જિલ્લા પોલીસે સપ્તાહ દરમિયાન પ્રોહીબીશન સહિતના ૯૬૦ ગુના દાખલ કરાયા

  • January 01, 2024 11:25 AM 

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના જુદા જુદા પોલીસ મથક હેઠળ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમજ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


ડિસેમ્બર માસમાં પોલોસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને ૩૧ ડિસેમ્બર નજીક આવતા પોલીસ એલર્ટ બની અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૩૧ ડીસેમ્બર અંતર્ગત જિલ્લાના વિવિધ ચેક પોસ્ટ તેમજ શહેરી વિસ્તારના પ્રવેશ દ્વાર સહિતની જગ્યા ઉપર વાહન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ભાવનગર જિલ્લાના તમામ પોલીસ મથક દ્વારા સતર્ક બની અને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં વાહન ચાલકો કેફી પદાર્થનો સેવન કરીને પોતાનું વાહન ચલાવી હિટ એન્ડ રનની ઘટના ન બને તેમજ ગેરકાયદેસર રીતે નશાકારક વસ્તુઓની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ ૨૩/૧૨/૨૩ થી ૩૧/૧૨/૨૩ સુધી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જે ડ્રાઇવ દરમિયાન ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનની હદમાં અન્ય જિલ્લાને અડીને આવતા વિસ્તારમાં તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના નારી ચોકડી, તળાજા જકાતનાકા, ટોપથ્રિ સર્કલ, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, કુંભારવાડા, ગઢેચી વડલા, નીલમબાગ, કાળીયાબીડ ટાંકી, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનના કુલ ૩૪૬ કેસ નોંધાયા હતા. જેમાંથી દેશી દારૂના ૩૧૧ જ્યારે વિદેશી દારૂના ૩૫ કેસ ઈંગ્લીશ દારૂના કેસ નોંધી પોલીસ દ્વારા કુલ રૂપિયા ૧૬,૧૨,૨૬૯ નો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં એમવી ૧૮૫ એક્ટના ૪૮ કેસ નોંધાયા હતા. જયારે એનસીના કુલ ૨૯૬ કેસ મળીને ૯૬,૧૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા આઠ દિવસમાં ચેકિંગ હાથ ધરી કુલ ૯૬૦ કેસ કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. છેલ્લા આઠ દિવસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ચેકિંગ દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને સીટી ડિવાઇએસપી આર.આર. સિંઘલ તથા વિવિધ પોલીસ મથકના એલસીબી, એસઓજી, સહિતના તમામ ડિવિઝનના પીઆઈ, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application