ભાડાની દુકાનમાં ચાલતી આંગણવાડીનો વિડીયો વાયરલ

  • February 09, 2024 03:06 PM 

ભાવનગર શહેરના શિવ નગર વિસ્તારમાં ભાડાના મકાનને બદલે દુકાનમાં આંગણવાડી ચાલતી હોય તેવું અંગે નો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ મનપા તંત્ર દોડતું થયું અને તાત્કાલિક ભાડા વધારો કરવાની જાહેરાત કરી અને યોગ્ય જગ્યાની તપાસ શરૂ કરાઈ હતી.

 રાજ્યમાં એક તરફ ગુજરાત સરકાર કહે છે કે, "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત" ત્યારે બીજી તરફ ભાવનગરના એક આંગણવાડીનો વિડીયો સામે આવવાથી ગુજરાત સરકારના આ સ્લોગનને લાંછન લગાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર શહેરના તળાજા રોડ, ભરતનગર વિસ્તારના શિવ નગરમાં આવેલી આંગણવાડી ભાડાના મકાનની બદલે દુકાનમાં ચાલે છે. અંદાજે છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડી દુકાનમાં ચાલતી હોય અને આ અંગે અધિકારીઓને કોઈપણ પ્રકારની માહિતી પણ ન હતી. શિવનગરમાં નાના ભૂલકાઓ માટે આંગણવાડીની સુવિધા યુક્ત મકાન નહીં પરંતુ છાપરાવાળી જર્જરીત દુકાન ભાડે રાખવામાં આવી હતી. અને તેમાં આંગણવાડી ચલાવવામાં આવે છે. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી જર્જરિત દુકાનમાં અને તેમાં પણ છતને બદલે છાપરા નાખવામાં આવેલા છે. નાની એવી દુકાનમાં ૫૦ જેટલા બાળકોને બેસાડવામાં આવે છે. તેમજ આ દુકાનની બાજુમાં જ બે મોટા જર્જરીત ખુલ્લા ટાંકાઓ બનેલા છે. આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ રમવા ગયા હોય અને તે સમયે અકસ્માતે તેમાં પડે અને કોઈ જાનહાની પણ સર્જાઈ શકે તેવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા. આ આંગણવાડીનો વિડીયો વાયરલ થતાની સાથે જ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. અને આ મામલે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આંગણવાડી માટે અંદાજે પાંચ વર્ષથી જગ્યા શોધવામાં આવી રહી છે. અને સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને પ્રોગ્રામ ઓફિસર વિભાગ સહિતના દ્વારા ત્રણ વખત ભાડાના મકાન માટે ન્યુઝ પેપરમાં જાહેરાતો પણ આપવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાં મકાન નહીં મળતા હાલની વર્તમાન જગ્યા પર આંગણવાડી શરૂ રાખવામાં આવી હતી.

 જોકે જાગૃત નાગરિકના વાયરલ વિડીયો થી ખડભડાટ મચી ગયો હતો. અને જેને પગલે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક ૪૦૦૦ ભાડાને બદલે ૨૦૦૦ રૂપિયા વધારી અને જો કોઈ સારી સુવિધા વાળું મકાન મળે તો ૬૦૦૦ ચુકવવા માટે ભાડા વધારો કરી યોગ્ય જગ્યા શોધવાની પ્રયાસો હાથ ધરાયા હતા. આ સાથે જ જાણે તંત્ર મોડેથી જાગ્યું હોય તેમ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે, મનપાના કર્મચારીઓ વિસ્તારમાં ફરી ઘરે ઘરે જઈને મકાનની શોધખોળ કરી યોગ્ય જગ્યા મળી જાય ત્યાં આંગણવાડી ફેરવી નાખવામાં આવશે. તેમ માહિતી આપતા જણાવ્યું હતું. એટલે કે વિડિઓ વાયરલ થતા હવે ઓફિસમાં બેસીને પગાર લેતા કર્મચારીઓ રોડે ચડશે. 

 જોકે હાલની દ્રષ્ટિએ આ વિડીયો વાયરલ ન થયો હોત તો ક્યાં સુધી નાના ભૂલકાઓ દુકાન જેવી આંગણવાડીમાં બેસીને અભ્યાસ કરે તે નક્કી ન હતું. મનપા તંત્રને તો જાણે ચાલે છે તો ચાલવા દો તેવી નીતિથી આ આંગણવાડી ચાલતી હોવાના વિરોધ દ્વારા આક્ષેપ કરાયા હતા. પરંતુ વર્તમાન જગ્યા પર બનેલી આંગણવાડીને જો ઝડપથી કોઈ યોગ્ય જગ્યા પર ફેરવવામાં નહીં આવે તો કોઈપણ બાળકને જાનહાનિ કે નુકસાની થાય તો જવાબદારી કોની રહેશે તે જોવું રહ્યું.....


ભાવનગર શહેરમાં શિવનગર વિસ્તારમાં આંગણવાડી દુકાનમાં ચાલતી હોવાનો વિડિઓ સામે આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા વિડિઓ વાયરલ કરાતા મનપા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ વિડિઓ બાદ વધુ એક આંગણવાડીનો વિડિઓ વાયરલ થયો હતો. ભરતનગર વિસ્તારમાં સીતારામ ચોક થી આગળ રામદેવપીર મંદિરની સામે આવેલી ૧૪૩,૧૩૯ ઘટક આંગણવાડીની બારીઓ પાસે જ ગાય-ભેંસના છાણના ઢગલા પડ્યા હોય અને તેની બારીઓ ખુલ્લી રહેવાથી નાના ફૂલ જેવા માસુમ બાળકો ગંદકી અને દુર્ગંધ સાથે આ આંગણવાડીમાં અભ્યાસ કરતા હોવાનું જોવા મળ્યું હતું. જેને પગલે નાના ભૂલકાઓના આરોગ્યને નુકશાન થવાનો ભય ઉભો થાય છે. ત્યારે આ વિડિઓ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરાતા આ આંગણવાડી મામલે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application