જામનગરમાં મીઠાઈ, ફરસાણ, ખજૂરના વેપારીઓ પર સઘન ચેકિંગ

  • November 08, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટેલની શેરી નંબર નવમાં આવેલ  બોમ્બે નમકીનના ખજૂરમાંથી નીકળી ઈયળ: એચ. જે. વ્યાસ, જામ વિજય, બોમ્બે નમકીન સહિતના સ્થળો પર ફૂડ વિભાગે ત્રાટકીને મીઠાઈ-ફરસાણ સહિતના નમૂના લીધાં: દિવાળીના તહેવારો દરમિયાન ભેળસેળ કરનારા ઘાલમેલિયા તત્વોને ઉઘાડા પાડવા જરુરી: લોકોમાં પેટમાં જતું ઝેર અટકાવવા કડક કાર્યવાહી આવશ્યક

દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણ, ખજૂર ઈત્યાદિ સહિતની ખાણીપીણીની ચીજોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની વાત ખૂબ જાણીતી છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે ત્યારે આ વખતે આ તહેવાર દરમિયાન ભેળસેળિયા તત્વોને ટાર્ગેટ કરીને મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આજે પણ અડધા ડઝનથી વધુ સ્થળે ફૂડ શાખાએ ત્રાટકીને નમૂના લીધાં છે. એક સ્થળેથી ખજૂરમાં ઈયળ નીકળવાની ફરિયાદ બાદ ફૂડ શાખા દોડી હતી અને આ સ્થળે તપાસ કરવા ઉપરાંત મીઠાઈના મોટા વિક્રેતાઓ ઉપર ત્રાટકીને નમૂના લીધાં હતાં.
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહકે ગઈકાલે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી, જે પેકેટ ઘરે ખોલ્યા પછી તેમાંથી જીવતી ઈયળ જોવા મળી હોવાથી તુરત જ મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગ દ્વારા પેકિંગ કરતી કંપનીને ત્યાં દરોડો પાડી ચેકિંગ કરાયું હતું અને નમૂના લેવાયા છે.
જામનગરના શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહક દ્વારા ગઈકાલે ખરીદ કરવામાં આવેલા બોમ્બે નમકીન નામની પેઢીના પેક કરાયેલા ખજૂરની ખરીદી કરાઈ હતી અને ૯૦ રૂપિયામાં એક પેકેટની ખરીદી કરવામાં આવી હતી.
જે પેકેટને ઘેર જઇ ખોલ્યા પછી તેમાંથી જીવિત ઈયળ નિકળતાં આજે સવારે તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી હતી અને સેમ્પલ દર્શાવાયું હતું. જેથી ફૂડ વિભાગ દોડતું થયું હતું.
તપાસ દરમિયાન પટેલની શેરી નંબર નવના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટના નમુનાને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જો કે તે પેકિંગમાં કશો વાંધો ન હતો, ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાનમાં ફૂડ શાખા દ્વારા એચ.જે. વ્યાસ મીઠાઈવાલા ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને કેટલીક મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા હતાં, જેનું પરિક્ષણ કરવામાં આવશે અને કોઈ ભેળસેળ કે ઘાલમેલ છે કે કેમ? તે રિપોર્ટ બાદ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ન્યૂ જામ વિજય મીઠાઈવાલાને ત્યાં પણ ફૂડ શાખાએ આજે ત્રાટકીને ફરસાણ ઈત્યાદિના નમૂના લીધાં છે. આ ઉપરાંત પણ કેટલાંક મીઠાઈ વિક્રેતાઓ અને ફરસાણવાળાઓ પર ફૂડ શાખાએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે.
અત્રે નોંધનિય છે કે, તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણ સહિતની ખાવા-પીવાની ચીજોનું મોટા પ્રમાણમાં વેંચાણ થાય છે અને આ માંગને ધ્યાનમાં રાખીને નકલી તથા ભેળસેળ કરીને મીઠાઈ ઈત્યાદિ બનાવતા તત્વો સક્રિય થઈ જાય છે, થોડાઘણાં પૈસા કમાવાની લાલચમાં આવા ઘાલમેલિયા લોકોના પેટમાં રીતસરનું ઝેર નાખે છે ત્યારે જરુરી છે કે, ફૂડ શાખા દ્વારા હજુ પણ વધુ ચેકિંગ હાથ ધરીને ક્યાંય પણ ખાવા-પીવાની ચીજમાં ભેળસેળ હોય અથવા નકલી માવા, પનીર વગેરેનો ઉપયોગ થતો હોય તો તાકિદે એવા સ્થળોને ટાર્ગેટ કરીને માત્ર નમૂના જ લેવાથી સંતોષ માન્યા વગર પ્રાથમિક પરિક્ષણમાં ખાવા-પીવાની ચીજોમાં ભેળસેળ દેખાય અથવા નકલી ચીજો હોય તો તાકિદે સીલ મારી દેવા જોઈએ જેથી કરીને તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારે કોઈ છેડછાડ કરી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application