ખંભાળિયાના યુવાનને અપમાનિત કરી છરી વડે હુમલો

  • July 12, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી નાખવાની ધમકી સબબ યુવાન સામે ફરિયાદ

ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આશાપુરા ચોક ખાતે રહેતા અશોકભાઈ ભીમાભાઈ ડોરુ નામના ૨૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા રાજુ ઉર્ફે રવિ ગંગારામ ગોંડલીયા નામના શખ્સ દ્વારા બોલાચાલી કરી, અશોભનીય શબ્દો કહી અને બિભત્સ ગાળો કાઢ્યાની તથા બે ફડાકા ઝીંકી દઈને છરી વડે પાંસળીના ભાગે હુમલો કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે અશોક ડોરૂની ફરિયાદ પરથી રાજુ ગોંડલિયા સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), એટ્રોસિટી એક્ટ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
**
દ્વારકામાં બાવાજી પરિવારને અપશબ્દો કહેતા ત્રણ મહિલા સામે રાવ
દ્વારકાના રામપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ કલ્યાણદાસ દુધરેજીયા નામના ૩૩ વર્ષના બાવાજી યુવાન તથા તેમના બાળકો અને પત્નીને અવારનવાર બિભત્સ ગાળો કાઢવા સબબ તેમના પાડોશીઓ કાજલબેન રમેશભાઈ દાણીધારીયા, નિરાલીબેન રમેશભાઈ અને મીનાબેન રમેશભાઈ દાણીધારીયા સામે દ્વારકા પોલીસ મથકમાં ૫૦૪ મુજબ ગુનો નોંધાયો છે.
**
જામજોધપુરનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
જામજોધપુર તાલુકાના વેરાડ ગામે રહેતા ઈમરાન આમદ રાવકરડા નામના ૨૧ વર્ષના સંધિ મુસ્લિમ યુવાનને ભાણવડ તાલુકાના સેવક દેવરીયા ગામની નદીના કાંઠેથી પોલીસે ૧,૦૦૦ની કિંમતની પાસ-પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application