ગાયત્રીધામ સોસાયટીમાં મંદિરમાં ચોરીમાં નિવૃત પોલીસમેનના પુત્ર સહિત ૩ ઝડપાયા

  • March 27, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જામનગર રોડ પર આવેલી ગાયત્રીધામ સોસાયટીમાં મંદિરમાં દાનપેટી ચોરી રોકડ રકમ ચોરી થયાના બનાવનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી નાખી ત્રિપુટીને ઝડપી લીધી હતી.જેમાં મૂળ એમ.પી વતની અને હાલ રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે રહેતો શખસ મુખ્ય સૂત્રધાર છે.તેણે તેના મીત્ર નિવૃત પોલીસ મેનના પુત્રને સાથે રાખી રેકી કરવાનું કહી પોતે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.જયારે અન્ય આરોપી રિક્ષાચાલ છે તેણે પોતાની રીક્ષા ચોરી માટે ભાડે આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી રીક્ષા સહિત રૂ. 90,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.બી.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે રીક્ષા નંબર જીજે 3 એડબલ્યુ 0178 સાથે ત્રણ શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે આ શખસોની પુછતાછ કરતા તેમના નામ વિવેક વિરેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ 39 રહે. હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ, મૂળ યુપી), ઈકબાલ મહમંદઅલી મકરાણી (ઉ.વ 39 રહે. મોચીનગર 6, જામનગર)થી પાન પાસે શીતલ પાર્ક મેઇન રોડ રાજકોટ અને હમીર અલીભાઈ જુણેજા (ઉ.વ 38 રહે. પરસાણાનગર શેરી નંબર 7) હોવાનું માલુમ પડ્યું હતું.


પોલીસે પૂછતાછ કરતા આ ત્રિપુટીએ ગત તા. 19/3/2025 ના રાત્રિના ચારેક વાગ્યા આસપાસ જામનગર રોડ પર આવેલા ગાયત્રીધામ સોસાયટીમાં મહાદેવ મંદિરના પરિસરમાં દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ત્રિપુટી પાસેથી રોકડ રૂપિયા ૧૦,૪૫૦ અને રીક્ષા સહિત 90,450 ના મુદ્દામાલ કબજે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિવેક મુખ્ય સૂત્રધાર છે જ્યારે અન્ય આરોપી ઈકબાલ નિવૃત્ત પોલીસમેનનો પુત્ર છે અને અમીત રિક્ષાચાલક છે ત્રણે આરોપીઓએ મળી અલગ અલગ સોસાયટીના મંદિરની આરોપી હમીદ જુણેજાની રિક્ષામાં રેકી કર્યા બાદ મોડીરાત્રિના ઈકબાલ મંદિર બહાર ઉભો રહ્યો હતો અને હમીદ રિક્ષામાં હતો જ્યારે વિવેકે મંદિરમાં જઈ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારબાદ તેનો ભાગ પાડી ત્રણેય અલગ થઈ ગયા હતા.


આરોપી વિવેક સામે અગાઉ રાજકોટના પ્ર.નગર, યુનિવર્સિટી, ગાંધીગ્રામ એ ડિવિઝન, થોરાળા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના સાત ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં પણ ધાર્મિક સ્થળમાં ચોરીનો તેની સામે ગુનો નોંધાયાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપી ઈકબાલ સામે અગાઉ હત્યાના પ્રયાસનો તથા આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. બનાવનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, રવિભાઈ ગઢવી, શબીરખાન મલેક, કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, રોહિતદાન ગઢવી, મુકેશભાઈ સભાડ, પ્રદીપભાઈ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, પ્રકાશભાઈ મકવાણા અને પ્રશાંત ગજેરા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application