ક્રાઈમ બ્રાંચના જુગારના દરોડા વખતે મધરાત્રે ડોકિયું કાઢનાર પોલીસમેન કોણ ?

  • September 30, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં દારૂ, જુગારમાં કયાંક ને કયાંક કોઈકને કોઈક પોલીસના કે સંબંધીતોના તાર જોડાયેલા હોય છે અને ભુતકાળમાં આવું કેટલુંક બહાર પણ આવ્યું હતું. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે પોપટપરા વિસ્તારમાં જુગારનો એક દરોડો પાડયો હતો. એ સમયે મધરાત્રે એક પોલીસમેન ત્યાં આવી પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચના દરોડા સમયે આ પોલીસમેનનો ત્યાં પહોંચવાનું કારણ શું ? શું સંબંધીત વિસ્તારના પોલીસ મથકના ચોકકસ કર્મીઓ દ્રારા જુગારને મીઠી મંજુરી અપાઈ હશે ? દરોડો પડયાની જાણ થતાં એ પોલીસમેન જોવા આવ્યો હશે ? આ બધી વાતો કે, જાણકાર પોલીસ વર્તુળોમાં ચર્ચાના ચકડોળે ચડી હશે.
પોપટપરામાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને જુગાર રમતા ૮ થી વધુ ઈસમોને પકડી પાડયા હતા. મોડીરાત્રે ક્રાઈમ બ્રાંચે જુગાર અખાડા પર દરોડો પાડયો હતો. દરોડો પડયો એ સમયે સંબંધીત વિસ્તારનો એક પોલીસમેન નાઈટ શુટમાં બાઈક પર ત્યાં આવી પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચને જોતા ચમકી ઉઠયો હશે. દરોડા સમયે જે તે પોલીસમેનનું આવવું ત્યાં હાજર સૌ કોઈને પણ અચંબો પમાડનાર બન્યું હશે. પોલીસમેન ક્રાઈમ બ્રાંચની ટીમ દેખાતા ત્યાંથી પાછો વળી ગયો હતો. જો કે, આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યાનું જાણવા મળી રહ્યું છે.
ક્રાઈમ બ્રાંચે દરોડો પાડયો છે કે સ્થાનિક પોલીસના અન્ય કોઈએ ? તે ચકાસવા માટે આ પોલીસમેન ત્યાં આવ્યો હશે ? જો સ્થાનિક પોલીસ અથવા દરોડો પાડનાર ટીમ સાથે સમજુતી થઈ શકે અને બધું ભીનું સંકેલાઈ તેવા ઈરાદે પોલીસમેન બાઈક લઈને પહોંચ્યો હશે ? નાઈટ ડે્રસમાં જ આવ્યો હોવાથી નાઈટ ડયુટીમાં ન હોય તેવું બની શકે. આ પોલીસમેનને પોપટપરામાં જુગાર પર દરોડો પડયો હોય તેવી તાત્કાલીક કોઈને કોઈ રીતે જાણ થઈ હોય અને પહોંચ્યો હશે ? અને આવું જો કઈં ન હોય અને પોલીસમેનને મધરાત્રે કોઈ કારણોસર બહાર નીકળવું પડયું હોય અને માણસો એકઠા થયેલા દુરથી દેખાયા હોય, પોલીસ હોવાના કારણે તે મધરાત્રે માણસો શા માટે એકઠા થયા છે તે અઘટીત તો નથી ને ? તેવું પોતાની ફરજના ભાગરૂપે ચેક કરવા ગયો હશે ? આવી બધી વાતો ચાલી રહી છે. અત્યારે પોલીસમેન જુગારના દરોડા સમયે બાઈક પર પહોંચ્યો હોવાનું ઓફિશ્યલી કઈં બહાર આવ્યું નથી. માત્ર શહેર પોલીસના વર્તુળોમાં ચાલતી ચર્ચા છે. એટલે એ સમયે પહોંચેલો વ્યકિત પોલીસમેન હતો કે કેમ ? અથવા તો પોલીસમેન નહીં પરંતુ કોઈ ત્યાંનો નજીકનો રહેવાસી હોય શકે. અત્યારે કાગળ ઉપર કઈં નોંધ નથી માટે ચર્ચા કે અફવા માની શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application