BREAKING NEWS

દારૂના દૈત્યએ યુવકની હત્યા નિપજાવી; ગોંડલમાં રાત્રીના સુતેલા યુવક ઉપર નશાની હાલતમાં શખ્સે હુમલો કરી ઢીમ ઢાળી દીધું

  • May 21, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં દારૂ બંધી છે એ વાત હવે ડંકાની ચોટ ઉપર પણ કોઈ નેતું કહે તો લોકો સ્વિકારવા તૈયાર નથી, માત્ર વિદેશી જ નહીં પરંતુ દેશીના હાટડા ગામો ગામ ધમધમી રહ્યા છે અને ધોમ વેચવાની સાથે પીવાઈ પણ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, થાણાના જવાબદાર પોલીસ અધિકારી અને બીટ જમાદારોની હપ્તાખોરીને કારણે દેશી વિદેશી દારૂની ભઠ્ઠીઓ કોઈજાતના ડર વગર ધમધમી રહી છે. માત્ર પીધેલાના કેસ કરી સંતોષ માની આંકડાઓ દર્શાવતી પોલીસના કારણે નિર્દોષ પરિવારના માળા વીખાઈ રહ્યા છે. જેનું ઉદાહરણ રાજકોટના સામાકાંઠામાં બે વ્યક્તિના દારૂમાં ઝેરી દવા ભેળવી પીવડાવી દઈ મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાને ગણતરીના દિવસો થયા છે ત્યાં જસદણના જીવાપર અને ગોંડલમાં દારૂના નશામાં શખ્સે બે યુવકને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા રાજકોટ જિલ્લા પોલીસ ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.


ગોંડલના ભગવતીપરા કોળીવાસમાં રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ (ઉ.વ.45)ના યુવક રાત્રીના ત્રણેક વાગ્યે ઘરે સુતા હતા ત્યારે વિશાલ બાવળીયા તથા તેની સાથેના અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી યુવક ઉપર છરી, પાઇપ, ધોકા વડે જીવલેણ હુમલો કરતા ઘવાયેલા યુવકને સારવાર માટે પ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી વિશાલ બાવળીયા સહિતના અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. મૃતક નિલેશભાઈ ત્રણ ભાઈ અને બે બહેનમાં મોટા હતા. સંતાનમાં એક દીકરો અને ચાર દીકરી છે. અને પોતે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા હતા.


સમગ્ર ઘટના વર્ણવતી મૃતકના ભાઈની 13 વર્ષની દીકરી ધાર્મિષ્ઠાએ જણાવ્યું હતું કે, રાત્રે બધા સુતા હતા ત્યારે વિશાલ અને તેની સાથે અજાણ્યા માણસો ઘરમાં આવી મારા મોટા બાપુ સુતા હતા તેના પર હુમલો કર્યો હતો. બાદમાં મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતા તારો બાપ ક્યાં છે? તેમ કહીં ગાળો બોલવા લાગ્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા મારા હાથમાં ધોકાનો ઘા મારી દીધો હતો. દેકારો થતા ઘરના સભ્યો ઊઠી જતા વિશાલ સહિતના ચાર શખસો ભાગી ગયા હતા. વધુમાં પરિવારે જણાવ્યું હતું. વિશાલ દારૂના નશાની ટેવ ધરાવે છે અને અવાર નવાર નશાની હાલતમાં ઝગડો કરી મારકૂટ કરે છે. ગોંડલ એ ડીવીઝન પોલીસે હત્યા કરનાર વિશાલ બાવળીયા સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application