બાલાજી મંદિરની સફાઈ ભલે કરો પરંતુ આખા રાજકોટમાં ગંદકી છે તેનું શું?

  • April 21, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌથી વધુ ગંદકી રામનાથ મહાદેવ મંદિર આસપાસ છે:નદીઓ પ્રદૂષિત થઈ છે, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વધી ગયું છે: ભાજપની પત્રકાર પરિષદમાં અણીયાળા સવાલો




આવતીકાલે સવારે 8:30 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા બાલાજી હનુમાનજી મંદિર માં સફાઈની કામગીરી કરશે તે મામલે બોલવવામાં આવેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોઘરા પર સવાલોની સટાસટી બોલાવવામાં આવી હતી.




બાલાજી મંદિરે સફાઈ કરો છો તે સારી વાત છે પરંતુ સૌથી વધુ ગંદકી રાજકોટના હજારો લાખો લોકોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે તેવા રામનાથ મહાદેવ મંદિર આસપાસ ભયંકર ગંદકી છે તેનું શું ? રાજકોટ શહેરમાં પણ તમામ વોર્ડમાં ગંદકીના ઢગલા જોવા મળે છે તેની નિયમિત સફાઈ થાય તે બાબતે કોઈ વ્યવસ્થા છે કે નહીં ? ગુજરાતની અનેક નદીઓ અને સૌરાષ્ટ્રમાં ભાદર, મોજ જેવી નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે અને તેનું પાણી પીવા લાયક પણ નથી તેવો થોડા સમય પહેલા રિપોર્ટ આવ્યો હતો. નદીનું પાણી પી શકાય તેવું કરવા માટે શું કામ થઈ રહ્યું છે ?ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અનેક ગણું વધી ગયું છે. તેવા સવાલોની ઝડી પત્રકારોએ વરસાવી હતી.




ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે આવતીકાલે યાત્રાધામો અને મંદિરો તથા તેની આસપાસના વિસ્તારમાં સફાઈ થવાની છે. આ કામગીરી આવતીકાલે જ પૂરી થવાની નથી પરંતુ નિરંતર ચાલુ રહેશે. બીજા તબક્કામાં રામનાથ મહાદેવ મંદિર જેવા સ્થળો લેવામાં આવશે. શહેરની ગંદકી અને કચરા સફાઈ જેવી સમસ્યાના મામલે મહાનગરપાલિકાના સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવશે.સફાઈને લગતું અમારું આ અભિયાન સતત ચાલુ રહેશે અને દર મહિનાના ત્રીજા રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.




ડોક્ટર ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે માત્ર મંદિરો અને યાત્રાધામની સફાઈ કરીને કાલનો કાર્યક્રમ પૂરો કરવામાં નહીં આવે. પરંતુ આસપાસના વિસ્તાર માં પણ સફાઈ કામગીરી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે રાજકોટમાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ અન્ય સ્થળોએ સફાઈની કામગીરીમાં જોડાવાના છે. ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા છે. પ્રથમ તબક્કામાં 24 તીર્થ સ્થાનોનો સમાવેશ કરાયો છે.જ્યાં જરૂર પડશે ત્યાં કચરા ટોપલી પણ આપવામાં આવશે. આ સમગ્ર અભિયાન સંગઠન,સરકાર અને સમાજનું બની રહેશે.


પત્રકારો સાથેની વાતચીત વખતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિમાં યોજાનારા સફાઈ કાર્યક્રમની વિગતો આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application