પોરબંદર જિલ્લાના ૪૦૮માંથી ૪૩ કુપોષિત બાળકોના વધ્યા વજન

  • September 07, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ૪૦૮માંથી ૪૩ જેટલા કુપોષિત બાળકોના વજનમાં વધારો થયો છે અને તેઓને પૌષ્ટિક ખોરાક તૈયાર કરીને આપવામાં આવે છે તે ઉપરાંત પણ તેમની વ્યક્તિગત રીતે દેખરેખ રાખીને જ‚રિયાત મુજબની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
બાળકોમાં કુપોષણ એ સતત બદલાતી પરિસ્થિતિ છે ત્યારે નાગરિકોમાં જનજાગૃતિ માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કરીને કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણનું લક્ષ્ય સેવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યાં છે. તાજેતરમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીએ પોષણ માહ ૨૦૨૪નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. 
પોરબંદર જિલ્લામાં એકપણ બાળક કુપોષણનો શિકાર ન બને તે માટે જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. છેવાડાના વર્ગો સુધી સરકારની કુપોષિત બાળકો માટેની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે ગ્રામ પંચાયતો સાથે સંકલનમાં રહી સતત પ્રયાસો કરવામાં આવે છે.  મધ્યમ કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની સાથોસાથ વિશેષ કાળજી લેવાઈ રહી હોવાથી આવા બાળકો સામાન્ય ગ્રેડમાં આવી રહ્યા છે. 
પોરબદર જિલ્લામાં કુપોષિત   બાળકોને ઉંમર મુજબ  સરકાર દ્વાર આપતા બાલશકિતના ૭ થી ૧૦ પેકેટનું  વિતરણ કરવામાં આવે છે તેમજ વાલીઓ સાથે પરામર્શ કરી બાળકોનું પોષણસ્તર સુધરે તેવા પ્રયાસો કરાય છે અને બાળકોના આરોગ્યની તપાસણી બાદ જ‚ર જણાય તો સી.એમ.ટી.સી. માં રીફર કરાય છે. બાળકોના આરોગ્ય સુધારવા આંગણવાડીમાં બે ટાઈમનું પુરક પોષણ તેમજ અઠવાડિયામાં  બે વખત  ફ્રુટ  અપાય છે. બાળકોના પોષણ સ્તર માં સુધારો થાય એ પ્રકારે વિશેષ કામગીરી કરી બાળકોની કાળજી લેવામાં આવે છે, જેના કારણે પોરબંદર જિલ્લામાં મધ્યમ કુપોષિત બાળકો ૪૦૮ નોંધાયા હતા જેમાંથી ૪૩ બાળકો હાલ સામાન્ય ગ્રેડમાં આવી ગયા છે. જ્યારે અતિ કુપોષિત બાળકો ૧૧૮ નોંધાયા હતા, તેમાંથી ૧૬ બાળકો સામાન્ય એ-ગ્રેડમાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા લાભાર્થીએ પોતાના રહેણાંક વિસ્તાર નજીકની આંગણવાડી ખાતે નોંધણી કરાવવી જ‚રી હોવાનું જણાવાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંદુરસ્ત સમાજના નિર્માણમાં ખાસ કરીને બાળકો કુપોષણ માંથી મુક્ત થાય તે માટે વિશેષ દેખરેખ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં એકપણ બાળક કુપોષણનો શિકાર ન બને તે માટે જિલ્લા પંચાયત, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. મધ્યમ કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની સાથોસાથ વિશેષ કાળજી લેવાઈ રહી હોવાથી આવા બાળકો સામાન્ય ગ્રેડમાં આવી રહ્યા છે. 
જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર દ્વારા જિલ્લામાં ઓછું વજન ધરાવતા અને શારીરિક નબળા બાળકો માટે વિશેષ કાળજી લેવા અને સરકારની યોજનાઓનો લાભ લઈને બાળકો તંદુરસ્ત ગ્રેડમાં આવે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેના પરિણામો પણ મળ્યા છે.
પોરબંદર તાલુકાના ગોરસર ગામનો બાળક નેહલ સરમણભાઈ સિંધલ યલો ગ્રેડમાં છે. આ બાળકની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. ખોરાકમાં ટી.એચ.આર. ના પેકેટનો ઉપયોગ કરવા તેના વાલીઓને સમજાવવામાં આવ્યા હતા, અને હાલ તેનું ‚બ‚ વજન કરતા ગયા માસ કરતા ૧૦૦ ગ્રામનો વધારો જોવા મળેલ છે. આ બાળકના હૃદયમાં કાણું હતું, જેના ઓપરેશન બાદ હાલ સ્વસ્થ છે તેવું તેના પિતાએ જણાવ્યું હતું. અન્ય એક બાળક પ્રિન્સ દિલીપભાઈ જાદવ અગાઉ લાલ ગ્રેડમાં હતું. આ બાળકની માતાને સ્વચ્છતા વિશે તેમજ નિયમિત આંગણવાડી પર મોકલવા સમજ આપવામાં આવી હતી. જે હાલ વજન ૧૧ કિલો ૨૦૦ ગ્રામ સાથે તે પીળા ગ્રેડમાં આવ્યું છે. આ રીતે જિલ્લામાં ૪૩ બાળકોના સ્વાસ્થ્યમાં વજન વધવાની સાથે સુધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application