જામનગર જિલ્લાની ૩ નગરપાલીકા જામજોધપુર, ધ્રોલ, કાલાવડ અને જોડીયા તાલુકા પંચાયતની જામવંથલી બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું, જિલ્લાની ત્રણેય નગરપાલીકાઓના કુલ ૨૨૨ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં ગઇકાલે કેદ થયા છે, આવતીકાલે તા.૧૮ના રોજ પરીણામ બહાર પડશે.
જામનગર જિલ્લાની ત્રણ નગરપાલીકાની સાથોસાથ જોડીયા તાલુકા પંચાયતની પેટાચુંટણી પણ ગઇકાલે યોજાઇ હતી, જેમાં જોડીયા બેઠક બિનહરીફ થઇ હતી, તેની સાથોસાથ જામવંથલી બેઠકની ચૂંટણી યોજાઇ હતી, જેમાં ૪૩.૯૪ ટકા મતદાન થવા પામ્યું હતું.
નગરપાલીકાની ત્રણેય બેઠકોમાં કુલ ૨૧ વોર્ડની ચૂંટણીમાં જામજોધપુરમાં ત્રણ મથકોમાં ઇવીએમ બદલવા પડયા છે જયારે કાલાવડના એક મતદાન મથક પર ઇવીએમ ખોટકાઇ જતાં તાત્કાલીક બદલાવું પડયું હતું, તે સિવાય ત્રણેય નગરપાલીકામાં કોઇપણ જાતની ફરિયાદ થવા પામી ન હતી અને શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.
જામજોધપુર નગરપાલીકાના કુલ ૭ વોર્ડમાં ૮૦ ઉમેદવારો હતાં અને ૨૬ બુથ મથકો પર મતદાન થયું હતું, ૧૨૨૫૦ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ટકાવારી જોઇએ તો ૫૮.૧૨ થવા પામી હતી જયારે કાલાવડમાં કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૨૭ બેઠકોમાં ચૂંટણી થઇ હતી જેમાં ૬૭ ઉમેદવારો મેદાનમાં હતાં જયારે એક બેઠક બિનહરીફ થઇ હતી જે ભાજપના ફાળે ગઇ છે.
ગઇકાલે યોજાયેલ ચૂંટણીમાં ૧૪૮૭૦ મતદાતાઓએ મતદાન કર્યુ હતું, ટકાવારી જોઇએ તો ૬૩.૧૬ ટકા મતદાન થયું હતું જયારે ધ્રોલ નગરપાલીકાની વાત કરીએ તો કુલ ૭ વોર્ડમાં ૨૮ બેઠક પૈકી ૨૪ બેઠકમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં ૭૫ ઉમેદવારો મેદાનમાં હતાં, ૨૧ બુથમાં યોજાયેલ ચૂંટણીમાં ૧૨૮૮૮ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ટકાવારી જોઇએ તો ૬૮.૦૫ ટકા નોંધાઇ હતી.