હાલારની નગરપાલિકાઓમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ

  • January 23, 2025 01:16 PM 


ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી ગયા બાદ હાલારના રાજકારણમાં થોડો ગરમાવો આવ્યો છે, નગરપાલિકાઓ પર કબ્જો કરવા મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ તો પુરી તાકાત લગાડશે, પરંતુ આ વખતે નગરપાલિકામાં એક નવા ફેકટર તરીકે આમ આદમી પાર્ટી પણ ઉપસીને સામે આવ્યું છે, એટલે એવું દેખાય છે કે, જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ ૬ નગરપાલિકાઓમાં ત્રિ-પાંખીયો જંગ થશે અને આ કારણે ચૂંટણીના પરીણામ સ્વભાવીક રીતે રસપ્રદ બની રહેશે.


ટુંકમાં જોઇએ તો જામનગર જિલ્લાની જામજોધપુર પાલીકા પર ભાજપનો કબ્જો છે, ધ્રોલ ભાજપ પાસે છે, કાલાવડ ભાજપનો મજબુત કિલ્લો છે, બીજી તરફ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા ભાજપ પાસે છે, પરંતુ ભાણવડ નગરપાલિકામાં છેલ્લે દોઢ વર્ષ કોંગીનું શાસન હતું અને સલાયા નગરપાલિકા પણ કોંગી પાસે છે. આમ છમાંથી ચાર ભાજપ પાસે અને બે કોંગી પાસે કહી શકાય, આ વખતેના પરીણામ ત્રિ-પાંખીયા જંગના કારણે નિશ્ર્ચિત કહી શકાશે નહીં અને રસપ્રદ બની રહેશે. 


જામજોધપુરમાં ૭ વોર્ડની ૨૮ બેઠક છે, છેલ્લા ૨૮ વર્ષથી ભાજપનું એકધા‚ શાસન અકબંધ રહ્યું છે, કોંગ્રેસની અહીં કારી ફાવી નથી, આ વખતે ચિત્ર એટલા માટે જુદુ રહેશે, કારણ કે જામજોધપુર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો કબ્જો છે અને વર્તમાન ધારાસભ્ય હેમત ખવા દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં તમામ ૨૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માટે વ્યુહરચના ઘડવામાં આવી છે, આમ અહીં ભાજપ, આપ અને કોંગી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ નિશ્ર્ચિત છે. 




ધ્રોલમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન છે, છેલ્લે ચૂંટણી થઇ ત્યારે ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ૨૪ બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો હતો, ૩ બેઠક કોંગ્રેસને મળી હતી અને ૧ બેઠક અપક્ષના ફાળે ગઇ હતી, આ વખતે ધ્રોલમાં પણ ત્રિ-પાંખીયો જંગ છે, કારણ કે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. 


ધ્રોલથી મળતા સંકેતો મુજબ એવું પણ સામે આવી રહ્યું છે કે, કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં ખેંચવાની જે અવીરત રાજકીય ઝુંબેશ ચાલી રહી છે તેના કારણે જુના ભાજપના અને નવા ભાજપના કાર્યકરોની ઓળખ જુદી-જુદી બની છે અને નવાના કારણે જુના એવોઇડ થતાં હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે જે બાબત સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં નવા સમીકરણો સર્જી શકે છે. છેલ્લા એક માસથી અહીં અંદરખાને ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને વર્તુળો એવું પણ કહી રહ્યા છે કે, ઉમેદવારીની પસંદગીનો મુદો ખાસ કરીને સતાધારી ભારતીય જનતા પાર્ટી માટે શીરદર્દ સમાન બની શકે છે. 

કાલાવડ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મજબુત કીલ્લાસમાન છે, કારણ કે જયારથી ન.પા.ની રચના થઇ ત્યારથી એટલે કે ૨૮ વર્ષથી નગરપાલિકા પર કેસરીયો રાજ યથાવત છે, ગત વખતે ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ૧૯ બેઠક ભાજપને મળી હતી અને ૯ બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી, આ વખતે અહીં આમ આદમી પાર્ટી તમામ ૨૮ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે તેમ આપના જિલ્લા પ્રમુખ વશરામભાઇ આહીરે કહ્યું છે, એટલે અહીં પણ ત્રિ-પાંખીયો જંગ ચૂંટણીના પરીણામને રસપ્રદ બનાવશે. 



હાલારના બીજા જિલ્લા દ્વારકા નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો પર ચૂંટણી જંગ થશે, અહીં ભાજપને મજબુત માનવામાં આવે છે, ગઢ ગણાય છે, જો કે આ વખતે પૂર્વ સાંસદ વિક્રમ માડમને દ્વારકા નગરપાલિકા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાથી ન.પા.ચૂંટણીનો જંગ રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા છે, આ ઉપરાંત જિલ્લા પ્રમુખ યાસીન ગજણ સહિતની ટીમ પણ દ્વારકા ન.પા.માં નવા-જુની કરવા પુરી તાકાત લગાડશે. આમ આદમી પાર્ટી અહીં પણ ત્રીજા ફેકટર તરીકે સામે આવશે જ.


ભાણવડ વોર્ડની ૨૪ બેઠકો પર ચૂંટણીનો રસપ્રદ મુકાબલો થશે, એક વર્ષથી અહીં વહિવટદારનું શાસન છે, છેલ્લા દોઢ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું હતું અને જીગ્નાબેન જોશી કોંગીના છેલ્લા પ્રમુખ હતાં, ભાણવડમાં પણ ભાજપ, કોંગી અને ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી બધી બેઠકો પર ચૂંટણી લડશે એટલે મુકાબલો રસપ્રદ બનશે, જો કે અંતરંગ વર્તુળો એવું કહી રહ્યા છે કે, કોંગી પાસે કદાચ અહીં તમામ બેઠકો પર શકિતશાળી ચહેરા મુકવા પણ મોટો પડકાર બની રહેશે. 


સલાયા નગરપાલિકા કોંગ્રેસના ખાતામાં છે, ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે ૨૫ બેઠકો જીતી હતી, ૩ બેઠકો ભાજપને મળી હતી, આ ન.પા.માં પણ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડવાની પુરેપુરી તૈયારી કરી લેવામાં આવી છે એટલે સમીકરણો બદલાઇ શકે છે. 


ઓવરઓલ ચીત્ર જોવામાં આવતાં હાલારની છ માંથી ચાર નગરપાલિકા છેલ્લે ભાજપ પાસે હતી, બે કોંગી પાસે હતી પરંતુ આવનારી ચૂંટણીમાં ભાજપ, કોંગી ઉપરાંત ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી નગરપાલિકાની ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે, પાણી, સફાઇ, આરોગ્ય, શિક્ષણ જેવા સ્થાનિક મુદાઓ પર ચૂંટણીનો જંગ ખેલાશે, જો કે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી રાજકીય પક્ષો માટે પાયા સમાન હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આપ પુરેપુરી તાકાત લગાડશે એ બાબત નિશ્ર્ચિત છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application