૮.૫૦ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ તથા ૮.૫૦ લાખના દંડનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુકમ સામે આરોપીએ કરેલ અપીલ ખર્ચ સહિત રદ કરી સજાનો હુકમ સેસન્સ અદાલતે યથાવત રાખ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલલાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે વસવાટ કરતા વજશીભાઇ ભીખાભાઇ ગોજીયા પાસેથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે વસવાટ કરતા અને કોન્ટ્રાકટર એવા માલદે વજશી ગાગીયાને પોતાની અંગત જરુરિયાત અર્થે નાણાકીય જરુરિયાત ઉભી થતા ફરીયાદી વજશીભાઇ ભીખાભાઇ ગોજીયા પાસેથી તા.૧૭-૧૦-૨૦૧૬ ના રોજ ચાર માસ માટે સંબંધ દાવે હાથ ઉછીના રોકડા ૮,૫૦,૦૦૦ મેળવેલ હતા. જે અંગે ફરીયાદીની કાયદેસર લેણી નીકળતી રકમ અંગે આરોપીએ તેઓના એચ.ડી.એફ.સી. બેંક ના ખાતામાંથી બે ચેકો લખી આપેલ હતા. જે પૈકી એક ચેક તા.૧૭-૧-૨૦૧૭ના રોજનો ૪ લાખનો તથા બીજો ચેક તા.૧૭-૧-૨૦૧૭ના રોજનો સાડા ચાર લાખનો એમ બે ચેકો લખી આપેલ હતા. જે બન્ને ચેકો તેની પાકતી મુદતે ફરીયાદી દ્વારા પોતાની બેંક મારફતે વસુલાત માટે ભરતા સદરહુ બન્ને ચેકો ફન્ડસ ઇનશફીશીયન્ટના કારણે પરત ફરેલા હતા. જેથી ફરીયાદી દ્વારા ચેકો પરત ફર્યા અંગેની ધોરણસર નોટીસ આરોપીને આપવામાં આવેલ જે આરોપીને મળી ગયેલ તેમ છતાં આરોપી દ્વારા નોટીસનો કોઇ જવાબ ન આપેલ.
જામનગરના સ્પે. નેગોશીએબલ કોર્ટ એડી. ચીફ જયુડી. મેજી. એ.ડી. રાવ દ્વારા બન્ને કેસોમાં આરોપી માલદે વજશી ગાગીયાને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં એક વર્ષની સાદી કેદને સજા તથા બન્ને ચેકોની રકમ રૂ. સાડા આઠ લાખ પુરાનો દંડ ભરવા હુકમ કરેલ અને સદર દંડની રકમ સાડા આઠ લાખ ફરીયાદીને વળતર સ્વરુપે ચુકવી આપવા તથા આરોપી વળતર ન ચુકવે તો દરેક કેસમાંવધુ ૩ માસની સજા એટલે કુલ છ માસની વધુ સજા ભોગવવા અંગે હુકમ કરેલ હતો. જે હુકમથી નારાજ થઇ આરોપી દ્વારા જામનગરની સેસન્સ અદાલતમાં બે અપીલો દાખલ કરવામાં આવેલ અને તે બન્ને અપીલોના કામે ફરીયાદ પક્ષનાં વકીલ દ્વારા દલીલો રજુ કરવામાં આવેલ જે તમામ ઘ્યાને લેવામાં આવેલ તથા બંને અપીલો ચાલી જતા જામનગરના મે. બીજા એડી. સેસન્સ જજ આર.બવી. માંડાણી દ્વારા ફરીયાદ પક્ષ તરફે કરવામાં આવેલ દલીલો ઘ્યાને લઇ આરોપી માલદે વજશી ગાગીયાની સજા સામેની બંને અપીલો રદ કરી સજાનો હુકમ યોગ્ય છે તેવું ઠરાવેલ તથા આરોપીને દિન ૧૫માં નીચેની અદાલત સમક્ષ સજા માટે સરેન્ડર થઇ જવા તથા કરવામાં આવેલ અપીલ અંગે ખર્ચની રકમ ૮,૫૦૦ ફરીયાદીને ચુકવી આપવા પણ હુકમ કરવામાં આવેલ.
આમ આ ચેક રીટર્નનની અલગ અલગ બે ફરીયાદોમાં થયેલ સજાના હુકમ સામે આરોપી દ્વારા કરવામાં આવેલ બંને અપીલોના કામે ફરીયાદી વજશીભાઇ ભીખાભાઇ ગોજીયા તરફે વકીલ ઉદયસિંહ ડી. ચાવડા, જયેશ કારસરીયા, બેનઝીર એ. જુણેજા તથા કપીલ તિર્થાણી રોકાયેલા હતા.