સ્વાદ અને શક્તિનો સંગમ એટલે શિયાળુ પાક

  • December 22, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શિયાળામાં સોનાના વરખવાળો સાલમ પાક, કાટલા પાક, મેથીપાક, ખજુર પાક, અંજીર બાઇટ, ગુંદપાક, સુગરલેસ અડદીયા સહિતની ચીજવસ્તુઓ ધોમ વેંચાણ: ડાયાબીટીક હોય તો પણ કેટલી મીઠાઇ ખાઇ શકાશે: જામનગરની મીઠાઇ બજાર શિયાળામાં ગરમ

શિયાળાની ઋતુ આવે ત્યારે તરત ઋતુ પ્રમાણેની મીઠાઇ આરોગવા માટે લોકોનું મન લલચાઇ છે, જુના જમાનામાં તો અડદીયા, સાલમપાક, કાટલુ જેવી ત્રણ-ચાર વસ્તુ મીઠાઇ બજારમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે આધુનિકતાએ નવું રુપ ધારણ કર્યું છે, મીઠાઇ બજારમાં અવનવી મીઠાઇ લોકોના મન લલચાવે છે, ખાસ કરીને જામનગરમાં સોનાના વરખવાળો સાલમ પાક ભલે મોંધો છે, પરંતુ એ ખાવા માટે લોકોની જીભ લલચાઇ છે, જ્યારે સુગરલેસ ખજુર, સુગરલેસ ડ્રાયફ્રુટ અડદીયા આવી ચીજવસ્તુઓ ડાયાબીટીકના પેશન્ટ માટે આશીર્વાદરુપ બને છે, જેઓ મીઠાઇ ખાઇ શકતા નથી તેઓ પણ સુગરલેસ મીઠાઇ ખાય છે, ત્યારે જામનગરના બે મીઠાઇની દુકાનના સંચાલકોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગભગ ચારેક મહિના સુધી આ પ્રકારની શિયાળુ મીઠાઇનો ઉપયોગ વધી જાય છે અને અમો પણ બજારમાં કંઇક નવું લાવવાની વેતરણમાં છે.
નવલભાઇ મીઠાઇવાળાના સંચાલક જયેશભાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિયાળો આવે એટલે તરત જ શિયાળાની અવનવી મીઠાઇ આરોગવા માટે લોકો પડાપડી કરે છે, નવલભાઇ મીઠાઇનું એક અનેરુ નામ છે અને અમારા નામ ઉપર જ અમારો મીઠાઇનો મુખ્ય બીઝનેસ છે, અમારે ત્યાં શિયાળામાં ખાસ કરીને ડ્રાયફ્રુટ અડદીયા રુા. ૯૮૦ ના કિલો તેમજ સાદા અડદીયા રુા. ૬૮૦ ના કિલો લેખે વહેચીએ છીએ, ઉપરાંત સાલમ પાક, ખજુર પાક, અંજીર બાઇટ, ઘારી, ગુંદપાક સહિતની ચીજવસ્તુઓ અમારે ત્યાંથી દર શિયાળામાં મળી શકે છે, ગ્રાહકોને ચોખ્ખી વસ્તુઓ આપવી તે અમારો મુદ્રાલેખ છે અને અમે તમામ મીઠાઇઓમાં ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીએ છીએ, શિયાળામાં ડ્રાયફ્રુટ અડદીયા અને સાદા અડદીયાની ખૂબ જ માંગ છે અને અમો ગ્રાહકોની રુચિ મુજબ મીઠાઇમાં થોડો ઘણો ફેરફાર કરતા રહીએ છીએ, સેન્ટ્રલ બેંક પાસે નવલભાઇ મીઠાઇવાળા નામની જુની પેઢીમાં વર્ષોથી કેટલાક ગ્રાહકો તો નિયમિતપણે અમારે ત્યાંથી મીઠાઇ ખરીદે છે.
૧૯પપ થી શાંતિલાલ પી. ચોટાઇ એ અવનવી મીઠાઇ બનાવવાની શરુઆત કરી હતી અને ત્રણ પેઢીથી નવી નવી મીઠાઇઓ બનાવે છે, હિતેષભાઇ, અજયભાઇ, જીગ્નેશભાઇ દિન-પ્રતિદિન અવનવી મીઠાઇઓ બનાવવામાં વ્યસ્ત છે, આજકાલ સાથેની વાતચીતમાં અજયભાઇ કહે છે કે અમારે ત્યાં ખાસ આઇટમમાં સોનાના વરખવાળો સાલમપાક ખૂબ જ લોકપ્રિય છે એ થોડો મોંઘો પણ છે રુા. ૪૮૦૦ ના કીલો લેખે અમો વહેંચી છીએ અને તેની ઘરાકી ખૂબ જ છે. સાલમ પાકમાં ૬૪ જાતના અલગ અલગ વસાણા, હેલ્થી ચોખ્ખું ઘી નાખવામાં આવે છે અને લગભગ ચારેક મહિના સુધી આ મીઠાઇ બજારમાં મળે છે.
અમારે ત્યાંથી બદામ પાક, ખજુર પાક, કાટલા પાક, મેથી પાક, સુગરલેસ ખજુર સ્લાઇસ, ડ્રાયફ્રુટ અડદીયા, સુગરલેસ અડદીયા, કાટલા લાડુ, સીઝનલ વસ્તુ દરેક સીઝનમાં મળે છે, રુા. ૪૦૦ થી લઇને રુા. ૪૮૦૦ સુધીની અલગ અલગ મીઠાઇઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે, ગ્રાહકોને ચોખ્ખું ખવડાવું એ અમારો સિઘ્ધાંત છે, તેથી જ અમારી પેઢી વર્ષોથી મીઠાઇ બજારમાં ટકી રહી છે.
જામનગરમાં લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન છે, ગરમાગરમ ગાઠીયા, પુરી શાક, ઘુઘરા, દાળ-પકવાન સહિતની ચીજવસ્તુઓ જામનગરમાં જ નહીં બહારના લોકો આવે ત્યારે તેઓ ખાવા માટે તલપાપડ થઇ જાય છે ત્યારે કડકડતી ઠંડીમાં જામનગરની મીઠાઇ બજારમાં પણ હાલ તો ગરમી આવી ચૂકી છે, લોકો કહે છે ભાવ ગમે તે હોય પરંતુ આજના ભેળસેળવાળા યુગમાં અમોને ચોખ્ખી મીઠાઇ મળે તે જરુરી છે અને એ ચોખ્ખી મીઠાઇ જામનગરમાં મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application