રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં એક પણ રૂપિયો લીધા વિના ૬,૭૭૯ દર્દીની કરી પ્લાસ્ટિક સર્જરી, ૪૦ બેડ સહિત આવી છે સુવિધાઓ

  • February 07, 2025 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકસ્માતના ગંભીર બનાવ, દાઝી જવાના કિસ્સા, સ્નેક બાઈટ કે અન્ય ઇજા થકી ઘાયલ દર્દીઓના અંગોને મોટું નુકસાન થતું હોય છે. આ સમયે દર્દીને તાત્કાલિક સારવાર ઉપરાંત તેઓની રિકંસ્ટ્રક્શન સહિતની સર્જરી હાથ ધરી તેમને મોટી નુકસાનીથી બચાવી શકાય છે. ઇજા પામેલા અંગોને પુનઃ કાર્યરત કરવા શરીરના અન્ય જગ્યાએથી જરૂરી નસ, ધમની સીરા, સ્કિન અને હાડકાનો ઉપયોગ કરી સર્જરી દ્વારા નુકસાન થયેલ અંગ કાર્યરત કરવાની રિકંસ્ટ્રક્શનની જટિલ પ્રક્રિયા રાજકોટ સિવિલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ કરી રહ્યો છે. આ સર્જરી જો કોઈ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો પુષ્કળ નાણાં ખર્ચવા પડે પરંતુ સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન થકી અનેક દર્દીઓને જાણે નવું જીવન મળ્યું છે. 


રાજકોટ સિવિલમાં કાર્યરત પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ગંભીર કિસ્સામાં ગત વર્ષે લગભગ ૬૮ જેટલા અબાલ-વૃદ્ધની રિકંસ્ટ્રક્શન  સર્જરી કરી તેઓને સામાજિક ગૌરવ અપાવી અને ડિપેન્ડન્સીમાંથી ઉગારવાની ઉમદા સેવા કરવામાં આવી છે. આ સાથે વર્ષ ૨૦૨૪ દરમિયાન ટ્રોમા, એક્સિડન્ટલ, કેન્સર, ખોડખાપણ દૂર કરવાના ૬,૭૭૯ દર્દીઓની નાની-મોટી સર્જરી હાથ ધરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં ૫૮૬ સર્જરી કરી હોવાનું વિભાગના હેડ અને સિવિલ અધ્યક્ષ ડો. મોનાલી માકડિયા જણાવ્યું છે.


રિકંસ્ટ્રક્શનના કેસ અંગે વિગતે માહિતી આપતા તેઓ જણાવે છે કે, અકસ્માતમાં ઘાયલ દર્દીઓની કેટલાક કિસ્સામાં ધોરી નસ, રક્ત વાહિની કપાઈ જતી હોઈ છે. આવા કિસ્સામાં સર્જરી દ્વારા કપાયેલી નસોને જોડી રક્ત સંચારણ પુનઃ કરવામાં આવે છે, જેથી કરીને દર્દીઓના અંગ કાર્યરત રહે. દાઝી જવાના કિસ્સામાં તે જગ્યાએ શરીરના અન્ય જગ્યાએથી અથવા સ્કિન બેન્કમાંથી ત્વચાનો ઉપયોગ કરી તે ભાગને નવી સ્કિન પૂરી પાડવામાં આવે છે. જ્યારે કેટલાક જન્મજાત ખોડખાંપણવાળા બાળકો કે જેઓને કાન ન હોવા, એકથી વધુ આંગળીઓ હોવી, આંગળીઓ જોડાયેલી હોવી કે ક્લીપ હોઠ જેમાં હોઠ કપાયેલા હોય તેવા બાળકોની પ્લાસ્ટિક સર્જરી કરી તેઓના અંગો સંપૂર્ણ કરવામાં આવે છે.

આવા જુદા જુદા કિસ્સામાં ગત વર્ષે કેન્સર પીડિત ૮ લોકોના સર્જરી બાદના મોં, ગળા રિકંસ્ટ્રક્શન પદ્ધતિથી પૂર્વવત કરાયા છે. જન્મજાત ખોડખાપણયુક્ત ૬ બાળકોની સર્જરી કરી બાળકોના કાન, ફાટેલ હોઠને સાજા કરાયા છે. જ્યારે અકસ્માત કે અન્ય ઘટનામાં મોટી ઇજામાં ઘાયલ ૨૫ જેટલા લોકોની નસની સર્જરી કરી તેઓને હાથ પગની ખોડખાપણથી રક્ષિત કરાયા છે. ૧૫ જેટલા કિસ્સામાં કાનનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના અન્ય ભાગમાંથી હાડકું કાઢી તેને કાનની જગ્યાએ જોડી નવો કાન બનાવી આપવામાં આવ્યો છે. તે જ રીતે અકસ્માત કે નોઝ બાઈટના પાંચ કિસ્સામાં નાકને પ્લાસ્ટિક સર્જરી વડે પુનઃ આકાર આપી મૂળ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક કિસ્સામાં ગંભીર અકસ્માતમાં આંખના ભાગે થયેલી ઇન્જરીને પ્લાસ્ટિક સર્જરી દ્વારા શેપ આપવામાં આવ્યો છે. તો એક દર્દીની હાથની સર્જરી દ્વારા તેઓને કાયમી ખોટ દૂર કરી આપી હોવાનું ડો. મોનાલી માકડિયા જણાવે છે.

સરકારી હોસ્પ્ટિલમાં રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ ૨૦૨૩થી કાર્યરત છે. આજ સુધીમાં મૃતકોના ૪૬ જેટલા સ્કિન ડોનેશન મળેલા છે. આ સ્કિનનો ઉપયોગ ખાસ કરીને દાજી ગયેલા દર્દીઓની સારવાર અને ઘાયલ દર્દીઓને ઇન્ફેક્શનથી બચાવવા પણ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોમાં ખુલ્લા અંગોને સ્કિન વીટી ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. સાથોસાથ પ્રોટીન અને હિમોગ્લોબીન લોસ અટકે છે, જેને પરિણામે તેઓના અમૂલ્ય અંગ બચાવી શકાય છે તેમ ડો. મોનાલીએ જણાવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ઉત્તમ દેન એવી અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગ કાર્યરત છે. અહીં બે અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થીએટર, સ્કિન બેન્ક, મહિલા અને પુરુષ બે વોર્ડમાં ૪૦ બેડની ઇન્ડોર સારવાર સુવિધા ઉપલબ્ધ છે. અહીં પ્રોફેસર ડો. મોનાલી માકડીયા ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મીનાક્ષી રાવ, રેસિડન્ટ ડો.  કેયુર ઉસદડીયા, ડો. જયદીપ કવાથીયા સહીત નર્સિંગ અને સપોર્ટિંગ સ્ટાફ કાર્યરત છે.

રાજકોટ સિવિલ ખાતે કાર્યરત પ્લાસ્ટિક સર્જરી વિભાગ ટ્રોમાં, કોસ્મેટીક, માઈક્રોવાસ્ક્યુલર સહિતની સર્જરી માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી દર્દીઓના અંગોને શેપિંગ આપવાની સાથોસાથ તેઓને સામાજિક ગૌરવની સાથે આત્મનિર્ભર બનવવાનું મહત્વનું યોગદાન પૂરો પાડી રહ્યો છે.   

સિવિલ ખાતે રિકંસ્ટ્રક્શન થકી કરાતી પ્લાસ્ટિક સર્જરી

  • કેન્સર સર્જરીથી કાઢી નંખાયેલા ગાલ, જડબા અને ગળાને પુનઃ શેપિંગ
  • અકસ્માતે તૂટી ગયેલી ધમની-શિરાઓને જોડી બ્લડ સર્ક્યુલેશન પૂર્વવત કરવું
  • જન્મજાત કાનની ખોડખાપણને દૂર કરી ત્રણ સ્ટેજમાં નવા કાનનું સર્જન
  • ઘવાયેલા હાથ-પગને નવી માંસપેશીઓ થકી પૂર્વવત કરવો

રિકંસ્ટ્રક્શન ઓપરેશન પદ્ધતિ
ડો. મોનાલી તેમજ ડો. કેયુર જણાવે છે કે, જે દર્દીની નસ મોટા ભાગે ડેમેજ થઈ હોય તેવા દર્દીઓના પગ કે અન્ય જગ્યાથી વધારાની નસ કાઢી તેઓની માઇક્રોસર્જરી કરી બ્રેક થયેલી નસને જોડવામાં આવે છે. કેન્સરના ઓપરેશન બાદ ચહેરા, ગરદનના ભાગના શેપને પુનઃ પ્રસ્થાપિત કરવા અન્ય જગ્યાએથી માંસપેશી કાઢી તેટલો ભાગ સર્જરી કરી જોડવામાં આવે છે. જન્મજાત બાળકને એક કાન ન હોઈ તેવા કિસ્સામાં અન્ય સોફ્ટ હાડકાનો ઉપયોગ કરી ત્રણ સેશનમાં નવો કાન તે જ જગ્યાએ ઉભો કરવામાં આવે છે. નવું જડબું પડખાના હાડકાંમાંથી રિકંસ્ટ્રકટ કરી તૈયાર કરવામાં આવે છે. હાથની બધી નસો ખુલી ગઈ હોય તો ફ્લેપ સર્જરી થકી નસોને જોડવામાં આવે છે. આમ, રાજકોટ સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા લોકોને નવજીવન પૂરું પાડવામાં આવે છે. 


મોડ્યુલર ઓપરેશન થીએટર
પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ડબ્લ્યુ.એચ.ઓ. ની ગાઈડલાઈન મુજબના  બે મોડ્યુલર ઓપરેશન થીએટર છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી ઓ.ટી. માં આધુનિક માઇક્રોસ્કોપ સહિતનું જયારે અન્ય બર્ન્સ અને સેપ્ટિક સર્જરી નું આધુનિક ઓપરેશન થીએટર છે.  ઇન્ફેક્શન રહિત ઓ.ટી. માં સેન્સર ડોર, એલ.ઈ.ડી. ટચ સ્ક્રીન મેનેજમેન્ટ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.


સ્કિન બેન્ક
રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ 2023થી કાર્યરત છે. મૃતકોના પરિવારજનો દ્વારા સહમતી સાથે હાથ-પગ સહિતના ભાગોની સ્કિન લેવામાં આવે છે. જેને ખાસ પ્રોસેસ કરી ખાસ લિક્વિડમાં સ્કિન બેંકમાં રાખવામાં આવે છે. આ સ્કિન પાંચ વર્ષના સમયગાળામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે.          



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application