૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા

  • April 12, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના શખસે ફિઝિયોથેરાપિસ્ટ તબીબની મદદથી બે અલગ અલગ ડોકટરના સારવારના અભિપ્રાયના કાગળો અને ખોટા એમઆરઆઈના રિપોર્ટ રજુ કરી રાજકોટની સમર્પણ હોસ્પિટલના કર્મચારીની મીલીભગતથી પોતાની ઇન્સ્યોરન્સ પોલિસીમાં .૪૦ લાખનો વીમો પાસ કરવાનું કાવતં ઘડું હતું જે વીમા પોલિસીની થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ટીમે તપાસ દરમિયાન ખુલ્લું પાડી વીમા કંપનીની થર્ડ પાર્ટી એજન્સીના મેનેજીગં ડાયરેકટરની ફરિયાદ પરથી પોલિસી ધરાવનાર મયુર કરશભાઈ છુંછાર, ડો.અંકિત હિતેષભાઇ કાથરાણી અને સમર્પણ હોસ્પિટલના જવાબદાર કર્મચારી સહીત તપાસમાં ખુલે તેની સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.



એસીપી રાધિકા ભારાઈના માગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીની રાહબરીમાં ટીમે ગઈકાલે જ ફિઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત કાથરાણીની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા આ કૌભાંડ આચરવાના પ્રયાસમાં મુખ્ય આરોપી મયુર ઉપરાંત અન્ય ત્રણ વ્યકિતની સંડોવણી ખુલી હતી. પોલીસે મોડી રાત્રીના મુખ્ય આરોપી દર્દી મોહિત કરશનભાઇ છુંછાર (રહે–કેવલમ કિંગ્ડમ એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી), સમર્પણ હોસ્પિટલના એડમીન ભાવિક રમેશભાઈ માકડ (રહે–જનની એપાર્ટમેન્ટ, માસુમ સ્કૂલની શેરી, નાણાવટી ચોક), હિતેશ રામજીભાઈ રવિયા (રહે–શ્રમજીવી સોસાયટી શેરી નં ૨૬નો ખૂણો, ઢેબર રોડ) તેમજ હિમાંશુ ગોપાલભાઈ રાઠોડ (રહે–રામનાથપરા શેરી નં–૨૧)ની અટકાયત કરી હતી. અને તમામની પુછપરછમાં એકબીજાની મદદગારી સામે આવી હતી. મોહિત છુંછાર પોતે દેણામાં આવી જતા વર્ષ ૨૦૨૩માં ક્રિટિશિલ્ડ નામની આઈસીઆઈસીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીની વીમા પોલિસી કરાવી હતી અને આ પોલીસીમાં બ્રેઈન કે હાર્ટ સ્ટ્રોક આવે તો સીધો ૪૦ લાખનો કલેઈમ પાસ થઇ શકે. આ માટે પોતે ૧૫૦ ફટ રિંગરોડ પર આવેલા હાઈટેક ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવતા ડો. અંકિત કાથરાણી સાથે મિત્રતા હોવાથી સમગ્ર વાત જણાવી હતી અને ડો,અંકિતએ વીમા પોલીસીના કાગળો કરી આપ્યા હતા અને ડો.અંકીત કાથરાણી સમર્પણ હોસ્પિટલના એડમીન ભાવિક માકડને ઓળખતો હોવાથી ત્યાં મોહિતને દાખલ થવા માટેનું કહ્યું હતું.


મોહિત ૧૭–૪ના નબળાઈની બીમારીન બહાને દાખલ થયો હતો. ભાવિક માકડએ સાંજે મોહિતને ઘરે જવા દીધો હતો અને ખોટા સારવારના કાગળો બનાવી તેમાં સહી સિક્કા કરી આપ્યા હતા. આ ઉપરાંત ડો.અંકિત કાથરાણી હિતેશ રવિયાને ઓળખતો હોવાથી તેને સંપર્ક કરી મોહિતના ખોટા એમઆર આઈ રિપોર્ટ બનાવવા માટેનું કહ્યું હતું. હિતેશ રવિયા સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા હિમાંશુ રાઠોડને ઓળખતો હોવાથી તેને રિપોર્ટ બનાવી આપવાનું કહેતા હિમાંશુએ ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવી આપ્યા હતા. આ માટે ડો.અંકિત કાથરાણીએ મોહિતને કહી .૫૦૦૦ હિતેશ રવિયાને ગુગલ પે થી આપ્યા હતા અને હિતેશ રવિયાએ તેમાંથી .૨૫૦૦ હિમાંશુ રાઠોડને આપ્યા હતા. આ રીતે તમામની સંડોવણી ખુલી હતી.



હજુએ હોસ્પિટલ કે અન્ય કોઈ વ્યકિતઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ યથાવત રાખી ઝડપાયેલા શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

૪૦ લાખના કલેઇમમાં ડો.અંકિત કાથરાણીને ૧૦ લાખ આપવાના હતા

બોગસ સારવારના કાગળો કરવા માટે તમામ ગોઠવણ કરી આપનાર ડો.અંકિત કાથરાણીને મોહિત છુંછારએ .૪૦ લાખના કલેઇમની રકમમાંથી .૧૦ લાખ ડો.અંકિત કાથરાણીને આપવાનું નક્કી થયાનું પોલીસ તપાસ ખુલ્યું છે. ડો.અંકિત કાથરાણીએ આ રીતે અન્ય કોઈ આ પ્રકારે કારનામા કર્યા છે કે કેમ અને સમર્પણ હોસ્પિટલના એડમીન ભાવિક માંકડ, હિતેશ રવિયા સાથે કેવી રીતે સંપર્ક થયો છે ઉપરાંત પૈસાના ખેલમાં ભાવિક માકડએ ખોટા સારવારના કાગળો બનાવી સહી સિક્કા કરી આપવા કોઈ રકમ લીધી હતી કે કેમ તે અંગે હજુ પોલીસ તપાસમાં કાંઈ ખુલ્યું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application