇ રીતે ભાગ ભજવે તે આશ્ચર્યકારક પ્રોસેસ સમજવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. અબજોની સંખ્યામાં નર્વ સેલ ધરાવતું મગજ માત્ર યાદ રાખવાનું, વિચારવાનું અને નિર્ણય લેવાનું જ કામ નથી કરતું, તે લાગણીઓ પણ પેદા કરે છે, તે માણસની વર્તણૂક અને તેનું વ્યક્તિત્વ બનાવે છે. મગજ માત્ર ગણતરી કરનાર કોમ્પ્યુટર નથી, એ કલ્પનાઓ કરે છે, ધારણાઓ બાંધે છે, અંદાજ લગાવે છે. મશીન આવું ન કરે. મગજનું ગ્રે મેટર કહેવાતાં સેરેબ્રલ કોર્ટેક્સની કરચલીઓ કોઇ સુપર કોમ્પ્યુટર કરતાં વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે અને એમાં પણ મહત્વની માહિતી જ સંઘરે, નકામી ઇન્ફોર્મેશનને ડીલિટ કરી નાખે. આખાં શરીરના દરેક ભાગ, દરેક કોષ સુધી મગજના તાર જોડાયેલા રહે અને એમાં પણ ડાબી બાજુના મગજમાં જમણી તરફના શરીરનું નિયંત્રણ કરવાનું વાયરિંગ કરેલું હોય, ડાબી તરફનું મગજ શરીરના જમણા ભાગ સાથે જોડાયેલું હોય. થેલેમસ અને હાઇપોથેલેમસ વળી અલગ જ પ્રકારના કામ કરતાં હોય. ન્યુરોટ્રાન્સમીટર વળી જુદા જ પ્રકારની કામગીરી કરતાં હોય. અમુક કામ મગજ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ મોકલીને કરે, અમુક કામ કેમિકલ સિગ્નલ મોકલીને કરે. કયારે કેટલું કેમિકલ રીલિજ કરવું એ નકકી કરવા માટેની વળી આખી અલગ જ વ્યવસ્થા. એમાંથી કેમિકલ લોચા થઇ જાય અને માણસ માણસ બને. એવું પણ નહીં કે બધા આદેશ મગજ જ આપે. કયારેક મગજને પૂછયા વગર જ નર્વસ સિસ્ટમ પોતે નિર્ણય લઇ લે. ગરમ તપેલાંને પકડી લો ત્યારે મગજને પૂછ્યા વગર જ ચેતાઓ એને છોડી દેવાનો આદેશ આંગળીઓના સ્નાયુઓને આપી દે. માથું પકવી દે તેવી પળોજણ છે ને ? આ પળોજણ તમારું મગજ સતત, દરેક સેકન્ડે કરતું જ રહે છે. વાંચતાં કંટાળી ગયા હો તો કહી દઉં, આ કંટાળો પણ મગજે પેદા કર્યો છે. વિજ્ઞાન મગજને આટલું અથવા આનાથી થોડું વધુ સમજી શક્યું છે.
મુદ્દો એ છે કે મગજને સમજી લેવાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની સમકક્ષ બની જવાનું નથી. માણસ જેવું મગજ તો પ્રાણીઓ પાસે પણ છે. ઘણા પ્રાણીઓ માણસ કરતાં મોટું મગજ ધરાવે છે. માણસનું મગજ એવરેજ દોઢ કિલોનું હોય છે, ટુ બી પ્રિસાઇઝ, ૧.૪ કિલો. સ્પર્મ વ્હેલનું બ્રેઇન ૭.૮ કિલો, હાથી પાંચ કિલો, કિલર વ્હેલ સાડા પાંચ કિલો વજનનું મગજ ધરાવે છે. આ બધાં પ્રાણીઓ અમુક બાબતે બુધ્ધિશાળી છે પણ માણસ જેવી બુધ્ધિ તેમનામાં નથી. ડોલ્ફિન અત્યંત બુધ્ધિશાળી છે પણ તેનાં મગજનું વજન પણ દોઢ કિલો જ છે અને માણસની નકલ કરી શકતા અને ઘણાં કામ કરી શકતા ચિમ્પાન્ઝીનું મગજ સરેરાશ માત્ર ચારસો ગ્રામનું હોય છે. માણસ કરતાં વધુ મોટા મગજ હોય તેવા પ્રાણીઓ પણ કેમ માણસ જેટલી અથવા તેના હજારમા ભાગની પણ બુધ્ધિ ધરાવતા નથી? માણસ પાસે મન છે, જે આ બધાં બાહુબલી મગજ ધરાવનારાઓ પાસે નથી. તેમનાં મગજનો વિકાસ થયો છે, મનનો નથી થયો. એની સામે કીડી જેવા નાના જીવમાં પણ શુક્ષ્મ મગજ છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જો શરીરના પ્રમાણમાં જોઇએ તો કીડી પેલી આઠ કિલોનું બ્રેઇન ધરાવતી સ્પર્મ વ્હેલને પણ પછાડી દે છે. સ્પર્મ વ્હેલના ૪૦ ટનના શરીરના પ્રમાણમાં તેનું આઠ કિલોનું મગજ અત્યંત નાનું છે, કીડીનું મગજ તેના શરીરના બાર ટકા હિસ્સો ધરાવે છે જે સૌથી વધુ છે. છતાં નથી કીડી એટલી બુધ્ધીશાળી કે નથી સ્પર્મ વ્હેલ.
માણસનું બાળક જન્મે પછી તરત તેની બુધ્ધિનો વિકાસ થવા માંડે. તેની ચેતના કઈ રીતે બને, તેનું મન કઇ વિકાસ પામે છે એ પણ હજી સમજી શકાયું નથી. મગજ નામનો હાર્ડવેર તો માણસમાં બાળકને જન્મની સાથે તૈયાર મળે છે પણ મન નામનો સોફટવેર કોણ બનાવે છે, કોણ ઇન્સ્ટોલ કરે છે તે નથી સમજાયું. આ સોફટવેર ઇન્સ્ટોલ નથી થતો, મગજમાં ડેવલપ થાય છે અને તે જયાં સુધી માણસ જીવતો રહે ત્યાં સુધી અપડેટ અને અપગ્રેડ થતો જ રહે છે. વાસ્તવમાં તો મન સોફ્ટવેર નથી અને મગજ હાર્ડવેર નથી. તેનાથી ઘણા વિશેષ છે. બંને અલગ ભાસે છે પણ સાવ અલગ નથી. માણસ મૃત્યુ પામે તે પછી પણ તેનું મગજ ચાલતું રહે છે. મગજ મોડું મરે છે. મન સૌથી છેલ્લે મરે છે. મગજ કામ કરતું રહે છે એટલે જ માણસને હાર્ટ એટેક આવે અને હૃદય બંધ પડી જાય પછી પણ સીપીઆર આપીને કે કરંટ આપીને ચાલતું કરવાથી માણસ ફરી જીવતો થઇ જાય છે. વાસ્તવમાં માણસ ત્યારે મર્યો હોતો જ નથી. માણસ ખરેખર ત્યારે મરે છે જયારે તેનું મન મરે છે, ચેતના મરે છે, મગજ મરે છે. એઆઈને માણસ જેવી બનવવા માટે તેમાં મન અને ચેતના પેદા કરવા પડશે. એઆઈ જયારે સપના જોઈ શકશે ત્યારે તે માણસ જેવી બુદ્ધિ કહેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech