વર્લ્ડ ફૂડ ડે: દુનિયામાં ભલે એક દિવસ મનાવાય ફૂડ ડે, રાજકોટવાસીઓ માટે 365 દિવસ હોય છે ફૂડ ડે

  • October 28, 2020 02:04 AM 771 views

*શિયાળામાં પણ વાંદરા ટોપી પહેરીને આઈસ્ક્રીમ અને ગોલા ખાવાનું ચૂકતા નથી: ચટણી હોય કે ચીકી, વડાપાઉં કે પછી બ્રેડકટકા, સાદો કે ફ્રાય ઢોસા, કચોરી અને સમોસા, ઘૂઘરા કે દાબેલી, પેંડા અને થાબડી, ખમણ-સેવખમણી, ભેળ અને ભાજીપાઉં રાજકોટની છે ઓળખ...*


આજે વર્લ્ડ ફૂડ ડે છે ત્યારે રાજકોટવાસીઓની વાત કરીએ તો તેમના માટે બારેમાસ અને 365 દિવસ જીભના ચટાકા હોય...! રાજકોટના અલગ-અલગ ડીશનો સ્વાદ અને સુગંધ દેશ-વિદેશમાં જાણીતો છે એટલે જ રાજકોટની મુલાકાતે આવતા વિદેશીઓ પણ એક વખત તો અહીંની વખણાતી વસ્તુઓનો સ્વાદ માણીને જ જાય છે. એ પછી બજરંગના ગાંઠિયાથી લઈ રામ ઔર શ્યામ અને ભવાનીના ગોલા હોય.

આજે વર્લ્ડ ફૂડ ડે છે ત્યારે શહેરમાં જાણીતી ખાણીપીણી વિશે વાત કરવી જ જોઈએ. રાજકોટ માટે એવું કહેવાય છે કે, અહીં ગમે તે વ્યવસાય કરો, ચાલે કે ન ચાલે પણ ખાણીપીણીનો ધંધો તો ચાલી જ જાય. એટલે જ સ્થાનિક લોકોની સાથે બહારના રાજ્યોમાંથી આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓને રાજકોટમાં બખ્ખા થઈ ગયા છે. હાલની જ વાત કરીએ તો લોકડાઉનના સમયમાં સૌથી વધુ અસર ખાણીપીણીના શોખીનોને થઈ હતી. એટલે જ ઘણી જગ્યાએ છૂપી રીતે પણ (પાછળના દરવાજેથી) ગાંઠિયા, ઘૂઘરા, ભેળ જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ પાર્સલ સેવામાં પણ પીરસાતો. વિવિધ વાનગીઓ રાજકોટની વખણાય છે. જો તેનું લિસ્ટ બનાવીએ તો ખુબ લાંબુ છે પણ આજે ‘આજકાલ’ દ્વારા વર્ષોથી ખાણીપીણીમાં સ્વાદપ્રિય જનતાના દિલમાં રાજ કરતાં પ્રખ્યાત ફૂડ પાર્લરો વિશે આપણે વાત કરીશું.


કડકડતી ઠંડીમાં પણ ભવાનીના ગોલા તો ખાવા જોઈએ જ
જંકશન પ્લોટમાં ગોલાની રેંકડીથી શ કરેલી સફ્ર અત્યારે રાજકોટના ટોપ લિસ્ટમાં ભવાની ગોલાવાળાનું નામ આવે છે. ઠંડા-ઠંડા કુલ-કુલ ગોલાની વાત હોય તો ભવાનીના અલગ-અલગ ફલેવરવાળા ગોલા અચૂક આવે અને અનેક રેકોર્ડ પણ તોડયા છે. 20 વર્ષથી ગોલાના વેપાર સાથે સંકળાયેલા ભવાની ગોલાના પ્રણેતા કિરીટભાઈ માનસતાના માર્ગદર્શનમાં તેનો પુત્ર પ્રતીક પણ ગોલા બનાવવામાં નિપૂણ છે. આંખે પાટા બાંધીને તમે જે ઓર્ડર આપો તે ગોલા બનાવીદે. કડકડતી ઠંડી હોય તો પણ રાજકોટવાસીઓ આ ગોલા ખાવાની મોજ ના ચૂકે.


ચાની ચૂસ્કી તો ખેતલાઆપા અને ટી-પોસ્ટની જ...
દિવસની શઆત ચાથી થાય છે ત્યારે જો ચાની વાત કરીએ તો રાજકોટમાં ખેતલા આપા અને ટી-પોસ્ટ ફેમસ છે. ચાની ચૂસ્કી રાજકોટવાસીઓ માટે માત્ર સવારે જ નહીં ગમે ત્યારે નવરાશ પડે ત્યારે લગાવવા જોઈએ એટલે જ ખેતલાઆપા ટી ડેપો પર વહેલી સવારથી માંડી મોડીસાંજ સુધી ચાની ચૂસ્કી લગાવતા ચાપ્રેમીઓ દેખાતા હોય છે. તો બીજી તરફ યુવાવર્ગમાં ટી-પોસ્ટ લોકપ્રિય બન્યું છે. એક તરફ ચાની ચૂસ્કી સાથે ‘ચાય પે ચચર્’િ ચાલતી હોય છે. આમ તો કડક મીઠી ચા રાજકોટવાસીઓને પ્રિય છે પણ હવે ફૂદીના ચા, આદુ મસાલાવાળી ચા, હર્બલ ટી, બ્લેક ટી પણ ચાના ચાહકોમાં ઉમેરાઈ છે.


સવાર તો બજરંગના ગાંઠિયા સાથે જ, ખેડૂતપુત્રએ ગાંઠિયાનો સ્વાદ શહેરીજનોની દાઢે લગાડયો
ગુજરાતીઓનો પયર્યિ ગાંઠિયા છે તો રાજકોટવાસીઓની સવાર પણ ગાંઠિયા વિના નકામી છે જેમાંય ખાસ કરીને રવિવાર હોય ત્યારે સવારની મીઠી નિંદર બગાડીને પણ ગાંઠિયાની લાઈનમાં લાગી જતાં હોય છે. હમણા જ લોકડાઉન સમયે ગમે તેમ કરીને રવિવારે ગાંઠિયાનો જુગાર ગમે ત્યાંથી ગોઠવી લીધો હતો. ગાંઠિયાની વાત આવે અને બજરંગના ગાંઠિયા કેમ ભુલાઈ ? બજરંગ ગાંઠિયાનો પાયો નાખનાર હરિશભાઈ પોતે ખેડૂત પુત્ર પણ નાનપણથી તેમને ગાંઠિયા બનાવવાનો ભારે શોખ. 45 વર્ષથી ગાંઠિયા સહિત ફરસાણ બનાવવાના ધંધા સાથે સંકળાયેલ બજરંગ ગાંઠિયાની પહેલી દુકાન બાપુના બાવલા, સાંગણવા ચોકમાં આવેલી. છેલ્લા 26 વર્ષથી અમીન માર્ગ પર બજરંગ ફરસાણ નામથી સુભાષભાઈ પટેલ દુકાન ચલાવે છે. રાજકોટવાસીઓને બધી જગ્યાએ મોંઘવારી નડે પણ ગાંઠિયામાં તો કયારેય નહીં... અને ગાંઠિયા કરતાં સંભારો વધારે લેવાની મીઠી જીદ. હરિશભાઈ કહે છે કે અમે સવાર અને સાંજે ગરમા ગરમ ગાંઠિયા બનાવીએ છીએ. આપણે ત્યાં ફાફડા ગાંઠિયાની માંગ વધારે હોય છે. ચાર દાયકાથી ગાંઠિયાના સ્વાદમાં તસુભાર પણ બદલાવ આવ્યો નથી. તેઓ કહે છે કે નાના હોય કે મોટા પરિવારના પણ લાઈનમાં ઉભા રહીને પણ ગાંઠિયાનો સ્વાદ માણે છે.


70 વર્ષથી સાધના ભેળનો એક જ સ્વાદ, 3000 પ્લેટ સ્વાદરસીકો આરોગે છે
70 વર્ષથી આજે પણ ભેળમાં એક જ સ્વાદ જાળવી રાખનાર સાધનાની ભેળ ખાવાના સ્વાદરસિકો ચાહક છે. જો તમે ભૂલથી પણ બુધવાર, શનિવાર અને રવિવારે જાઓ તો બેસવાની તો ઠીક પગ મુકવાની પણ જગ્યા ન મળે. દરરોજ 2500થી 3000 જેટલી પ્લેટ આપણા રાજકોટવાસીઓ આરોગી જાય છે. હાલમાં ગોંડલ રોડની સાથે યાજ્ઞિક રોડ પર પણ સાધના ભેળ છે. સાધના ભેળના દીપકભાઈ ટાંક જણાવે છે કે, અમારા વડિલોએ ભેળ બનાવવાનું જ્યારથી શ કર્યું ત્યારથી આજ દિવસ સુધી અમે એક જ સ્વાદને અકબંધ રાખવામાં સફળ રહ્યા છીએ. વર્કશોપમાં સવારના 8 વાગ્યાથી લઈ બપોરના 3 વાગ્યા સુધી કામ ચાલતું હોય તેમ છતાં ભેળ બનાવવાનું કામ અમે પોતે જ કરીએ છીએ. અગાઉથી જ પ્લાનિંગ મુજબ કામ ચાલતું હોય અને અમારા વડિલો જે વસ્તુ વાપરતા એમાં અમે બદલાવ નથી લાવ્યા. ભેળ સાથે તેઓ ફરાળી ભેળ પણ બનાવે છે જે ખાસ કરીને વ્રત, તહેવારે અને દર શનિવારે તેની ડિમાન્ડ વધારે હોય છે.

મુંબઈની સેન્ડવીચના સ્વાદને ભૂલાવે દીપક સેન્ડવીચ
મુંબઈની સેન્ડવીચનો સ્વાદ ભૂલાવી દેનાર દીપક સેન્ડવીચનું નામ સ્વાદપ્રેમીઓના મોઢામાં હોય છે. સ્વામિનારાયણ મંદિર પાસે એક નાનકડી રેંકડીથી સેન્ડવીચ બનાવવાની શઆત કરનાર ઘનશ્યામભાઈએ તેના એક કૂક મિત્ર પાસે મુંબઈની સેન્ડવીચ બનાવતા શીખ્યા હતા. વેજ સેન્ડવીચ બાદ ઘણી બધી વેરાયટી તેઓએ પોતે બનાવી છે જેમાં ચીઝ ચીલી, સ્પેશિયલ કલબ, ચીઝ વેજ ટોસ્ટ, ચીઝ પાઈનેપલ, અઢળક ટેસ્ટ સેન્ડવીચમાં મળે. કોટેચા ચોકમાં બુધવાર અને રવિવારે સેન્ડવીચ ખાવા માટે ભીડ જોવા મળે. ઘનશ્યામભાઈના પુત્ર મિલનભાઈ જણાવે છે કે, 400 જેટલી સેન્ડવીચ એક દિવસમાં રાજકોટવાસીઓ ખાઈ જાય છે.


દાબેલી અને રગડો ખાવા સરગમમાં લાગે છે લાંબી લાઈનો
સવાર પડે અને સ્વાદપ્રેમીઓ સરગમની દાબેલી અને રગડો ખાવા પહોંચી જ જાય. ધરમ સિનેમા પાસે આવેલ અને ત્રણ દાયકાથી એક રેંકડીથી રગડો અને દાબેલીની ચટપટી વાનગી પીરસનાર સરગમની સફળતા પણ તેના સ્વાદમાં જ છે. ભરતભાઈ સાપડિયાના હાથે બનેલી દાબેલી તેમજ રગડો ખાવા નાના-મોટા સૌ કોઈ પહોંચી જાય. તેઓ જણાવે છે કે, અત્યારે તો આ મેનુમાં ઘણો વધારો થયો છે પણ દાબેલી અને રગડો ખાવા માટે અમુક સ્વાદપ્રેમીઓ વર્ષોથી આવે છે. ખાસ કરીને તેમના હાથે બનેલો રગડો ખાઈ વિદેશમાં વસેલા રાજકોટવાસીઓ જ્યારે પણ અહીં આવે ત્યારે આ સ્વાદ માણ્યા વગર રહેતા નથી. આખા દિવસ દરમિયાન 600થી વધુ દાબેલી અને 200થી વધુ પ્લેટ શહેરીજનો ઝાપટી જાય છે.

રાજકોટની આ ખાણી-પીણી પણ વખણાય છે
મયૂર ભજિયા, મનહર, અનિલના સમોસા-ભજિયા, કૈલાસ ની કચોરી, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જયઅંબે, મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડકટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, રાજુના ભાજી-પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી-પાંવ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રીરામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા, કાલાવડ રોડ પર ફાયરબ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક ઇન્દોરીની કચોરી-સમોસા, સંતકબીર રોડની રાંદલના ભાજી-પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા, ઠક્કરના ખમણ..... જોકે આ લિસ્ટ બહુ જ લાંબુ છે.


ઘૂઘરા ખાવા હોય તો ઈશ્ર્વરના જ, આખા દિવસમાં 2000 પ્લેટ ખવાય છે
ઘૂઘરામાં ઈશ્ર્વરનો જ ઘંટનાદ ગૂંજે. રાજકોટમાં જૂના અને જાણીતા ઈશ્ર્વરના ઘૂઘરા જેવો સ્વાદ કયાંય ના મળે આવી વાત ઘૂઘરાપ્રેમીઓ સ્પષ્ટ જણાવે છે. 50 વર્ષથી ઘૂઘરાના વેપાર સાથે જોડાયેલા ઈશ્ર્વર ઘૂઘરાવાળા મયુરભાઈ કહે છે કે, અમારા ગ્રાહકોની ચોથી પેઢી અમારે ત્યાં બનેલા ઘૂઘરા ખાવા આવે છે. પાંચ દાયકા પહેલાં મારા પિતા ઈશ્ર્વરભાઈએ રાજકોટમાં સૌપ્રથમ વખત ઘૂઘરા બનાવવાનું શ કર્યું. પહેલાં તો અલગ-અલગ સ્ટેન્ડ અને શાળાઓ પાસે ઠાલો લઈને ઉભા રહેતા ત્યારબાદ રૈયાનાકા પર કાયમી ઠાલો નાખ્યો. મારા પપ્પાએ બનાવેલા ઘૂઘરા ખાઈને પેટ ભરાય પણ મન ન ભરાય તેવી સફળતા અમને રાજકોટવાસીઓએ આપી. કોઠારિયા નાકા રોડ પર આવેલી ઈશ્ર્વર ઘૂઘરાની દુકાનમાં સવારથી સાંજ ભરચકક ગીર્દી બાદ હવે થોડા સમય પહેલાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે ઈશ્ર્વર ઘૂઘરાની બીજી બ્રાન્ચ શ થઈ છે. તેઓ જણાવે છે કે, સવારથી સાંજ સુધીમાં 2000 પ્લેટ ઘૂઘરાની વેચાઈ છે.

માત્ર શહેરીજનો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓને રાજકોટની ચટણીનો ચટાકો
એકપણ સેલિબ્રિટી રાજકોટ આવે અને અહીંની ચટણી લીધા વગર જતા નથી. એ પછી ફિલ્મ સ્ટાર, ટેલિવૂડ કલાકારો અને ક્રિકેટરો કેમ ન હોય...! રસિકભાઈ ચેવડાવાળાને ત્યાં ચેવડો અને વેફર કરતાં ચટણીનું વેચાણ વધારે થતું હોય છે. તેમની દુકાને જ્યારે પણ જુઓ ત્યારે એક જ વાત સંભળાતી હોય ‘ભાઈ જરા ચટણી વધારે નાખજો...’ હવે તો તેઓ ચટણીનું અલગથી વેચાણ પણ કરતાં થયા છે. 45 વર્ષથી અને આજે તેમની ત્રીજી પેઢી આ વેપાર સાથે જોડાયેલી છે. રસિકભાઈ ચેવડાવાળાના રાજેશભાઈ ચોટાઈ જણાવે છે કે, બહારગામથી ચટણીની માગ રહેતા હવે એ મુજબ અમે પેકિંગ કરીએ છીએ તે ઘણા સમય સુધી આ ચટણી ફ્રેશ જ રહે. ચેવડો અને વેફર્સનો સ્વાદ ચટણી સાથે જ હોય છે. ઘણા ગ્રાહકો તો અમારી પાસે ચટણી બનાવવાની રીત પણ લઈ જતાં હોય છે તેમ છતા તેઓ કહે છે કે ચટણી તમારા જેવી તો ના જ બને... સોશિયલ મીડિયામાં પણ અનેક ફૂડ પેઈજ પર રાજકોટની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી જોવા મળે છે. આ લીલી ચટણીનો સ્વાદ દુનિયાભરમાં છવાયેલો છે એવું કહી શકાય.


સ્વાદથી મધમધતી જલારામ ચીકીનો સ્વાદ દુનિયાના ખૂણે ખૂણે...
તીખા તમતમતા સ્વાદ સાથે રાજકોટની ચીકી પણ જગવિખ્યાત છે. શિયાળો આવતાની સાથે જ શહેરીજનો હજારો કિલો ચીકી આરોગી જતાં હશે. ચીકીની વાત આવે એટલે જલારામ ચીકીનું નામ અચૂક હોઠ પર આવી જાય. 1962ના વર્ષથી નટવરભાઈ ચોટાઈ ઘરે ઘરે રેંકડીથી ચીકીનું વેચાણ કરવા જતાં જેને આ વ્યવસાયને સફળતાપૂર્વક આગળ વધારી તેમના બન્ને પુત્રો પ્રકાશભાઈ અને મનોજભાઈ ચોટાઈએ. આજે તેમની ત્રીજી પેઢી ચીકીના વ્યવસાયમાં સંકળાયેલી છે. રાજકોટવાસીઓની સાથે વિદેશીઓના પણ ચીકીના ઓર્ડર એડવાન્સ બુકિંગ થઈ જતાં હોય છે. ખાસ કરીને સીંગ, તલ અને દાળિયાની ચીકી વધુ ખવાય છે. સમય સાથે જલારામ ચીકીએ પણ ઘણી બધી વેરાયટી બનાવી જેમાં માવાની અને પીનક બટર ચીકી તેમના સ્વાદમાં નવો ઉમેરો છે. ઠંડીના દિવસોમાં અને મકરસંક્રાંતિએ તો અહીં પગ મુકવાની જગ્યા પણ હોતી નથી.


ગોંડલ રોડ પર ભગત પાઉંભાજીની સુગંધ જ સ્વાદ લેવા ખેંચી જાય છે
ગોંડલ રોડ પરથી પસાર થાવ અને ભગત પાઉભાજીની સુગંધ ન લ્યો તેવું ન બને. આ સુગંધ જ પાઉંભાજીનો સ્વાદ માણવા ખેંચી જાય છે. રાજકોટમાં 45 વર્ષથી ભગત પાઉભાજીના નામથી જાણીતા કમલેશભાઈએ જણાવ્યું હતું કે, આમ તો અમારે મુળ પાણીપુરીનો ધંધો હતો પરંતુ ચટણી મારા મમ્મી જ બનાવતા પરંતુ તેમની તબિયત સારી ન રહેતા મારા પિતા હરિભાઈ જોબનપુત્રાએ પાણીપુરીમાંથી પાઉભાજીનું શ કર્યું. રાજકોટમાં ખાસ કરીને સાદી એટલે કે તેલવાળી અને રેગ્યુલર પાઉભાજી વધુ ખવાય છે. બટર, જૈન અને ખડાભાજી પણ બને છે. ભગતની પાઉભાજીના પાર્સલ રાજકોટ ઉપરાંત મોરબી અને ગોંડલ પણ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application