ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી શેર કરી: બાલા હનુમાન નામ આપી પુન: પ્રતિષ્ઠા કરાઇ: નેપાળી શૈલીનું અદ્દભૂત હનુમાન મૂર્તિ દર્શન કરી ભક્તજનો એ અનુભવી ધન્યતા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે. જે ૧૨૫ વર્ષ જૂનું નેપાળી શૈલીનું છે. હનુમાન જયંતિ નિમિત્તે મંદિરની ‘બાલા હનુમાન’ તરીકે પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ૫૦ વર્ષ પહેલાં આ મૂર્તિ સ્થળાંતરિત કરાઇ હતી. આ મંદિર ફરી મળી આવતાં ભક્તોમાં ભક્તિની લહેર ફેલાઈ છે. સ્થાનિક વૃદ્ધો અને ભાવિકો પાસેથી મળેલી માહિતી મુજબ, આ મંદિર ૧૦૦થી ૧૨૫ વર્ષ જૂનું છે. હનુમાનજીનું આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે. લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલાં આ વિસ્તારમાં અસામાજિકતત્વોની ગતિવિધિ વધી જતાં ભક્તોએ અહીં જવાનું ઓછું કરી દીધું હતું.
સ્થાનિક લોકો માટે આ મંદિર દાદાનું મંદિર તરીકે ઓળખાય છે અને એ દૈનિક પાઠપૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલું રહ્યું છે. પરંતુ સમય જતાં જ્યારે આસપાસ અતિક્રમણ થયું, ત્યારે મંદિરમાં પ્રવેશ માટેનો રસ્તો બંધ થઇ ગયો અને પૂજાપાઠ પણ અટકી ગયા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ વધતાં ભક્તોની સંખ્યા ઘટી અને મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક ભાવિકોએ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુન: ર્જીણોદ્ધાર કરાવવામાં આવ્યો છે. ગત તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિકવિધિથી પુન: સ્થાપિત કરવામાં આવી છે અને આ મંદિરનું ‘બાલા હનુમાન’ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરીથી ખુલ્લુ મુકવામાં આવતાં ભક્તોમાં આનંદની લહેર છવાઇ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, અહીંયાં વર્ષો જૂનું મંદિર મળ્યું છે, જેનું રિપેરીંગ કરીને પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસની વચ્ચે છુપાયેલું પ્રાચીન નેપાળી હનુમાનદાદાનું મંદિર પોલીસના ધ્યાને આવ્યું હતું. ૧૨૫થી ૧૫૦ વર્ષ જૂનું આ મંદિર ’નેપાળી હનુમાનજી મંદિર’ તરીકે ઓળખાતું હતું. પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા હતા, તેના કારણે આ મંદિર તરફનો રસ્તો અતિક્રમણ થઈ જવાને કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. જો કે, ગઈકાલે હનુમાનજયંતીના દિવસે આ મંદિરની અંદર ફરી પૂજા અર્ચના શ કરવામાં આવી છે.