સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન મેદાન વિશિષ્ટ પરેડ યોજાશે

  • April 14, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે: અત્યારથી જ સર્કીટ હાઉસ હાઉસફૂલ: સત્યસાઇ સ્કૂલ ખાતે શસ્ત્ર પ્રદર્શન: રંગારંગ કાર્યક્રમ તેમજ કેટલાક લાભાર્થીઓને ચેકનું કરાશે વિતરણ: તડામાર તૈયારીઓ શરુ

જામનગરમાં પ્રથમ વખત તા. ૧ મે ના રોજ ગુજરાતના સ્થાપના દિન નિમિતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અઘ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તા. ૧૪ થી તા. ૧૮ સુધી સમગ્ર ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જામનગરમાં ગુજરાત પોલીસ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન મેદાન સુધી વિશિષ્ટ પરેડ યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો હાજર રહેશે, આ અંગેની તડામાર તૈયારીઓ શરુ થઇ ચૂકી છે, રંગારંગ કાર્યક્રમ તેમજ લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે, તેમજ સરકારી ઇમારતોને રોશનીનો શણગાર કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર બીજલ શાહએ જણાવ્યું હતું.
થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રથી છુટુ પડીને ગુજરાતની રચના કરવામાં આવી, ત્યારબાદ તા. ૧ મે ના રોજ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે, આ પહેલા માત્ર ગાંધીનગર ખાતે જ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવતી હતી, આ વખતે જામનગરમાં આ ઉજવણી કરવામાં આવશે, સમગ્ર કાર્યક્રમનો દૌર રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિ વિભાગ દ્વારા સંભાળવામાં આવશે, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે, આ માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ચૂકી છે, ખાસ કરીને ટાઉનહોલથી પ્રદર્શન મેદાન સુધી ગુજરાતની પોલીસ દ્વારા વિશિષ્ટ પરેડ યોજવામાં આવશે, જેની સલામી રાજ્યના મુખ્યમંત્રી લેશે, આ કાર્યક્રમ લગભગ સાંજે પ.૩૦ વાગ્યે યોજવામાં આવશે.
આ ઉપરાંત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલાક રજૂ કરશે, રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, તમામ વિભાગના સચિવો તેમજ અન્ય અનેક ઉચ્ચ અધિકારીઓ જામનગરમાં આવનાર હોય, અત્યારથી સર્કીટ હાઉસ બુક કરી દેવામાં આવ્યું છે, જામનગરની ખ્યાતનામ હોટલોનું બુકીંગ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, કદાચ કેન્દ્રના બે મંત્રી પણ જામનગર આવે તેવી શક્યતા છે, અગાઉ એવી વાત બહાર આવી હતી કે, સ્થાપના દિનના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે, પરંતુ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ હજુ સુધી પીએમઓ હાઉસ તરફથી આ પ્રકારની કોઇ સૂચના મળી નથી અને કેન્દ્રીય મંત્રી આવવા અંગે સત્તાવાર માહિતી મળી નથી.
આ કાર્યક્રમ માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેકટર ભાવેશ ખેર, નાયબ કમિશ્નર ભાવેશ જાની, એસડીએમ દર્શન શાહ, ધાર્મિક ડોબરીયા, મામલતદાર વિરલબેન માંકડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મીટીંગનો દૌર શરુ કરી દેવામાં આવ્યો છે અને આગામી કાર્યક્રમો અંગે જેમ બને તેમ મીટીંગમાં નિર્ણય લેવાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે, જામનગરની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ આ પાંખમાં સામેલ કરવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ ના રોજ વર્લ્ડ હોમોફીલીયા દિવસ, તા. ર૧ ના રોજ સીવીલ સર્વિસ, તા. રર ના પૃથ્વી દિવસ, તા. ર૩ ના રોજ વિશ્ર્વ પુસ્તક દિવસ અને શિક્ષણ દિવસ, તા. ર૪ ના રોજ પંચાયતી રાજ અને પશુપાલન દિવસ, તા. રપ ના રોજ કૃષિ દિવસ અને તા. ર૮ ના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે, આમ જામનગરમાં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application