સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ

  • July 15, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે.ચિતલદા ગામેમાં થઇને વહેતી વીરા નદીમાં પાંચ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. પાંચ વર્ષ બાદ નદીમાં આટલુ ભરપૂર પાણી આવ્યુ છે.
જૂના ઉમરપાડા રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાયાં છે. આ સાથે લીમરવાણથી કદવાલી તરફ જતાં માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ સાથે અહીંની મોહન નદી અને વીરા નદી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ તરફ નદીઓના પાણી ઘૂસી જતાં અનેક ગામ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
17મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application