ગુજરાતના ચકચારી 2000 કરોડના જીએસટી કૌભાંડમાં 3 IAS સહિત 15 અધિકારીની સંડોવણી, ઇડીની પૂછપરછમાં લાંગાએ ધડાકા કર્યા

  • February 27, 2025 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચકચારી 2 હજાર કરોડના જીએસટી કૌભાંડના કેસમાં નવા ખુલાસા થયાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે અમદાવાદ ઇડીના અધિકારીઓએ આ કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી. મહેશ લાંગાની પૂછપરછમાં મોટા ધડાકા થયા છે. જેમાં ગુજરાત સરકારના 3 આઇએએસ અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું જણાવ્યું છે. આ અધિકારીઓમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ અને જીએસટી વિભાગના અધિકારીઓના નામ સામેલ છે.


200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેશ લાંગાના પરિવારને સચિવાલયમાં લઈને ફરતા પત્રકારો અને વચેટિયાઓના નામ પણ બહાર આવ્યાં છે. ઈડી દ્વારા આ તમામની કોલ ડિટેઇલ મેળવાઈ રહી છે અને બે-ત્રણ દિવસમાં તેમને પણ સમન્સ આપીને જવાબ લેવા માટે બોલાવવામાં આવી શકે છે.  જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગાએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલીને બોગસ બીલિંગ કરીને આઇટીસી લેવા માંડી હતી. ધ્રુવી એન્ટરપ્રાઈઝની સાથે ડી.એ એન્ટરપ્રાઈઝ નામની કંપની પણ ખોલવામાં આવી હતી. આ કંપની મનોજ લાંગા અને વિનુ પટેલના નામે ખોલવામાં આવી હતી. જેમાં 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. જેમાં 50 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજિસ્ટર થઈ હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને અંદાજે 200 જેટલા બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હતી. 


મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

આ કેસમાં સૌપ્રથમ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ ઇડી દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


આ કૌભાંડમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

આ કૌભાંડમાં ફૈઝલ શેખ, ઈરફાન શેખ, જીગ્નેશ દેસાઈ, પરેશ ડોડિયા, હરેશ મકવાણા સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાં ઓમ કન્સ્ટ્રક્શન રાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓમ હર્ષ કન્સ્ટ્રક્શન નામની કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સોલંકી એન્ટરપ્રાઈઝ દ્વારા ખોટા બીલો રજૂ કરીને ખોટી રીતે આઈટીસી લેવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં હવે ઈન્ફોર્સમેન્ટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહેશ લાંગાની સાથે ગાંધીનગરમાં સચિવાલયમાં બેસતા ક્યાં સરકારી અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓએ મિલકત વસાવી છે તેની પણ તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application