જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ભાઇ સામે કારખાનેદારે વ્યાજ વટાવની પોલીસ ફરીયાદ કરી
ભૂમાફિયા જયેશ પટેલના ભાઇએ દાદાગીરીથી કારખાનેદારનો રૂપિયા ૧૦ લાખથી વધુનો માલસામાન છીનવી લીધો
દરેડ કારખાનામાંથી વ્યાજખોર ૧૦.૭૮ લાખનો સરસામાન જબરદસ્તી લઇ ગયો
કારખાનેદારે વ્યાજ સહિતની રકમ ચુકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી : વ્યાજખોરોની દાદાગીરીના વધી રહેલા બનાવ
જામનગરમાં કુખ્યાત શખ્સના ભાઇ સામે તાજેતરમાં જ વ્યાજની વધુ રકમ વસુલવા બાબતની ફરીયાદ દાખલ થઇ હતી, દરમ્યાનમાં દરેડ જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા વેપારીએ રકમ ચુકવી દેવા છતા વધુ ઉઘરાણી કરી અને મશીનરી તથા સરસામાન મળી કુલ ૧૦.૭૮ લાખનો મુદામાલ બળજબરીથી છીનવી લીધાનો વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે, લોઠીયાના શખ્સ સામે પંચ-બીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડો સમય શાંત રહયા બાદ ફરી વ્યાજખોરોની દાદાગીરીના બનાવો સામે આવી રહયા છે.
લાલપુરના હરીપર ગામના વતની અને હાલ રણજીતસાગર રોડ, પટેલ પાર્કની પાછળ ગોકુલદર્શન ખાતે રહેતા કારખાનેદાર લાલજીભાઇ સવજીભાઇ મારકણા (ઉ.વ.૪૪) નામના પટેલ વેપારીએ પંચ-બીમાં ગઇકાલે જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રહેતા ધર્મેશ રાણપરીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત અનુસાર વેપારી લાલજીભાઇ મારકણાને ગત વર્ષમાં પોતાના ધંધાના કામ માટે આરોપી ધર્મેશે અલગ અલગ સમયે ફરીયાદી તથા ફરીયાદીના સગા સબંધીઓના ખાતામાં જુદા જુદા સમયે કુલ ા. ૨૫ લાખ ૧૦ ટકાના માસીક ઉંચા વ્યાજે આપેલ હતા, જે રકમની ફરીયાદીએ આરોપીને એપ્રીલ ૨૦૨૪ સુધીમાં ૨૬ લાખ વ્યાજ પેટે રોકડમાં ચુકવી દીધા હતા.
આ રકમ ચુકવી દેવા છતા આરોપી પોતાની મુળ રકમ તથા વ્યાજની ફરીયાદી પાસે ઉઘરાણી કરતા હતા, દરમ્યાનમાં ફરીયાદીના દરેડ જીઆઇડીસી ફેસ-૩, પ્લોટ નં. ૪૬૬૮ ખાતે આવેલા કારખાને જઇને બળજબરીપુર્વક ફરીયાદીની મશીનરી તથા સરસામાન મળી કુલ ૧૦.૭૮ લાખનો સામાન બળજબરીથી છીનવી જઇ ઉપરાંત ફરીયાદી પાસેથી ૧૦ ટકાના માસિક વ્યાજ વસુલાત કર્યુ હતું. આ મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.
પંચ-બી પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા ઉપરોકત ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક વેપારીએ ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વ્યાજની વસુલાત અને ચેક સહિતની ઉઘરાણીનો મામલો સામે આવ્યો હતો અને કુખ્યાત શખ્સના ભાઇ સામે સીટી-એમાં ફરીયાદ કરવામાં આવી હતી દરમ્યાનમાં આ શખ્સ સામે વધુ એક ફરીયાદ દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.