શહેરમાં ૧૩૦ જર્જરિત ઇમારતો

  • June 24, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર નોટીસો આપીને સાહેબો બેઠા રહ્યાં, યમરાજ કામ કરી ગયા

શહેરમાં જ્યારે જ્યારે બનાવ બને છે ત્યારે અધિકારીઓ એકાએક દોડતા થઇ જાય છે, શાળા હોય કે ફાયર હોય કે બિલ્ડીંગને લગતી કોઇ ઘટના હોય ત્યારે તાત્કાલિક કામગીરી થાય છે અને થોડા દિવસ બાદ આ બધું ભુલી જવામાં આવે છે, દર ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા વિધિવત રીતે જર્જરિત મકાનોને દૂર કરવા નોટીસો પાઠવવામાં આવે છે, બે-ચાર લોકો આ બિલ્ડીંગ દૂર કરે છે, પરંતુ સરવાળે કોઇપણ સારી કામગીરી થતી નથી, ત્યારે જામનગરમાં સાધના કોલોનીમાં બનેલા બનાવ બાદ તંત્ર એકાએક જાગ્યું છે, જો કે મે મહિનામાં ૧૩૦ જેટલા મકાનોના માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી, વાવાઝોડા દરમ્યાન ર૭ બિલ્ડીૅગોના કેટલાક ભાગોને દૂર કરવામાં આવ્યા હતા, હવે મહાપાલિકા વધુ કડક બને તો જ કાર્યવાહી થઇ શકે. તો પછી મહાપાલિકાની કે હાઉસીંગ બોર્ડની જવાબદારી શું ? હજુ શહેરમાં ૧૩૦ બિલ્ડીંગોમાંથી વધુ બિલ્ડીંગ પડે તેની રાહ જોવામાં આવે છે ?
જામનગર મહાપાલિકા દ્વારા સેતાવાડ, ખંભાળીયા નાકા, કાલાવડ નાકા બહાર, સાધના કોલોની સહિતના કેટલાક વિસ્તારોમાં જર્જરિત મકાનો તાત્કાલિક પાડવા અંગે નોટીસ પાઠવવામાં આવી હતી, વાવાઝોડા આવવાની છે તેવી આગાહી બાદ કોર્પોરેશનના ટીપીઓ વિભાગ દ્વારા કલમ-૨૬૪ હેઠળ ર૮ ઇમારતોના માલિકોને નોટીસ પાઠવી હતી, તેમ નાયબ ડીડીઓ ઉર્મિલ દેસાઇએ જણાવ્યું હતું.
અહીં પ્રશ્ર્ન એ થાય છે કે જામનગર શહેરમાં હજુ પણ ૧૩૦ જેટલી ઇમારતો જર્જરીત છે, ગમે ત્યારે પડી શકે તેમ છે અને ચોમાસુ આવવાની ઘડી ઉપર છે, ત્યારે આ મકાનોમાં રહેતા લોકોની સલામતી શું ? આવી ઇમારતોને તાત્કાલિક કેમ દૂર કરવામાં આવતી નથી ? એટલું જ માત્ર નોટીસ આપીને સંતોષ આપવાનું કારણ શું ? દર વખતે જ્યારે ચોમાસા આવે છે ત્યારે કેટલાક જર્જરીત મકાનોના માલિકો અને ભાડુઆતોને નોટીસો પાઠવાઇ છે ત્યારબાદ ચોમાસુ પુ‚ં થઇ જાય છે, વળી પાછું ચોમાસુ આવે ત્યારે પણ આ બિલ્ડીંગમાં કોઇ કાર્યવાહી થતી નથી અને ફરીથી નોટીસ આપવામાં આવે છે, આમ કોર્પોરેશન પણ છુપાછપીનો ખેલ રમતું હોવાની ગંભીર બાબતો બહાર આવી છે.
ચોમાસા માથે છે ત્યારે હજુ ૧૩૦ બિલ્ડીંગોમાંથી કેટલાક બિલ્ડીંગો માત્ર થોડા વરસાદ કે પવનમાં ધરાશાયી થઇ શકે તેમ છે, ગમે ત્યારે મકાન પડશે તો સાધના કોલોની જેવી જ દુર્ઘટના થશે તો કોર્પોરેશન અને હાઉસીંગ બોર્ડ સાધના કોલોની પછીની દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે, ૧૪૦૪ આવાસ મકાનો તો અંધાશ્રમ પાસે આવેલા છે, તેમાં કેટલાકની છત તો ગમે ત્યારે પડી શકે છે ત્યારે તાત્કાલિક અસરથી કોઇપણ રાજકીય લોકોની શેહશરમ રાખ્યા વિના આ નોટીસ આપેલા તમામ મકાનોનો જર્જરીત ભાગ તાત્કાલિક દૂર કરવો જોઇએ, જેથી વધુ જાનહાનિ ન થાય.
ચોમાસામાં દર વખતે બે-ત્રણ મકાનો તૂટતા હોય છે, આ વખતે પણ વાવાઝોડા દરમ્યાન ત્રણેક મકાન પડી ગયા હતા અને ત્રણ મકાનોને કોર્પોરેશન પાડ્યા હતા, હજુ ૧પ થી ર૦ મકાનો એવા છે કે તાત્કાલિક પાડવાની જરુર છે, કોર્પોરેશને પણ આ મામલે કડક કદમ ઉઠાવવા જોઇએ.
આ વિસ્તારોમાં સંઘાડીયા બજાર, દેવુભા ચોક, સેતાવાડ, ભોયવાડો, ખોજાનાકા, ધર્મસાર ફળી, મોટી પીપળા શેરી, કડીયાવાડ, સુપર માર્કેટ, જનતા ફાટક, વાણીયા વાડ, ચાંદીબજાર, નવાગામ ઘેડ, પટેલ કોલોની શેરી નં. પ, ગીરધારી મંદિર સામે, ૬૩ દિ.પ્લોટ, ૧૦ દિ.પ્લોટ, હુશેની ચોક, ટીંબા ફળી, જોલી બંગલા પાસે, પ્રતાપ શેરી નં. ૧૦ વિસ્તારમાં મકાનધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ કોઇ કાર્યવાહી ન થતાં મહાપાલિકાએ ખુદ આ મકાનનો જર્જરિત ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
અહીં પ્રશ્ર્ન એ છે કે લોકો મહાપાલિકાનું કંઇ માનતા નથી, એટલું જ નહીં હાઉસીંગ બોર્ડ હસ્તક જે જર્જરિત મકાનો છે તેને દૂર કરવા કોઇ કાર્યવાહી નથી એ હકીકત છે, રણજીતનગર, ૧૪૦૪ આવાસ, અંધાશ્રમ તેમજ સાધના કોલોનીમાં કેટલાક આવાસો ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ છે, તેમની વડી કચેરી રાજકોટ છે, જામનગરમાં કોઇ ભાવ પૂછનાર નથી એટલે નોટીસ કોણ આપે, મોટાભાગના મકાનો જર્જરીત છે, અંધાશ્રમ પાસેના મકાનો ૧૪૦૪ આવાસો મહાપાલિકાએ ખાલી પણ કરાવ્યા છે, પરંતુ આવા મકાનો જર્જરીત થાય ત્યારે દૂર કરવાની જવાબદારી કોની ? એ પ્રશ્ર્ન ઉઠ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને ઘરનું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને લોકો માટે ગામેગામ આવાસ યોજના કરવામાં આવે, જામનગર પણ એ હાલત છે કે ૩૦ થી ૩પ ટકા આવાસો ખાલી હાલતમાં છે ત્યારે આ મકાનોમાં જર્જરીત આવાસ કે મકાનમાં રહેતા લોકોને ચોમાસા દરમ્યાન આશશ્ર આપવો જોઇએ, તેમ પણ લોકોનેૅ કહેવું છે.
ખરી રીતે કોર્પોરેશન અને જામનગર મહાનગરપાલિકા વચ્ચે કોઇ ચોક્કસ નીતિ અને સંકલન પણ નથી, જેના કારણે પોતપોતાના ખાતામાં આવે તે રીતે જ કામ કરવામાં આવે છે, લોકોનું કંઇ વિચારવામાં આવતુઁ નથી, અમુક આવાસનો બે થી ત્રણ વખત જાહેરાત કરવા છતાં પણ આવાસમાં કોઇ રહેવા આવતું નથી, કેટલાક આવાસો સારા બનતા હોય છે.
જ્યારે જ્યારે ઘટના બને છે ત્યારે હાઉસીંગ બોર્ડ હોય કે કોર્પોરેશન હોય, પોતાની જવાબદારીથી છટકવા માટે અન્ય ખાતા ઉપર દોષનો ટોપલો કોઇક પર ઢાળી દેવામાં આવે છે ત્યારે આ મામલો ખૂબ જ ગંભીર ગણી શકાય, જિલ્લા કલેકટર બીજલ શાહે કોર્પોરેશન અને હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને સાથે બોલાવીને કાયમી સમસ્યા ઉકેલાય તે પ્રકારના આદેશ આપવા જોઇએ.
સાધના કોલોની ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય, ત્રણના જાન ગયા છે અને હજુ કેટલાક ઘાયલ થયા છે ત્યારે આવી દુર્ઘટના વારંવાર ન બને એ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવા જોઇએ, હાલમાં સાધના કોલોની, રણજીતનગર, અંધાશ્રમ નજીક આવેલા આવાસોમાં મોટાભાગના આવાસો જર્જરીત છે, ત્યારે આવા મકાનધારકોને આવાસ કે અન્ય સ્થળોએ ખસેડીને તેમનો જીવ બચાવી લેવો જોઇએ, ચોમાસાની શરુઆત છે ગમે ત્યારે કોઇપણ મકાનો પડી શકે છે, કેટલાક હાઉસીંગ બોર્ડના બનાવેલા મકાનો અતિ જર્જરીત પણ છે,  ત્યારે જિલ્લા કલેકટરે આ મામલો થાળે પડે તેવા પગલા લેવા જોઇએ. તેવું લોકોને કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application