ખંભાળિયામાં ઉજવાયો ઉત્સાહનો પર્વ ઉતરાયણ

  • January 15, 2025 11:09 AM 

"એ કાયપો છે..." ગુંજથી ગુંજી ઉઠ્યા ધાબાઓ...



ઉમંગ ઉત્સાહના પર્વ ઉતરાયણની મંગળવારે ખંભાળિયાવાસીઓએ મન ભરીને ઉજવણી કરી હતી. મકરસંક્રાતિના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોએ મનોરંજન આનંદ સાથે દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.


ઉતરાયણ પર્વત નિમિત્તે ગઈકાલે મંગળવારે પવનની ગતિ માફકસર બની રહેતા સવારથી જ ધાબે-અગાસી પર ચડી ગયેલા પતંગરસીયાઓને મોજ પડી ગઈ હતી. ખાસ કરીને યુવાનો તેમજ બાળકોએ આજે સવારથી મોડી સાંજ સુધી પતંગ ઉડાડ્યા હતા. ગઈકાલે શહેરનું આખું આકાશ રંગબેરંગી તેમજ વિવિધ આકાર પ્રકારના પતંગોથી છવાયેલું જોવા મળી રહ્યું હતું. ગઈકાલે સવારથી વીજકાપ વચ્ચે પણ લોકોએ અગાસી પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને મ્યુઝિક સિસ્ટમ તેમજ પીપૂડાના શોરગુલ્લ વચ્ચે "એ કાયપો છે..."ની ગગનભેદી ચિચિયારીઓ સાંભળવા મળી હતી.


મકરસંક્રાંતિ નિમિત્તે લોકોએ ધાબા પર ચીકી, બોર, જીંજરાની તેમજ બપોરે જમવામાં ખીચડો અને ઊંધીયા-પુરીની મોજ માણી હતી અને શહેરના મોટાભાગના ઊંધિયાના વેપારીઓને જાણે તડાકો બોલી ગયો હતો. જ્યારે સૂર્યાસ્ત થયે ધાબા ઉપર લોકોએ આતશબાજી અને ફટાકડા સાથે તેમજ ગરબે રમીને આ દિવસની પૂર્ણાહુતિ કરી હતી.


મંગળવારે સમગ્ર શહેરમાં ઉમંગ ઉત્સાહની ઉજવણી સાથે લોકોએ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું દાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application