દ્વારકા: સુરજકારડી ગામે છોટા હાથીની હડફેટે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
બેદરકારીપૂર્વક દોડાવાયેલા વાહને રોડ સાઇડ પાર્ક કરેલી બાઈકને મારી ટક્કર, યુવાનને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ
દ્વારકા-ઓખા નવા હાઇવે રોડ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માર્ગ પર વાહનોની બેદરકાર ગતિ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સુરજકારડી ગામે સામે આવી છે, જેમાં છોટા હાથી વાહનની ટક્કરે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરજકારડી ગામમાં રહેતા નિવરભાઈ રાજેશભાઈ સુતરીયા પોતાની દુકાન બહારથી મોટરસાયકલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઇવે રોડ તરફથી આવી રહેલા છોટા હાથી નંબર-૩૭૦૧૭૧ ના ચાલકે વાહન અતિઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડની સાઇડ તરફ વળી ગયું અને ત્યાં પાર્ક કરેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે નિવરભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમના હોઠના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા, જ્યારે ડાબા હાથની પહેલી આંગળી નજીક છ ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થતાં સર્જરી કરીને પ્લેટ મૂકવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. ડાબા પગમાં ગોઠણની નીચે ગંભીર ઇજા પહોંચતાં ત્યાં પણ ટાંકા લેવામાં આવ્યા હતા. જમણા પગના ગોઠણ પાસે પણ છોલાછોલીની ઇજાઓ પહોંચી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળે છે.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે દ્વારકા-ઓખા નવો રોડ બન્યા બાદ વાહનોની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા હાઇવે પર સ્પીડ નિયંત્રણ અને ટ્રાફિક ચેકિંગ વધુ કડક બનાવવાની માંગ ઉઠી રહી છે. બનાવ અંગે મીઠાપુર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.