જામ્યુકોએ બનાવેલા કુંડમાં 237 ગણેશજીની મૂર્તિનું કરાયું વિસર્જન

  • September 22, 2023 11:14 AM 

હાપા અને લાલપુર બાયપાસ ચોકડી પાસે ગજાનનની મૂર્તિનું વિસર્જન કરવા કોર્પોરેશનની અપીલ


જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ જુદા જુદા બે સ્થળોએ ગણપતિ વિસર્જન માટેના બે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં બંને સ્થળોએ એક રાજકોટ રોડ પર જ્યારે બીજો રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે મહાનગરપાલિકાની જગ્યામાં બનાવાયેલા કુંડ માં ત્રણ દિવસ દરમિયાન 237 ગણપતિની નાની મોટી મૂર્તિઓનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.


 જામનગર મહાનગરપાલિકા દ્વારા બંને સ્થળે 150 ફૂટની લંબાઈ, 60 ફૂટની પહોળાઈ અને આઠ ફૂટની ઊંડાઈ સાથેના સ્લોપવાળા બંને કુંડ બનાવાયા છે. જેમાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે અને પાણી ભરીને વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમજ ગણપતિ મંડળના આયોજકો સ્થળ પર પૂજા કરી શકે તે માટેના પૂજાના ટેબલ સહિતની વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓનું વિસર્જન મહાનગરપાલિકા દ્વારા તૈયાર રાખવામાં આવેલી ટીમ મારફતે જ  કરવામાં આવી રહ્યું છે.


હાપા રોડ પર આવેલા વિસર્જન કુંડમાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે 40 જયારે આજે ત્રીજા દિવસે 125 મળી 166 મૂર્તિઓ વિસર્જિત કરાઈ છે જ્યારે લાલપુર બાયપાસ પાસેના વિસર્જન કુંડમાં ગઈકાલે 10 અને આજે 51 મળી કુલ 61 નાની મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  બંને કુંડમાં માટીમાંથી બનાવેલી અથવા તો (પી.ઓ.પી.ની) પણ મૂર્તિ જે લોકોએ સ્થાપિત કરી હોય, તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું,  કુલ 237 મૂર્તિ કરાઈ છે.


જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી,  ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની તેમજ ચેતન સંઘાણી અને હિરેન સોલંકી સહિતની ટીમ દ્વારા સમગ્ર વિસર્જન કુંડની વ્યવસ્થાની  ગોઠણ કરવામાં આવી છે અને આગામી 30 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન વિસર્જનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે,  અહીં  લાઇટિંગ વ્યવસ્થા, પીવાનું  પાણી અને પોલીસ તથા સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા  જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application