ઉજ્જૈનથી પધારેલા લક્કી ગુરુ અને તેમના ૭૫ સભ્યોની ટીમ દ્વારા ઠેર-ઠેર ડમરૂ વાદન: રસ્તામાં ઠેર-ઠેર શોભાયાત્રાનું કરાયું અદકે સ્વાગત: સરબત, ઠંડાપીણા, પ્રસાદ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ: હજારો શિવભકતો જોડાયા
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ શુક્રવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે તેતાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે ૪.૩૦ વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૧:૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી, ઉજ્જૈનથી પધારેલા લક્કી ગુરુ અને તેમના ૭૫ સભ્યોની ટીમ દ્વારા ઠેર-ઠેર ડમરૂ વાદન કરાયું હતું, જેનો નજારો નિહાળીને જામનગરની ધર્મ પ્રેમીઓ આનંદિત થયા હતાં.
શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા ૨૮ થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા અને હર-હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના પછોટી કાશીના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે જામનગર મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હુકભા), શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશભાઈ મુકેશભાઈ દાસાણી, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ અને એડવોકેટ અશોકભાઈ નંદા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, હસમુખભાઈ જેઠવા વગેરે એ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પુજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ જામનગરના યુવા વેપારી અગ્રણી મિતેશભાઇ લાલ, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના અન્ય અગ્રણીઓ વગેરેએ પણ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું. અને હર હર મહાદેવના નાદ સાથે પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૧:૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી તેતાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયું હતું. બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત જામનગર શહેર ભાજપના કોર્પોરેટરો સુભાષ જોષી, પાર્થ કોટડીયા, પાર્થ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, પરાગભાઇ પટેલ, ડિમ્પલબેન રાવલ, આશાબેન રાઠોડ, ગીતાબા જાડેજા, તૃપ્તીબેન ખેતિયા, પાર્થ જેઠવા મુકેશ ભાઈ માતંગ હર્ષાબા જાડેજા, મનીષભાઈ કટારીયા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા યુવા મોરચાના દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઈ બારડ તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણીઓે ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના પ્રારંભ પહેલાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અને લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ કમલબેન લાલે સજોડે પાલખીનું પૂજન કર્યું હતું. સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફુલહારથી સ્વાગત કરી પાલખીનું પૂજન કર્યું હતું.
હાલાર હાઉસ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર્વ ગિરીશભાઇ બુધ્ધદેવ, કમલભાઈ દવે, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ ભરતભાઇ ફલીયા, વી.એચ.પી.ના સંત સંપર્ક પ્રમુખ વૃજલાલભાઈ પાઠક, તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ અને શહેર પ્રમુખ અને વોર્ડ નં. ૫ના કોર્પોરેટર અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદે્દારો - કાર્યકરો બ્રહ્મ સમાજની મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી તેમજ અન્ય મહિલા સદસ્યો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ની રાહબરી હેઠળ ૭૧ થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી ૪૯ સભ્યોની સંકલન સમિતિ અને ૩૬ સભ્યોની ફલોટ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના ક્ધવીનર પી.એમ. જાડેજા તેમજ સહક્ધવીનર મૃગેશભાઇ દવે અને ધવલભાઇ નાખવાની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (પાંચ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), મહાદેવ કલાસીસ (બે ફલોટ), ભગવા રક્ષક યુવા સંગઠન (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), ભગવા યોદ્ઘા સંઘ (બે ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), સિંધી ભાનુશાળી સમાજ (ભાનુ ગ્રૂપ) (બે ફલોટ), રાજા મેલડી ગ્રૂપ (એક ફલોટ), સમસ્ત રાજપૂત ખવાસ સમાજ (એક ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), ડીજે લાયન ગ્રુપ, મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ખોડિયાર ગ્રુપ, સહિતના ૧૩ મંડળો દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા આનંદભાઈ રાઠોડ, તેમજ અન્ય કોંગી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને શોભાયાત્રા નું સ્વાગત કરી પાલખી પૂજન કર્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું,
ઉપરાંત ઉજ્જૈન થી પધારેલા લક્કી ગુરુ અને તેમના ૭૫ જેટલા ડમરૂ વાદકોની ટીમ દ્વારા ઠેર ઠેર રજૂ કરાયેલી ડમરુ વાદનની કૃતિને નિહાળવા માટે શહેરના અનેક વિસ્તારોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હતી તેમજ ભગવાન શંકર અને માતા પાર્વતીના અર્ધાંગિનીના વેશભૂષામાં ઉજ્જૈનથી કલાકાર પધાર્યા હતા, જે શંકર પાર્વતીનું સ્વરૂપ નિહાળવા માટે પણ બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રીના સાડા બાર વાગ્યા સુધી શોભાયાત્રાના તમામ રૂટ પર ભાવિકો જોડાયા હતાં.
***
ભગવા રક્ષક ગ્રુપ દ્વારા ૧૯ ફુટની વિશાળ કદની મહાકાલની ઝાંખી બનાવાઇ
જામનગરના ભગવા રક્ષક ગ્રુપ દ્વારા એકાવન થી વધારે તરવરીયા યુવાનો દ્વારા કેશરી સાફા અને સફેદ વસ્ત્રો ધારણ કરીને ભારે ઉત્સાહ ભેર જોડાયા હતા અને મોટી ધ્વજાઓ લઇને હેરતભર્યા પ્રયોગો રજુ કર્યા હતા. જે સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત ૧૯ ફુટની વિશાળ કદ વાળી ભગવાન મહાકાલની પ્રતિકૃતિ સાથેનો ફલોટસ તૈયાર કરાયો હતો, જે શિવલીંગના દર્શન કરવા અનેક લોકો જોડાયા હતાં.
***
સેતાવાડ વિસ્તાર રંગીન લાઈટો તેમજ ફાયર શોથી ઝળહળતો કરાયો
જામનગરના સેતાવાડ વિસ્તારના ગજકેશરી ગ્રૂપ દ્વારા મોટુ ટ્રસ્ટ ઉભું કરીને શોભાયાત્રાના સ્વાગત માટે લાઇટીંગનો ઝળહળતો નઝારો ઉભો કરાયો હતો. શિવ શોભાયાત્રા રૂટ પર ભગવાન શિવજીની પાલખીનું ઇલેક્ટ્રોનિક આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારને ઝળહળતો કરી દેવાયો હતો. જેથી અનેક શિવભકતો આ નજારો નિહાળીને ભાવવિભોર બન્યા હતાં.
***
ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલી કેદારનાથ મંદિરની ઝાંખી શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની
જામનગરમાં યોજાતી શિવ શોભાયાત્રામાં પ્રથમ વખત ભગવા યોદ્ધા ગ્રુપ જોડાયું હતું અને તેઓ દ્વારા કેદારનાથ સ્થિત ભગવાન શિવજીના મંદિરને અનુરૂપ આબેહૂબ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી અને ભવ્ય લાઇટિંગ નો નજારો ઊભો કરાયો હતો. સાથે-સાથે સમયાંતરે કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ પર ઇલેક્ટ્રોનિક મશીન વડે પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવતી હતી. જે સમગ્ર શોભા યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, તેમજ શહેરના અનેક શિવ ભક્તોએ કેદારનાથના શિવ મંદિરની પ્રતિકૃતિ સાથે પોતાની સેલ્ફી પડાવી હતી તેમજ તેના વિડીયો બનાવ્યા હતા, જે પણ શહેર ભરમાં વાયરલ થયા હતાં.
***
સાંસદ અને ધારાસભ્યએ ડમરુ વાદન કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા
જામનગરમાં યોજાતી શિવ શોભા યાત્રાના રૂટ પર બેડીગેટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ વેળાએ ઉપસ્થિત રહેલા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ ઉજ્જૈનના મહાકાલ ગ્રુપની સાથે સાથે પોતે પણ ડમરૂ વાદન કર્યું હતું અને તેઓના ડમરુ વાદનની કૃતિ નિહાળીને શહેર ભાજપના અન્ય કાર્યકરો તેમજ ઉપસ્થિત શીવ ભક્તોએ હર હર મહાદેવના નારા સાથે વધાવી લીધા હતાં.
તેમની સાથે શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે પણ ડમરુ વાદનમાં સાથે જોડાયા હતા, જે તમામને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસે આવકાર્યા હતા. તેઓના પણ કેટલાક શિવભક્તોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યા હતાં અને સાંસદ અને ધારાસભ્યના ડમરુ વાદનના વિડીયો કલીપ શહેરભરમાં વાયરલ થયા હતાં.
**
ગીરનારી ગ્રૂપ દ્વારા ભગવાન શિવજીની ૨૦ ફૂટના કદ ની અલૌકીક ઝાંખી ઉભી કરાઇ - રક્ષા કવચનું વિતરણ
જામનગરમાં ભાટની આંબલી નજીક ગીરનારી ગ્રૂપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શિવજીની આરાધના કરવા માટેનું વિશેષ આકર્ષણ ઉભુ કરાયુ હતું. મુખ્ય ચોકમાં ભગવાન શિવજીની વિશાળ કદની પ્રતિમાં તૈયાર કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર દિવસ દરમ્યાન અનેક શિવભકતો જોડાયા હતા તેમજ ભગવાન શિવજીની સાથે પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી પડાવી હતી. ઉપરાંત શિવ દર્શને આવનારા અનેક શિવ ભકતોને સુરક્ષા કવચ તરીકેની શિવરક્ષા પોટલી બાંધવામાં આવી હતી.
***
શિવશોભાયાત્રાના વિશિષ્ટ આકર્ષણો
છોટીકાશીથી પ્રચલીત જામનગર શહેરમાં આ વખતે તેતાલીસમી શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ચાંદીથી મઢેલી પાલખી અને આશુતોષ સ્વરુપના શિવજીને સંપૂર્ણ સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. સોનાની રુદ્રાક્ષની માળા, ત્રિભુજ, ત્રિશુલ, ડમરૂં, કાનના કુંડળ, ચંદ્ર ઉપરાંત સોનાનું છત્તર અને સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) વગેરે સુવર્ણ અલંકારોને લઇને ભગવાન શિવજીનો અલૌકીક નજારો દ્રશ્યમાન થઇ રહ્યો હતો. ઉપરાંત આ વખતે ભગવાન શિવજીની સોનાથી મઢેલી પાઘડી તેમજ ગળામાં પહરેલી ચાંદીની માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ઉપરાંત સૌ પ્રથમ વખત ભગવાન શિવજીની પાલખીમાં ચાંદીથી મઢીત સિંહાસન પણ આકર્ષણરૂપ બન્યું હતું. સમગ્ર પાલખીને એલઇડી લાઇટોથી ઝળહળતી કરીને સુશોભીત કરવામાં આવી હતી. જેથી સર્વે નગરજનોએ સંપુર્ણ સુવર્ણ અલંકારો થી સુશોભીત ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
***
શિવ શોભાયાત્રામાં જામનગર અને દ્વારકાના પોલીસ અધિકારીઓએ ભગવાન શિવજીની પાલખી ઉચકી
છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૩મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી અને પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતાં અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું અને વિશાળ પોલીસ કાફલો શોભાયાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતી સુધી જોડાયેલો રહ્યો હતો તેમજ જિલ્લા પોલીસવડાએ શિવ શોભાયાત્રના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી. જામનગરના શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા, સીટી એ. ડીવીઝનના પી.આઇ. એન.એ.ચાવડા, સીટી બી. ડીવીઝનના પી.આઇ. એચ.પી.ઝાલા, એસ.ઓ.જી.ના પી.આઇ. બી. એન. ચૌધરી તેમજ સીટી એ. અને બી. ડિવિઝનના પી.એસ.આઇ તથા બંને પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હર-હર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતાં, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો અને અનેક શિવભકતો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતાં. પોલીસ અધિકારી-કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશીનું બિરૂદ પામેલું જામનગરવાસીઓની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.
***
ઉજજૈનના મહાકાલ ગ્રુપે ડમરું વાદન કરીને શિવભકતોને મોહી લીધા
છોટીકાશીથી પ્રચલીત જામનગર શહેરમાં આ વખતે તેતાલીસમી શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં બીજા વર્ષે આકર્ષણ ઉમેરવામાં આવ્યું હતું અને ઉજજૈનથી મહાકાલ ગ્રુપના લકકી ગુરુ અને તેમની ટીમના ૭૫ સદસ્યો કે જેઓએ ડમરુ વાદન, ઝાંઝ પખાલ અને ઢોલના તાલે મહાકાલની આરતી વગાડીને સમગ્ર જામનગર વાસીઓના મન મોહી લીધા હતાં તેમજ તેઓના એક સભ્યાએ મહાદેવ અને પાર્વતીજીની અર્ધાંગિનીના સ્વરુપની વેશભુષા ધારણ કરી હતી અને નગર ભ્રમણ કર્યું હતું. જે શોભાયાત્રા દરમ્યાન ખુબ જ આકર્ષણરૂપ બન્યા હતાં.
નાગેશ્વર સ્થિત પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ તેમજ નાગેશ્વર મહાદેવ મંદિરમાં ડમરૂં વાદન કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ શોભાયાત્રાના સમગ્ર રૂટ પર જુદા-જુદા અનેક વિસ્તારો-ચોકમાં ડમરૂં વાદન કરીને તેમજ મહાકાલનો ભગવો ધ્વજ લહેરાવીને અનેક શિવભકતોને ડોલાવ્યા હતાં. જેના કારણે સમગ્ર શોભાયાત્રા દરમિયાન શિવમય વાતાવરણ બન્યું હતું અનેક નગરજનોએ આ ગ્રુપની સાથે તેમજ શિવજી અને પાર્વતીજીની સાથે ફોટોગ્રાફ તેમજ સેલ્ફી પડાવી હતી, તો ડમરૂ વાદન સાથેના પોતાના મોબાઇલમાં વિડિયો બનાવ્યા હતા, જે સમગ્ર દિવસ દરમિયાન શહેરભરમાં વાઇરલ થયા હતાં.
***
ભાજપના મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા પાલખીને ૧૧ હજારનો હાર: એકતાના દર્શન
જામનગરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા નિવૃત્ત એ.એસ.આઈ. તથા વડાપ્રધાન ૧૫ મુદા અમલીકરણ સમિતિના જામનગરના સભ્ય યુનુસભાઇ સમા તેમજ અલુભાઈ પટેલ બંને દ્વારા શોભાયાત્રા સ્વાગત માટે દિપક ટોકીઝ વિસ્તારમાં સ્થાનિક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. એટલૂં જ માત્ર નહીં, પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સાથે સાથે યુનુશભાઈ દ્વારા ભગવાન શિવજીને ૧૧,૦૦૦ રુપિયાનો હાર ચડાવાયો હતો. ઉપરાંત અલુભાઇ પટેલ દ્વારા પણ રુા. ૫૧૦૦નો હાર ભગવાન શિવજીને ચડાવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech