સુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત

  • February 24, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તબીબોઓએ મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું પણ મોત નીપજ્યું હતું. મૃતકોમાં બે સગા ભાઈ-બહેનનો સમાવેશ થાય છે. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કાર ચાલકે બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ ગયાનો દાવો કર્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉ.વ.48) ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી.


આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોપ્યો હતો. કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application