છોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન

  • February 24, 2025 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે યોજાશે: પરંપરાગત રીતે ૪૪મી શિવશોભાયાત્રાનો સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી થશે પ્રારંભ: નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન: શોભાયાત્રામાં ૨૫ ફ્લોટ્સ જોડાશે: ૮૩ સ્થળે શોભાયાત્રા નું સ્વાગત તેમજ ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરી પ્રસાદ નું વિતરણ કરાશે


જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા ૪૩ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચૂમાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી ૨૬મી ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી ના પર્વના દિવસે ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૮ સંસ્થાના ૨૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે.


ભગવાન શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે. જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પરીપૂર્ણ થશે, અને મહાઆરતી યોજાશે. શોભાયાત્રા ના રૂટ પર ૮૩ જેટલા સ્થળોએ સ્વાગત કરાશે, તેમજ જુદા જુદા શિવભક્તો દ્વારા ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરીને પ્રસાદ વિતરણ પણ કરાશે.


જામનગર શહેર 'છોટી કાશી" ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે. અને આ વખતે ૪૪માં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


શિવશોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ તા. ૨૬ ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને આશુતોષ મહાદેવજીની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન - અર્ચન અને દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખીને વાજતે ગાજતે સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.


સમગ્ર શિવશોભાયાત્રાના કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના ૭૦ થી વધુ શિવભક્તો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલા એક સરખા ભગવા રંગ ના ઝભ્ભા ધારણ કરશે, અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.


શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્‌ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફલોટ), શિવસેના (૧ ફ્લોટ), સતવારા સમાજ (૪ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), ભગવા યોદ્યા સંઘ (૪ ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (૨ ફલોટ), ભગવા રક્ષક (૩ ફલોટ), હિન્દુ સેના (૨ ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ),મહા સેના (૨ ફ્લોટ)વિરાટ બજરંગ દળ (૧ ફ્લોટ), વી.ડી. સિક્યોરિટી ગ્રૂપ સહિતના મંડળો દ્વારા ૨૫ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે.


સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે તેમજ ભગવાન શિવજી ના પાત્રો સાથેના અને ધાર્મિક પ્રસંગો ચલિત શોભાયાત્રા દરમિયાન રજૂ કરાશે, જેથી શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.


બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે ૧૨.૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.


આ વખતે સતત ૪૪માં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના કન્વીનર તેમજ સહ કન્વીનર તરીકે ૩ સભ્યોની નિયુકિત કરવામાં આવશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ(મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેશરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. શોભાયાત્રા દરમિયાન ઉદ્‌ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.


આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે. 


જેમાં, નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, કોળી સમાજ - નાગેશ્વર, હિતેશભાઈ બાંભણીયા ના ગ્રૂપ, રામદેવ મિત્ર મંડળ, કેશરિયા હનુમાન મિત્ર મંડળ, કોમી એકતા ગ્રુપ - ઢોલીયા પીર દરગાહ પાસે, કોમી એકતા ગ્રુપ - સોનાપુરી પાસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, નવયુવક મિત્ર મંડળ, પટેલ રેસ્ટોરન્ટ - નાગનાથ નાકા પાસે, મહાદેવ ક્લાસીસ, વિશ્વનાથ હોટલ ગ્રુપ, મહાવીર બેટરી પાસે, કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ મંડળ ખવાસ સમાજ, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્વાગત, પી ડબ્લ્યુ ડી ડેલા પાસે મજૂર સંઘ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-બેડી ગેઇટ, ભારતીય જનતા પાર્ટી - બેડી ગેઇટ, બનાસ અલ્પાહાર (નારસંગભાઈ ઠાકોર ગ્રુપ), - ગુર્જર સુથાર કડિયા જ્ઞાતિ - હરિઓમ મિત્ર મંડળ - ટાઇગર ગ્રૂપ - કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર - કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ - જાયન્ટ્સ ગ્રુપ જનસેવા - દરેડ, બ્રહ્મ વિકાસ પરિષદ, શિવ શકિત સંસ્કૃતી સેવા ટ્રસ્ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ - નવી વાસ, - હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, રણજીત રોડ - પંજાબ બેંક રિક્ષા એસો., દીપક ટોકીઝ રીક્ષા એસો., અલુભાઇ પટેલ ગ્રુપ - પંકજ સોઢા ફાઉન્ડેશન, ગણેશ મિત્ર મંડળ - વજીર ફળી, મનુભાઈ ભુવા ગ્રુપ ઇન્દુ મધુ હોસ્પિટલ પાસે, રાજેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, સમસ્ત સતવારા સમાજ, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ - દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, નિરવભાઇ ગ્રુપ - બર્ધન ચોક, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ - માંડવી ટાવર પાસે, શ્રી યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્વ.શ્રી બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સેન્ટ્રલ બેંક મીઠાઇ એસોસીએશન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, શિવ મિત્ર મંડળ સેન્ટ્રલ બેન્ક, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, શિવ મિત્ર મંડળ, સૂર્ય નારાયણ મંદિર, સારડા ફોરેકસ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જયમાતાજી હોટલ ગ્રુપ, બજરંગ ગ્રુપ- ભોજકભાઈ, શકિત યુવક મંડળ, સેતાવાડ ગજ કેશરી યુવા સંગઠન ગ્રુપ (અવેડિયા મામા) નાગર ચકલા વેપારી એસોસીએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્પવૃષ્ટિ, વૈજનાથ એપાર્ટમેન્ટના રહેવાસી દ્વારા સુકી ભાજીનો પ્રસાદ, ગિરનારી યુવક મંડળ, શ્રી રામદુત હનુમાનજી મંદિર પાસે મહાદેવ હર મિત્ર મંડળ, યંગ સોશ્યલ ગ્રુપ, ઓમકાળેશ્વર ગ્રૂપ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, અજુભાઈ ભરવાડ ગ્રુપ ભરવાડ સમાજ, ગાયત્રી ગરબી મંડળ, ભરતભાઈ ઢાપા, ત્રિશાલી ગ્રુપ મહેન્દ્રસિંહ ચૌહાણ, શુભમ રેસ્ટોરન્ટ (હિતેન્દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું પૂજન અને સ્વાગત કરશે.

આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશ વ્યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application