સચિવાલયમાં મહિલાઓની કામ કરવાની પધ્ધતિ બદલાઇ, યંગ કર્મચારી સ્ફૂર્તિથી કામ કરે છે

  • March 02, 2021 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બદલાયેલા સમયમાં સચિવાલયમાં કર્મચારીઓની પ્રવૃત્તિ પણ હવે બદલાઇ ચૂકી છે. સચિવાલયના બ્લોકની લોબીમાં પહેલાં મહિલા કર્મચારીઓ રિશેષના સમયમાં શાક સમારવાનું કે સ્વેટર ગૂંથવાનું કામ કરતી હતી પરંતુ હવે આવા દ્રશ્યો જોવા મળતા નથી. આમ થવાનું કારણ સોશ્યલ મિડીયા છે. આજે મહિલા કર્મચારીઓ લોબીમાં બેઠેલી જોવા મળે છે પરંતુ તેઓ શાક સમારતી નથી પણ મોબાઇલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ્નો ઉપયોગ કરે છે.

 


સચિવાલયમાં જેટલું સસ્તું શાક મળે છે તેટલું ગાંધીનગરના કોઇપણ શોપિંગ સેન્ટરમાં મળતું નથી. બપોરે મીનાબજારની લારીઓ સચિવાલયના બસ પાર્કિંગ સેડમાં આવી જાય છે અને મોડી સાંજે આ લારીનું શાક ખાલી થઇ જાય છે. મહિલા કર્મચારીઓ પહેલાં બપોરે રિશેષમાં શાકભાજી ખરીદી લાવી લોબીમાં સમારવાનું કામ કરતી હતી. શિયાળામાં સ્વેટર ગૂંથણ પણ ચાલતું હતું પરંતુ આજકાલ આવી એક્ટિવિટી બંધ થઇ ચૂકી છે. હવે રિશેષના સમયમાં મહિલા કર્મચારીઓ મોબાઇલમાં મશગૂલ જોવા મળે છે.
સરકારી આંકડા પ્રમાણે સચિવાલયમાં કામ કરતાં કુલ કર્મચારીઓ પૈકી 40 ટકા જેટલી મહિલાઓ છે. આ મહિલાઓની દિનચયર્િ પર નજર કરીએ તો આશ્ચર્ય થાય છે. સરકારી કામકાજની સાથે મનોરંજન મેળવવું તેમના માટે ડાબા હાથનો ખેલ છે. નોકરી કરતાં કરતાં ઘરના કામો કરવાનું પણ આયોજન મહિલા કર્મચારીઓ બેખૂબીથી કરતી જોવા મળે છે. હવે તો યંગ મહિલા કર્મચારીઓ ફરજ પર આવી ચૂકી છે.

 


સર્વેક્ષણ કહે છે કે ઓફિસ અવર્સના આઠ કલાક પૈકી સરેરાશ દોઢ થી બે કલાક સુધી મોટાભાગના કર્મચારીઓ સોશ્યલ મિડીયા એટલે કે ફેસબુક અને વોટ્સઅપમાં બિઝી હોય છે. સરકાર આ પ્રવૃત્તિમાં પ્રતિબંધ મૂકી શકે તેમ નથી, કારણ કે સ્માર્ટ ફોન આજના જમાનાની જરૂરિયાત થઇ ગઇ છે. હવે તો સરકારમાં ફાઇલોની આપલે પણ વોટ્સઅપ ગ્રુપથી થાય છે. મહિલા કર્મચારીઓની પ્રવૃત્તિ ઓછી થવાનું કારણ કામનું ભારણ પણ છે. સાતમા પગાર પંચ પછી દિવસના કામકાજના કલાકો વધી રહ્યાં છે. વિભાગના વડાના પ્રેશર નીચે કામ કરવાનું હોય છે. આમ છતાં આજે સચિવાલયના વિભાગોમાં જોઇએ તો નવા યંગ કર્મચારીઓની ભરતી થઇ છે તેથી મહિલા કર્મચારીઓની જૂની પેઢી વયનિવૃત્તિના કારણે હવે ઓછી થઇ છે. સચિવાલયમાં યુવા મહિલા કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે જેમાં જીપીએસસી પાસ અને કોન્ટ્રાક્ટ ભરતીની મહિલા કર્મચારીઓ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS