રાણ ગામમાં બોરમાં ફસાયેલી બાળા આખરે જીંદગીનો જંગ હારી

  • January 02, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રમતા રમતા ફળીયામાં બોરમાં ફસાતા જુદી જુદી ટુકડીઓ દ્વારા રેસ્કયુ : કલાકોની જહેમત બાદ બાળાને બહાર કાઢી ખંભાળીયા સારવારમાં ખસેડાઇ : માસુમનું મૃત્યુ થતા પંથકમાં અરેરાટી

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર નજીક રાણ ગામે ઘરે ફળીયામાં રમતા રમતા અઢી વર્ષની માસુમ બાળા અકસ્માતે બોરવેલમાં પડી ગયાનો બનાવ સામે આવ્યો હતો જેની જાણ થતા ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, આર્મી ઉપરાંત ખાનગી કંપનીની ફાયર શાખા સહિત રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી, સ્થાનીક તંત્ર, મામલતદાર, ટીડીઓ, કલેકટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
રેસ્કયુ ટીમોએ ત્વરીત બચાવ કાર્ય હાથ ધરતા ખાસ કેમેરાથી નજર રાખી બાળાને દોરડા વડે ૨૦ ફુટ ઉપર લવાઇ હતી જયારે એનડીઆરએફની મદદ લેવાતા ભારે જહેમતથી બાળાને બહાર કાઢવામાં સફળતા મળી હતી દરમ્યાન તાકીદે બાળકીને સારવાર માટે ખંભાળીયાની હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં મૃત્યુ નિપજતા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મુલાભાઇ શાખરા નામના યુવકની માસુમ પુત્રી એન્જલ (ઉ.અઢી વર્ષ) સોમવારે બપોરે ઘરના ફળીયામાં રમી રહી હતી જે વેળાએ રમતા રમતા અકસ્માતે બાળા બોરવેલમાં પડી જતા અંદર ફસાઇ ગઇ હતી, બનાવના પગલે સ્થાનીક તંત્ર વાહકોમાં દોડધામ મચી ગઇ હતી.
ગામ લોકો એકત્ર થયા હતા અને દ્વારકા સહિતની ફાયર બિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર પહોચી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું. પ્રારંભીક તબકકે બાળા લગભગ ૩૦ ફુટ નીચે ફસાઇ હોવાનું સામે આવ્યુ હતું બનાવની જાણ થતા ધારાસભ્ય પબુભા માણેક પણ સ્થળ પર પહોચ્યા હતા, કલેકટર અશોક શર્મા, જીલ્લા પોલીસવડા નિતેષ પાંડેય ઉપરાંત એસડીએમ વગેરે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
આર્મી સહિત વિવિધ ટીમો દ્વારા બોરવેલમાં ગરકાવ બાળાને બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં બચાવ ટીમો દ્વારા કેમેરાની મદદ વડે બાળાના હાથ બાંધી લગભગ વીસેક ફુટ ઉપર લવાઇ હતી જયારે એનડીઆરએફ ટીમ પણ વિમાન માર્ગે રાણ ગામે પહોચી હતી લગભગ ૧ કલાક ૫૦ મિનીટ સુધી એનડીઆરએફ સહિતની રેસ્કયુ ઓપરેશન ટીમોની જહેમત  બાદ રાત્રીના બાળાને બહાર કાઢવામાં સફળતા મળી હતી તુરતં જ આ બાળાને અચેત અવસ્થામાં બહાર કઢયા બાદ તુરંત ખાસ એમ્બ્યુલન્સ મારફતે ખંભાળીયા હોસ્પીટલમાં લઇ જવાઇ હતી જયા તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી આખરે બાળા જીંદગી સામેનો જંગ હારી જતા રાણ સહિત પંથકભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application