પ્રભાસપાટણ ઓજી વિસ્તારમાં દરિયાઇ રેતીનો ૬૫૦ ટન ગેરકાયદે જથ્થો ઝડપાયો

  • September 05, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણના ઓજી વિસ્તારમાંથી પ્રતિબંધિત દરિયાઈ રેતીની ખનીજ ચોરીના કૌભાંડનો જાગૃત નાગરીકની માહિતીથી પર્દાફાશ થયો છે. જેમાં મીઠાપુરની પડતર સરકારી જગ્યામાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દરિયાઈ રેતીનો મસમોટો જથ્થો એકત્ર કર્યો હોય જે ઝડપાયો છે. આ રેતીનો જથ્થો અંદાજે ૬૫૦ ટન જેટલો હોવાનું ખાણ ખનીજ વિભાગે જણાવ્યુ છે પરંતુ કોના દ્વારા જથ્થો એકત્ર કર્યો છે ? તે ખબર ન હોવાનું જણાવતા હોવાથી વિભાગની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરાવી રોયલ્ટીની ખનીજ ચોરી કરનાર શખ્સોને શોધી દાખલારૂપ કાર્યવાહી કરે તેવી લોકમાંથી માંગ ઉઠી છે. 


આ અંગે માહિતી આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઘનશ્યામ વાઘાણીએ જણાવેલ કે, વેરાવળના ઓજી વિસ્તાર ગણાતા એવા મીઠાપુર ગામની સીમ શાળાની પાછળ આવેલ સરકારી પડતર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રેક્ટરો મારફત પ્રતિબંધિત દરીયાઈ રેતીનો મોટો જથ્થો એકત્ર કરાઈ રહ્યો હતો. જે અંગે જાગૃત નાગરીકએ વિભાગને આપેલ માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર તપાસ કરવા પહોંચ્યો હતો. 
ત્યારે ત્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દરિયાઈ રેતીનો સ્ટોક કરાયો હોવાનું જાણવા મળેલ હતુ. આ જથ્થાની માપણી હાથ ધરતા ૬૫૦ ટન જેટલો છે. હાલ આ જથ્થાને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જથ્થો કોણે અને શું કામ એકત્ર કર્યો તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 
​​​​​​​
આ જથ્થો શનિવારે સાંજે સીઝ કરાયા બાદ બે દિવસ વિતી ગયા પછી પણ કોના દ્વારા રેતીનો મોટો જથ્થો એકત્ર કરાયો તેની ખાણ ખનીજ વિભાગને ખબર ન હોવાનું જણાવી રહ્યુ છે. ત્યારે જવાબદાર વિભાગની કામગીરી શંકામાં આવવાની સાથે અનેક સવાલો સર્જી્ રહી છે. જેમ કે, પ્રતિબંધિત દરિયાઈ રેતીનો કાળો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો ? કોણ આ ગેરકાયદેસર વેપલો ચલાવતો હતો ? સરકારી જગ્યામાં મસ મોટો જથ્થો સ્ટોક થયો છતાં તંત્ર અજાણ કેમ ? આવા અનેક સવાલો ઉઠ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application