પક્ષમાંથી જ મારી સામે ષડ્યંત્ર રચાયું: જાસૂસી થઇ: મેયર

  • February 14, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા તેમના પતિદેવ તેમજ અન્ય સખી સહેલીઓને સાથે લઇને મેયરની કારમાં મહાકુંભના પ્રવાસે જતા આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, દરમિયાન ગઇકાલે મેયર રાજકોટ પરત ફર્યા બાદ આજે સવારે મહાપાલિકામાં આવી પહોંચ્યા હતા ત્યાં આગળ તેમણે વિવાદ મામલે મૌન ખોલ્યું હતું અને પત્રકારો સાથેની વાતચીતમાં પ્રત્યક્ષ રીતે જૂથવાદ શબ્દનો પ્રયોગ કર્યા વિના પરોક્ષ રીતે બિટવીન ધ લાઇન્સમાં એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે તેઓ જૂથવાદને કારણે વિવાદનો ભોગ બન્યા છે. આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા છે અને ષડયંત્ર કોણે રચ્યું છે તેની પણ પુરી જાણકારી તેમની પાસે છે, પરંતુ તેમના નામો તેઓ પ્રેસ મીડિયા સમક્ષ બોલવા ઇચ્છતા નથી. જરૂર જણાયે પાર્ટીમાં પ્રદેશ સમક્ષ રજુ કરશે. રાજકીય ઇશારે તેમની જાસુસી કરાઇ હોવાનો સણસણતો આક્ષેપ કરતા ભાજપ તેમજ મહાપાલિકાના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. (અનુ. 11મા પાને)પક્ષમાંથી જ મારી (છેલ્લા પાનાનું ચાલુ) વધુમાં મેયર નયનાબેન પેઢડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરીને અને તેમની મંજૂરી મેળવીને જ મહાકુંભની યાત્રાએ ગઇ હતી. એક ધર્મયાત્રાએ ગઇ હોવા છતાં જે રીતે ગણતરીની કલાકોમાં પ્રયાગરાજ ખાતે મેયરની કાર અને કાર ઉપર સુકવેલા કપડાં વિગેરેના ફોટો પડ્યા ત્યારબાદ ફટાફટ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા અને આ ઘટનાક્રમ બાદ ગણતરીની મિનિટોમાં તુરંત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ ગઇ, આ બધું જ મને યોજનપૂર્વકનું જણાય છે. કોણે શું ભૂમિકા ભજવી તેનાથી હું અજાણ નથી પરંતુ કોણે શું કર્યું, શા માટે કર્યું, એમાં કોણ કોણ સામેલ છે તે તમામ હકીકત હું પાર્ટીમાં અને તે પણ પ્રદેશ સમક્ષ જ રજૂ કરીશ. જરૂર જણાશે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ રજૂઆત કરીશ કારણ કે વિવાદ સર્જનારાઓએ મેયર પદની દૂર એક મહિલા તરીકેની ગરિમા પણ જાળવી નથી.

મેયર કે મહિલા તરીકે મારી ગરિમા ન જાળવી
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે મહાકુંભની યાત્રાને લઇ વિવાદ સર્જનારાઓએ મારી મેયર તરીકેની તો દૂર એક મહિલા તરીકેની ગરિમા પણ જાળવી નથી તેનું મને દુ:ખ છે. હું કોઈનો ભલામણ પત્ર લઈને મહાકુંભ યાત્રાએ ગઇ નથી કે મેં મારા હોદાનો પણ ઉપયોગ કર્યો નથી છતાં આટલી હદે વિવાદ સર્જવા પાછળનું કારણ રાજકીય જ હોય શકે. શું ભૂતકાળમાં અન્ય મેયર આ રીતે કાર લઇ પ્રવાસે નથી ગયા ? મારી પાસે સંપૂર્ણ માહિતી છે, જો હું બોલીશ તો કેટલાયની બોલતી બંધ થઇ જશે.

કાર, રહેવા-જમવાના બધા બિલ મેં ચૂકવ્યા
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે મેયરની કારનું ઠરાવ મુજબ ચૂકવવાનું થતું પ્રતિ કિમી દીઠ રૂ.10 લેખેનું કુલ ા.34,000ની રકમનું બિલ પણ મેં ચુકવી આપ્યું છે, તદઉપરાંત મહાકુંભની ધર્મયાત્રા મેં એક સામાન્ય યાત્રિકની જેમ જ કરી છે રહેવા-જમવાના તમામ બિલ મેં વ્યક્તિગત ચૂકવ્યા છે. ક્યાંય સરકારી સુવિધાનો કે મેયર તરીકેના હોદાનો ફાયદો લીધો નથી. પ્રયાગરાજ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરાઇ હતી ત્યાં જ અમે રોકાયા હતા અને તેના દરેક બિલ પણ સ્વખર્ચે ચૂકવ્યા હતા.

મેયરની ગ્રાન્ટ સમકક્ષ કરીને અન્યાય કર્યો
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના મહાકુંભ પ્રવાસ અંગે તો વિવાદ સર્જવામાં આવ્યો જ પરંતુ તેઓ કુંભમાં હતા તે દરમિયાન બજેટ મંજૂર કરાયું તેમાં પણ તેમને અન્યાય કરવામાં આવ્યો છે મહાપાલિકાના પદાધિકારીઓમાં સૌથી વધુ ગ્રાન્ટ મેયરને આપવામાં આવતી હોય છે પરંતુ તેમની ગેરહાજરીમાં પાછળથી ફેરફાર કરીને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓની ગ્રાન્ટ એક સમાન કરી નાખવામાં આવી છે આ રીતે મેયરના વિશેષાધિકાર ઉપર તરાપ મારવામાં આવી છે.

જેણે ફોટો પાડ્યા તેને નામજોગ ઓળખું છું
મેયરએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ ખાતે કાર ઉપર કપડાં સુકવ્યાના જે ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા તે ફોટો જેણે પાડ્યા તેને હું ચહેરાથી અને નામ જોગ ઓળખું પણ છું પરંતુ મારે નામ જાહેર કરવું નથી, તે ત્રણ ચાર વ્યક્તિ હતા અને અમે જ્યાં રોકાયા ત્યાં જ રોકાયા હતા. જર પડશે તો તેમના નામ પણ હું પાર્ટીમાં પ્રદેશ સમક્ષ આપીશ. મહાકુંભ સ્નાન કર્યા બાદ કપડાં નીચોવી શકાય નહીં તેવી ધાર્મિક પરંપરા છે. ત્યાં આગળ કપડાં સુકવવાની કોઈ વ્યવસ્થા ન હોય કાર ઉપર સુકવ્યા હતા

કિમી દીઠ રૂ..બેની વાત ચગાવીને બદનામ કરી
મેયર કાર લઇને મહાકુંભના પ્રવાસે ગયા તેવો વિવાદ સર્જનારાઓએ જ પાછળથી એવી વાત વહેતી કરી કે પરત ફરશે ત્યારે પ્રતિ કિમી દીઠ રૂ.બે લેખે ભાડું વસુલાશે. ખરેખર પ્રતિ કિમી રૂ.10 વસુલવાનો જ ઠરાવ છે અને તે મુજબ જ વસુલવાનું હોય છે. હું મંજૂરી મેળવીને જ ગઈ હતી અને આ રકમ ભરવાની જ હોય તેનો મને ખ્યાલ હતો તેમ છતાં કિમી દીઠ રૂ.બે વસુલાશે તેવું જાહેર કરીને મને જાણી જોઈને બદનામ કરવા પ્રયાસ થયો છે. બે પિયા ભાડાની કોઈ વાત જ ન હતી છતાં તેને મીડિયામાં આપીને સતત ચગાવવામાં આવી તે પણ કાવતરાંનો એક ભાગ જ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application