તાંત્રીક વિધિના બહાને જામજોધપુર પંથકના ખેડુત પાસેથી ૧૦ લાખ પડાવી લીધા

  • September 04, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોટો બનાવવાનો ડેમો કરી ઘડો જમીનમાં દાંટયો: અમદાવાદ, જુનાગઢના શખ્સો સહિતની ટોળકી સામે ફરીયાદ

જામજોધપુરના ગીંગણીમાં થોડા મહિના પહેલા વિધીના બહાને ખેડુતને લાખોનો ચુનો ચોપડનાર ટોળકી સકંજામાં આવી હતી, દરમ્યાનમાં જામજોધપુરના કલ્યાણપર ગામમાં રહેતા ખેડુતને નોટોનો ડેમો બતાવીને ઘડો જમીનમાં દાંટી તથા જામનગરના મકાનનો રુમ બંધ કરી તાંત્રીક વિધીના બહાને રુા. દસ લાખ કટકે કટકે ખંખેરી લીધાની અમદાવાદ, જુનાગઢના શખ્સો સહિતની ટોળકી સામે ગઇકાલે શેઠવડાળા પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.
જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા ખેતીકામ કરતા જીતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ કથીરીયા (ઉ.વ.૪૮) કે ગઇકાલે શેઠવડાળા પોલીસમાં અમદાવાદના અનવરબાપુ, જુનાગઢના કેશુભાઇ તથા ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.
અમદાવાદના અનવરબાપુ અને જુનાગઢના કેશુભાઇ આ બંનેએ મિલાપીપણું કરીને આશરે એકાદ મહીના પહેલા તાંત્રીકવિધીથી ચલણી નોટો બનાવવાનો ડેમો બતાવતા જીતેન્દ્રભાઇ તેમના વિશ્ર્વાસમાં આવી ગયા હતા, આરોપીઓએ ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને ફરીયાદીના દીકરાનું જામનગર ખાતે આવેલ રહેણાંક મકાનમાં તાંત્રીક વિધી કરી હતી, ફરીયાદીના મકાનનો રુમ બંધ કરી દઇ પુછયા વગર આ રુમ ખોલવો નહીં તેમ જણાવી તેમજ કલ્યાણપુર ખાતે આવેલા જીતેન્દ્રભાઇના જમીનમાં ખાડો ખોદી સ્ટીલનો હાંડો મંગાવ્યો હતો અને તેના પર તાંત્રીક વિધી કરી હતી.
એ પછી ફરીયાદી ખેડુતને આ હાંડો સોંપીને તેમાં સોનુ હોવાનો વિશ્ર્વાસ અપાવ્યો હતો અને અનવરબાપુએ પુછયા વગર હાંડો નહીં ખોલવાનું જણાવીને ફરીયાદી તથા તેમના પુત્ર સૌરવને ફોન કરીને જણાવેલ કે હવે તમે આ મે કરાવેલી તાંત્રીક વિધીના રુપીયા આપશો તો જ તમારું કામ આગળ વધશે નહીં તો તમારું કોઇ કામ થશે નહીં.
એટલુ જ નહીં તમારા પરિવારનું ધનોત પનોત નીકળી જશે એ રીતે ભયમાં મુકયા હતા, ખેડુતને વિશ્ર્વાસમાં લઇને તેમની પાસેથી કટકે કટકે આંગડીયા મારફતે આશરે દસ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. તાંત્રીક વિધીના બનાવના દસેક દિવસ બાદ જીતેન્દ્રભાઇએ અમદાવાદ અને જુનાગઢના શખ્સોને ઘડો ખોલવા બાબતે વાત કરી હતી આથી અનવરબાપુએ તમારી વિધીમાં હજુ વિઘ્ન આવે છે જેથી અત્યારે ઘડો ખોલતા નહી એવુ જણાવીને બનાવના પાંચેક દિવસ બાદ ફરીયાદીએ ફરીથી બંનેને ફોન કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો અને ખેડુતનો ફોન બ્લેકલીસ્ટમાં નાખી દઇ બંને શખ્સોએ મોબાઇલ ફોન બંધ કરી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
આશરે એકાદ મહીના પહેલા કલ્યાણપુર ગામે બન્યો હતો દરમ્યાન ખેડુતને છેતરપીંડી થયાનું જાણમાં આવતા સમગ્ર મામલો શેઠવડાળા પોલીસ મથકે લઇ જવાયો હતો, ઉપરોકત ટોળકી સામે ફરીયાદ થતા શેઠવડાળાના પીએસઆઇ આર.એલ. ઓડેદરા અને સ્ટાફ દ્વારા જુદી જુદી દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામજોધપુર પંથકમાં સાધુના શ્ર્વાંગમાં આવેલી ટોળકી એક ખેડુતને ચુનો ચોપડી ગયા હતા ત્યાં બીજો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application