કર્ણાટકમાં બે મોટા અકસ્માત, 50 મીટર ઊંડી ખીણમાં ટ્રક પડી જતા 10 લોકોના મોત, વાહન પલટી જતા 3 વિદ્યાર્થી સહિત 4ને કાળ ભેટ્યો

  • January 22, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના રાયચુર અને યલ્લાપુરાથી માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાયચુરમાં એક વાહન પલટી જતાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય દસ ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે યલ્લાપુરામાં શાકભાજી અને ફળો ભરેલી ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં પડી જતા 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 15 લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. 


વિદ્યાર્થીઓ નરહરિ મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા
રાયચુરમાં થયેલા અકસ્માતમાં વાહનમાં મંત્રાલય સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ હતા. જેઓ નરહરિ મંદિરમાં પૂજા કરવા માટે હમ્પીની યાત્રા પર હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સિંધનુરના અરાગિનમારા કેમ્પ પાસે થયો હતો. મૃતકોની ઓળખ આર્યવંદન (ઉં.વ.૧૮), સુચિન્દ્ર (ઉં.વ.૨૨) અને અભિલાષ (ઉં.વ.૨૦) તરીકે થઈ છે. આ અકસ્માતમાં ડ્રાઇવર શિવા (ઉં.વ.24)નું પણ મોત થયું હતું. જ્યારે ૧૦ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


યલ્લાપુરામાં ટ્રક કેવી રીતે ઊંડી ખીણમાં પડી
યલ્લાપુરામાં થયેલા ગોઝારા અકસ્માતમાં મળતી માહિતી મુજબ, ફળો અને શાકભાજી લઈને વેપારીઓ સાથે જઈ રહેલી એક ટ્રક અચાનક કાબૂ ગુમાવી દીધી અને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના આજે સવારે ઉત્તર કન્નડ જિલ્લાના યલ્લાપુરા તાલુકાના અરબૈલ ઘાટ ખાતે કાગેરી પેટ્રોલ પંપ પાસે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 40થી વધુ વેપારીઓ હાવેરી જિલ્લાના સવાનુરુથી ઉત્તર કન્નડ જિલ્લાના કુમતા બજારમાં શાકભાજી અને ફળો લઈ જઈ રહ્યા હતા. યલ્લાપુરાના અરબૈલ ઘાટ પાસે ટ્રકે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.


મૃત્યુઆંક વધવાની શક્યતા
આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોમાંથી 11 લોકોને યલ્લાપુરા તાલુકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે યલ્લાપુરા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.


મૃતકોની ઓળખ થઈ
બધા મૃતકો હાવેરી જિલ્લાના સવાનુરુ શહેરના રહેવાસી હતા. મૃતકોની ઓળખ ફયાઝ ઇમામ સાબ જામખંડી (ઉં.વ.45), વસીમ વિરુલ્લાહ મુદગેરી (ઉં.વ.35), ઐજાઝ મુસ્તકા મુલ્લા (ઉં.વ.20), સાદિક ભાષા ફરેશ (ઉં.વ. 30), ગુલામ હુસૈન જવાલી (ઉં.વ.40), ઇમ્તિયાઝ મમજફર મુલકેર (ઉં.વ.36), અલ્પાઝ, જાફર મંદાક્કી જીલાની અબ્દુલ ઝખાતી (ઉં.વ.25) અને અસલમ બાબુલી બેની (ઉં.વ.24) તરીકે થઈ છે. જ્યારે હુબલીની એક હોસ્પિટલમાં અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application