ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારની રૂ.૬.૧૩ કરોડની જમીનના દબાણ દૂર

  • March 29, 2023 12:08 PM 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩  કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી કરવા બદલ સમગ્ર દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રની સરાહના કરી હતી. પોલીસ અધિક્ષક નીતિશ પાંડે તથા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ સંબંધિત વિસ્તારના નકશાઓ દ્વારા મુખ્યમંત્રીને ગેરકાયદેસર દબાણો અંગે કરાયેલા ડિમોલિશનની સવિસ્તાર માહિતી પૂરી પાડી હતી.


ભીડભંજન ભૂવનેશ્વર મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં ડિમોલિશ કરાયેલા વિવિધ બાંધકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આ વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવા અને તમામ નાની નાની હિલચાલની સતર્કતાપૂર્વક નોંધ રાખવા ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ હર્ષદ વિસ્તારના દરિયાઈ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હરસિદ્ધિ માતાના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી સ્તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી.


જામ ધર્માદા ટ્રસ્ટના મેનેજર વિનોદકુમાર ક્યાડા દ્વારા મુખ્યમંત્રી તથા મંત્રીનું શાલ ઓઢાડી તેમજ માતાજીની છબી અર્પણ કરી સન્માન કરાયું હતું.


આ મંદિરના મુખ્ય પૂજારી અલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યાનુસાર હર્ષદના દરિયાકિનારા નજીક કોયલા ડુંગરની તળેટીમાં આવેલ આ શ્રી હરસિધ્ધિ મંદિર એક હજાર વર્ષ પુરાણું મંદિર છે તેમજ કોયલા ડુંગર ઉપર આવેલ મહમદ ગજનીએ ખંડિત કરેલ શિવ મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે. આ મંદિરએ સિદ્ધપીઠ છે અને ઉજ્જૈન માતા શ્રીહરસિધ્ધિ બિરાજે છે તે શક્તિપીઠ છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યજી આ હરસિદ્ધિ માતાના પરમ ઉપાસક હતા. ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ આજ શ્રી હરસિધ્ધિ માતા છે. હરસિધ્ધિ માતાનો બાવન શક્તિપીઠમાં સમાવેશ થાય છે.ભગવાન દ્વારકાધીશ એ કોયલા ડુંગર ઉપર માતા હરસિધ્ધિની ઉપાસના કરી હતી. 

​​​​​​​
આ તકે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંધવી, જામ ધર્માદા ટ્રસ્ટના મેનેજર  વિનોદકુમાર ક્યાડા, મંદિરના મેનેજર મિલનભાઈ પંડ્યા, વહીવટદાર અભયભાઈ ખિરા, ઓબ્ઝર્વર રવિશંકર શુક્લા,  ડીજીપી વિકાસ સહાય, રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ, પ્રાંત અધિકારીઓ પાર્થ કોટડીયા અને  તલસાનિયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર.પરમાર, ડીવાય.એસ.પી. એસ.એચ.સારડા, કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી  ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application