કોઠારીયા સોલવન્ટ પાસે યુવાનને 3 શખસોએ છરીના 5 ઘા ઝીંક્યા

  • May 15, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે શિવ હોટલ નજીક દોલતપરામાં રહેતા યુવાનને અહીં દ્વારકાધીશ ગૌશાળા પાસે ત્રણ શખસોએ ગાળો ભાંડી મારમારી છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના ભાઈને આરોપી સાથે ત્રણ માસ પૂર્વે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા વિસ્તારમાં ત્રણ માળિયા કવાર્ટર પાસે દોલતપરા શેરી નંબર-1 માં રહેતા કમલેશ વિનોદભાઈ પરમાર (ઉ.વ 21) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વનરાજ યુવરાજ તથા એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના પાંચેક વાગ્યા આસપાસ તે પોતાના શેઠ નરેન્દ્ર શર્માને કારખાને ઉતારી કાર લઇ દ્વારકાધીશ ગૌશાળા પાસે કાર પાર્ક કરી નીચે ઉતરી જતો હતો ત્યારે ત્રણ સવારી બાઈકમાં આવેલા વનરાજ, યુવરાજ તથા અજાણ્યા શખસે તેને ઉભો રાખી વનરાજ ગાળો દેવા લાગ્યો હતો. જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદમાં યુવરાજ તથા અજાણ્યા શખસે યુવાનને પકડી રાખી વનરાજ નેફામાંથી છરી કાઢી મારી નાખવાની ધમકી આપી ડાબા પગે સાથળના ભાગે ત્રણ ઘા તથા નડાના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. જેથી યુવાને દેકારો કરતા આ ત્રણેય શખસો બાઇક લઈને નાસી ગયા હતા. ત્યારબાદ યુવાને તેના મિત્રને ફોન કરતા તેને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક માસ પૂર્વે તેના ભાઈ વિજય સાથે યુવરાજને બોલાચાલી અને ઝઘડો થયો હોય બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ આ બાબતનો ખાર રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે આજીડેમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application