સાવરકુંડલાના પરિણીત શખસે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ગોંડલની યુવતીને ભગાડી રજિસ્ટર લગ્ન કર્યા, આ રીતે પાડ્યો ખેલ

  • April 30, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના વંડાના પરણિત યુવકે ગોંડલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ જસવંતગઢ ગામે તલાટી પાસે રજીસ્ટર લગ્ન માટે પોતે અપરણિત હોવાનું જાહેર કરી તેનાભાઈના જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી ખોટા નોટરીના કાગળો અને ગોરએ લગ્ન કરાવ્યા દાખલો રજુ કરી યુવતી સાથે રજિસ્ટર લગ્ન કરી છેતરપીંડી કરી હોવાનું સામે આવતા યુવતીના પિતાએ શખસ સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં રહેતા વિપ્ર પરિવારની પુત્રીને સાવરકુંડલાના વંડા ગામે રહેતો રાજુ ઉર્ફે મેહુલ ધીરૂભાઇ રાઠોડ નામનો પરણિત શખસ લગ્ન કરવાનું કહી તારા ફોટોગ્રાફ્સ ફેસબુકમાં વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હોવાથી પરિવારે બદનામીની બીકે પોલીસમાં જે તે સમયે ફરિયાદ નોંધાવી નહતી. દરમિયાન યુવતીને પરિવાર પરીક્ષા આપવા માટે ભલગામ મૂકી આવ્યા હતા ત્યાંથી રાજુ ઉર્ફે મેહુલ યુવતીને ભગાડી જઈ જસવંતગઢ ગામે લગ્ન નોંધણી કરાવી રજીસ્ટર લગ્ન કરી લીધાનું જાણવા મળતા યુવતીના પિતાએ જસવંતગઢ ગામે તલાટી પાસે જઈ રેકર્ડ ચેક કરતા દીકરીની લગ્ન નોંધણી મેહુલ ધીરુભાઈ રાઠોડ સાથે થઇ હોવાનું લખ્યું હતું. 


પત્ની પાસેથી ખોટી રીતે છૂટાછેડાનું લખાણ કરાવ્યું

આથી મેહુલ ઉર્ફે રાજુ એક જ હોવાનું જાણવા મળતા વધુ તપાસ કરતા મેહુલ ઉર્ફે રાજુના અગાઉ લગ્ન થઇ ગયા છે અને તેણે તેની પત્ની પાસેથી ખોટી રીતે છૂટાછેડાનું લખાણ કરાવી તેના મોટાભાઈ મેહુલના જન્મ તારીખના દાખલામાં સુધારો કરી રજુ ધીરુભાઈ રાઠોડ નામ લખી નાખ્યું હતું. તેમજ અમરેલીના કોઈ તૌફીક મોગલ નામના વકીલ પાસે કાગળો તૈયાર કરાવી મોહિત અધ્યારૂ નામના ગોર પાસેથી લગ્નનો દાખલો મેળવ્યો હતો. અને જે સાક્ષીના નામ લખવામાં આવ્યા હતા એ સાક્ષી તરીકે ગયા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ દીકરીએ પહેરેલી સોનાની બુટી અને મોબાઈલ પણ કોઈ જગ્યાએ ગીરવે મૂકી દીધા હતા.


પોલીસે  મેહુલ રાઠોડ સામે ગુનો નોંધ્યો

પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે મેહુલ ઉર્ફે રાજુ ધીરુભાઈ રાઠોડ સામે બીએનએસની કલમ ૮૨(૧), ૨૩૬, ૨૩૭, ૩૩૬(૨), ૩૪૦(૨) મુજબ ગુનો નોંધી આગળનીકાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application