મહિલા જજની ચેકબુક પટ્ટાવાળાએ ચોરી રૂ.10.50 લાખના ચેક વટાવવાની કોશિશ

  • December 22, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ચીફ જયુડિશયલ કોર્ટમાં ફરજ બજાવતા મહિલા જજને ત્યાં કામ કરનાર કોર્ટના પટ્ટાવાળાએ બેંકીગ કામ દરમિયાન જજની જાણ બહાર તેમની ચેક બુકમાંથી બે ચેક કાઢી લઇ બાદમાં આ ચેક બુક ચોરી કરી લીધી હતી.ત્યાર બાદ તેણે આ બંને ચેકમાં મળી રૂ.10.50 લખાની રકમ ભરી તેમા જજની બનાવટી સહિ કરી બેંકમાં વટાવવામાં માટે રજુ કર્યા  હતાં.આ અંગે બેંકે ખરાઇ કરવા માટે જજને ફોન કરતા પટ્ટાવાળના કરતુતનો ભાંડાફોડ થયો હતો.બાદમાં તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર જામટાવર ચોક પાસે સી.એલ.એફ ક્વાર્ટરમાં રહેતા અને મોચી બજાર કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવનાર મહિલા જજ જ્યોત્સનાબેન વિનુભાઈ પરમાર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પટાવાળા નરેશ તાવિયાનું નામ આપવામાં આવ્યું છે.


મહિલા જજે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તારીખ 23/ 5/ 2022 ના રાજકોટ મુકામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર સંભાળ્યો હતો અને તેમને રેસકોર્સ રીંગરોડ બહુમાળી ભવન સર્કલ પાસે હોમગાર્ડ કેમ્પસમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. તેમના નિવાસ્થાને કામકાજ અર્થે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી પટાવાળા તરીકે નરેશ તાવયા નામનો કર્મચારી ફાળવવામાં આવ્યો હતો. જે ઘરના નાના-મોટા કામકા તેમજ બેન્કિંગને લગતા કામકાજ કરતો હતો. મહિલા જજ નરેશ તાવીયાને દર મહિને પ્રીમિયમ ભરવા માટે સેવિંગ એકાઉન્ટનો ચેક આપીને પ્રીમિયમ ભરવા માટે મોકલતા હતા.


વર્ષ 2023 ના મે માસ દરમિયાન તેઓની એસબીઆઇની સેવિંગ એકાઉન્ટની ચેકબુક ગુમ થઈ ગઈ હતી. જેથી તેમણે હોસ્પિટલ ચોકમાં આવેલી એસબીઆઇની બ્રાન્ચે જઈ ચેકબુક ગુમ થયા અંગેની જાણ કરી આ ચેક રદ કરી નાખવા કહ્યું હતું.દરમિયાન તા.19/12/2023 ના તેમના મોબાઈલ પર એસબાઇ બેન્ક વિરાણી ચોક શાખાના કર્મચારીનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે, તમારા એકાઉન્ટના બે ચેક અમારી બ્રાન્ચમાં ભરવામાં આવ્યા છે જે બંન્ને ચેક આપ્ના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે કે કેમ? આ સાંભળી મહિલા જજ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આવા કોઈ ચેક તેઓએ આપ્યા ન હતા. જેથી તેમણે બેંકે રૂબરૂ જઇ તપાસ કરી હતી.જેમાં માલુમ પડ્યું હતું કે અગાઉ ખોવાઈ ગયેલ ચેકનો કોઈએ દુરુપયોગ કરી તેમાં ખોટી અને બનાવટી સહી કરી રૂ.5,00,000 ની રકમ ભરી શૈલેષ ગોવિંદભાઈ ભૂસડીયાના નામે ચેક ભર્યો હતો તેમજ અન્ય ચેકમાં રૂ 5.30 લાખની રકમ ભરી આ ચેક નિલેશ દેવશીભાઈ વલાણીના નામે ભર્યો હતો અને આ બંને ચેકોમાં ફરિયાદીની ખોટી સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અહીં જમા કરાવ્યા હતા.


ફરિયાદીના ઘરમાં તે તેમના પતિ અને તેમની 11 વર્ષની દીકરી જ રહેતા હોય આ સિવાય ઘરમાં પટાવાળા નરેશ તાવીયા સિવાય અન્ય કોઈ આવતું જતું ન હોય જેથી પટાવાળા પર શંકા ગઈ હતી. જેથી તેને ખોવાયેલી ચેકબુક અંગે પૂછતા તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહ્યું હતું કે, તે જ્યારે બેન્કિંગનું કામકાજ કરતો હતો ત્યારે આ બંને ચેક ચેકબુકમાંથી લઈ લીધા હતા તેમજ ચેકબુક પણ આ નરેશ તાવીયાએ ઘરમાંથી ચોરી લીધી હતી. જેથી આ મામલે મહિલા જજે તેમની જાણ બહાર તેમની ચેકબુકમાંથી બે ચેક કાઢી લઈ બનાવટી સહી કરી રૂ.5,00,000 અને રૂ. 5.30 લાખની રકમ ભરી કુલ રૂપિયા 10.30 લાખની રકમ ભરી બંને ચેક જમા કરાવવા માટે એસબીઆઇ બેન્ક વિરાણી બ્રાન્ચમાં રજૂ કર્યા અંગે પટ્ટાવાળા નરેશ તાવીયા સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 381,467, 471 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application