જામનગર બન્યુ ‘મચ્છરનગર’ તાવ, શરદીના ૫૫૦ કેસ નોંધાયા

  • February 07, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોસ્પિટલમાં ઓપીડીમાં ૨૫૦ કેસ નોંધાતા ચારેકોર રોગચાળો ફુલ્યો-ફાલ્યો: ઉધરસના અનેક દર્દીઓ પરેશાન: શહેરમાં મચ્છરોનો અસહ્ય ત્રાસ છતાં કોર્પોરેશન દ્વારા ફોગીંગ કે ડીડીટી છંટકાવ કરવામાં ઠાગાઠૈયા: લોકઆક્રોશ

જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયાથી મચ્છરોનો ભારે ત્રાસ જોવા મળ્યો છે, એક જમાનામાં આ શહેરને નવાનગર કહેવામાં આવતું હતું, હવે લોકો મજાકમાં મચ્છરનગર પણ કહે છે, ચારેકોર મચ્છરોનો અસહ્ય ત્રાસ છે, કોર્પોરેશન દ્વારા કોણ જાણે કેમ ફોગીંગ મશીન શહેરમાં ફેરવાતા નથી કે ડીડીટી જેવી યોગ્ય દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, લોકોમાં ઉગ્ર આક્રોશ જન્મયો છે ત્યારે માત્ર બે જ દિવસમાં જી.જી.હોસ્પિટલમાં ૩૦૦ અને ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ જેટલા તાવ, શરદી, ઉધરસના કેસો નોંધાયા છે, ત્યારે જો દવાનો છંટકાવ નહીં કરવામાં આવે તો લોકો વધુ બિમારીનો ભોગ બનશે તે પણ હકીકત છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં મચ્છરોનો અસહ્ય ત્રાસ છે એમાંય ખાસ કરીને છેલ્લા અઠવાડીયાથી તો મચ્છરો બેકાબુ બન્યા છે જેને કારણે લોકો તાવના ભોગ પણ બની રહ્યા છે. ગુલાબનગર હોય કે ગાંધીનગર, પંચવટી હોય કે ખંભાળીયા નાકા વિસ્તાર તેમજ રણજીતરોડ, દિગ્વિજય પ્લોટ, નવગામ ઘેડ, લાલવાડી, સેતાવાડ, મોહનગર, ખોડીયારકોલોની, સાધનાકોલોની, ગ્રીનસીટી, પાર્ક કોલોની, શરુ સેકશન રોડ, રણજીતનગર સહિતના વિસ્તારોમાં મચ્છરો બેકાબુ બન્યા છે.
જયારે-જયારે મિશ્ર ઋતુ શરુ થાય છે ત્યારે અગાઉ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં રીક્ષા દ્વારા ફોગીંગ મશીનથી ધુમાડો કરીને મચ્છરોને ભગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વખતે કોણ જાણે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને મચ્છર દેખાતા નહીં હોય અને હજુ સુધી ફોગીંગની કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ હકીકત છે.
જી.જી.હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ દરરોજ ૨૫ થી ૩૦ લોકોને તાવ, શરદી, ઉધરસને કારણે દાખલ કરવામાં આવે છે, લગભગ ઓપીડીમાં ૨૫૦ થી ૩૦૦ દર્દીઓ શરુ થઇ ગયા છે, સામાન્ય તાવ હોય તો પણ ત્રણથી ચાર દિવસ તાવ ઉતરતો નથી એવી ફરિયાદ પણ મળી છે, એટલું જ નહીં તાવને કારણે શરીરમાં ખુબ જ નબળાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. કેટલાક વૃઘ્ધોને શરદી, ઉધરસનો રોગ લાગુ પડયો છે, ખાસ કરીને સવાર-સાંજ ઠંડી અને બપોરના ૧૧ થી ૫ ગરમીનો માહોલ હોવાના કારણે લોકો ખુબ જ પરેશાની ભોગવી રહ્યા છે.
ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીને દવા લેવા માટે એક થી દોઢ કલાક બેસવું પડે છે, ઓશવાળ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ, ઇન્દુમધુ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્૫િટલોમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો ખુબ જ વધી ગયા છે. ગામડાઓની વાત લઇએ તો સીએચસી, પીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, આમ શહેરમાં મચ્છરોના ત્રાસના કારણે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે, પરંતુ મહાપાલિકાનું નિંભર તંત્ર હજુ સુધી આ અંગે કોઇ ગંભીરતા દાખવતું નથી કે ફોગીંગ મશીન ફેરવતું નથી તે પણ હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application