મારુતિનગરમાં લોનવાળો ફલેટ વેચી દઇ 37 લાખની ઠગાઇ

  • February 12, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુના એરપોર્ટ રોડ પર આવેલા મારૂતિનગરમાં વ્હોરા મહિલા સાથે આ વિસ્તારમાં જ ભાગીદારીમાં એપાર્ટમેન્ટ બનાવનાર બિલ્ડરે ફલેટના સોદામાં રૂા. 37 લાખની ઠગાઇ કયર્િ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ જે ફલેટનું વેંચાણ કર્યુ તેમાં તેણે અગાઉથી જ લોન લઇ રાખી હોવા છતાં એ વાત છુપાવી સુથી લઇ તેમજ અડધી રોકડ લઇ લીધી હતી. સોદો થઇ ગયા બાદ અશાંતધારો આવી જતાં દસ્તાવેજ હવે કેમ થશે? એવુ પુછાતાં તેણે પોતે બધુ સંભાળી લઇશ કહી બાકીની રકમ પણ મેળવી લીધી હતી. જો કે આજ સુધી દસ્તાવેજ ન કરી આપતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,એરપોર્ટ રોડ મારૂતિનગર-2 નટરાજ ગોલાવાળી શેરી તસ્કી એપાર્ટમેન્ટમાં રહેતાં તાહેરાબેન મુર્તુઝા ચિકાણી-દાઉદી વ્હોરા (ઉ.વ.48) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરથી રણજીત જીતબહાદુર વશિષ્ટનું નામ આપ્યું છે.
તાહેરાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહુ છું અને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જાન્યુઆરી-2020માં મને તથા મારા પતિને જમીન મકાનના દલાલ શબ્બીરભાઇ ત્રવાડી મારૂતિનગર-2 નટરાજ ગોલાવાળી શેરીમાં મોદક એપાર્ટમેન્ટમાં આવેલો ફલેટ નં. 301 બતાવવા લઇ ગયેલ. આ એપાર્ટમેન્ટ રણજીત વશિષ્ટના નામે હતો. તેના માણસ સંજય ટાંકે જે તે વખતે અમને મકાન બતાવ્યું હતું. આ મકાન અમને પસંદ આવતાં અમે સુથી પેટે રણજીત વશિષ્ટને એરપોર્ટ રોડ પર આવેલી સાઇટ ખાતે તા. 10/2/20ના રોજ રૂા. 5300 રોકડા આપ્યા હતાં. આ સુથી આપી ત્યારે સંજય ટાંક અને દલાલ શબ્બીર ત્રવાડી પણ હાજર હતાં.
આ વખતે રણજીત વશિષ્ટે મને તથા મારા પતિને કહેલુ કે, આ ફલેટની હાલની બજાર કિમત 37,50,000 ગણાય છે. આથી અમે તે રકમ કટકે કટકે આપવાનું નક્કી કર્યુ હતું. થોડા દિવસમાં જ દસ્તાવેજ કરી આપશે તેવી તેણે ખાત્રી આપી હતી. ત્યારબાદ અમે તા. 24/2/20ના રોજ રૂા. 5 લાખ ચેકથી આપ્યા હતાં. એ પછી ફરી 10 લાખ, 5 લાખ અને બીજા 5 લાખ સંજય ટાંકની હાજરીમાં આપ્યા હતાં. એ પછી અમને રણજીત વશિષ્ટે ફલેટની ચાવી આપી દીધી હતી. જેથી અમે ડિસેમ્બર-2020માં આ ફલેટમાં રહેવા માટે જતાં રહ્યા હતાં.
ત્યારબાદ અશાંતધારો લાગુ પડતાં રણજીત વશિષ્ટને અમે કહેલું કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી ગયો છે તો દસ્તાવેજ કઇ રીતે થશે? જેથી તેણે કહેલુ કે તમે ચિંતા ન કરો હું બધુ જોઇ લઇશ. થોડા સમય પછી તેણે પરિચિત મારફત બાકી રહેતું પેમેન્ટ કરી દેવા કહેવાડાવ્યું હતું. જેથી અમે તા. 5/2/21ના રોજ રૂા. 4 લાખ ચેકથી અને 8 લાખ મળી કુલ 12 લાખ ચુકવી દીધા હતા. આ રીતે અમે કુલ 37,05,300 આપી દીધા હતાં. પરંતુ આજ સુધી રણજીત વશિષ્ટે અમને દસ્તાવેજ કરી આપ્યો હતો. તપાસ કરતાં અમને એવી પણ ખબર પડી હતી કે, રણજીતે આ ફલેટ પર લોન લીધેલી છે અને હાલ લોન પણ ચાલુ છે. ફલેટનો દસ્તાવેજ હાલ બેંકમાં જમા છે. આથી અમે તેને દસ્તાવેજ ન થાય એમ હોય તો અમારૂ પેમેન્ટ પાછુ આપી દેવા કહ્યું હતું. જો કે તેણે દસ્તાવેજ ન કરી આપી ફલેટની અમે ચુકવેલી રકમ પણ પાછી આપી ન હોઇ છેતરપીંડી થયાનું જણાતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ 318 (4) મુજબ લોનવાળો ફલેટ ધાબડી દઇ રૂા. 37,05,300ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application