દુનિયા ઉપર આવેલી અનેક મહામારીઓમાં એઇડ્સને પણ એક મહા રોગ ગણી શકાય કારણકે આ બીમારી પણ જેને થાય છે તેને એક દિવસ જીવનના સુર્યાસ્ત સુધી પહોંચાડી દે છે, આજે વિશ્ર્વ એઇડ્સ દિવસ નિમીત્તે આ મહારોગની ચર્ચા થવી જોઇએ ત્યારે ગુજરાતના અને જામનગરના પ્રાપ્ત આંકડાઓ પરથી એવું કહી શકાય કે રાજયમાં હજુ ખુબ જાગૃતતાની જરૂર છે, જામનગરને લાગે વળગે છે ત્યાં સુધી આ મહા રોગને લઇને વધુ ચિંતાજનક સ્થિતી નથી.
એઇડ્સ કેવી રીતે થાય છે તેનાથી હવે લગભગ કોઇ અજાણ નથી, અસુરક્ષીત રીતે શરીર સંબંધ બાંધવા અને રક્ષણ માટે કોન્ડોમનો પ્રયોગ ન કરવો ઘાતક સાબીત થાય છે, આ માટે ખાસ કરીને યુવા પેઢીને જાગૃત કરવા માટે ઉપરાંત પરીણીત પુરૂષોને પણ સજાગ રહેવા માટે અનેક વખત ઝુંબેશો ચલાવવામાં આવે છે, કાર્યક્રમો થતાં રહે છે, જામનગરમાં પણ આ મહારોગ સામે અનેક કાર્યક્રમો યોજાય છે.
પ્રાપ્ત આંકડાઓ મુજબ હાલમાં વિશ્ર્વ આખામાં ૩.૯૯ કરોડ એચઆઇવીગ્રસ્ત દર્દી છે, ભારતમાં એઇડસના ૨૫.૪૪ લાખ દર્દીઓ છે, ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન ગર્ભવતી મહીલાના કરવામાં આવેલા પરીક્ષણમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે અને ૫ વર્ષમાં ૨૪૭૩ ગર્ભવતી મહીલાઓ એચઆઇવી સંક્રમીત હોવાનું સામે આવ્યું છે. પાછલા ૨૦૨૨-૨૩ વર્ષની તુલનામાં કુલ દર્દીઓમાં પણ વધારો થયો છે, ૨૦૨૨-૨૩માં ૭૯૯૨૪ કુલ દર્દી હતાં, જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૪૫૩૭ દર્દી નોંધાયા છે, પાછલા વર્ષમાં એચઆઇવી સંક્રમીત મહીલાઓ ૩૨૨૧૬ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૩૪૧૫૬ થઇ છે.
ખાસ કરીને ગર્ભવતી મહીલાઓમાં ૫ વર્ષ દરમ્યાન ગુજરાતમાં એચઆઇવી સંક્રમીતની સંખ્યા ચિંતાજનક છે, પરંતુ જયાં સુધી જામનગરને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા ૫ વર્ષ દરમ્યાન અહીંની સરકારી ગાયનેક હોસ્પિટલમાં એચઆઇવીગ્રસ્ત ગર્ભવતી મહીલાનો એક કેસ નોંધાયો છે.
હાલમાં રાજયમાં ૯૦ હજાર દર્દી એચઆઇવી સંક્રમણને કારણે સારવાર હેઠળ છે, છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં ૭૪.૭૨ લાખ ગર્ભવતી મહીલાઓના પરીક્ષણ કરવામાં આવ્યા હતાં જેમાં ૫ વર્ષમાં ઉપરોકત આંકડો સામે આવ્યો છે.
એચઆઇવીના મામલે રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગરને હાઇ પ્રાયોરીટી હેઠળ મુકવામાં આવ્યા છે, જો કે નિષ્ણાંત તબીબો સાથે વાત કરવામાં આવતાં હાઇ પ્રાયોરીટી હેઠળ મુકવું એ કોઇ ચિંતાની બાબત નથી.
હાઇ પ્રાયોરીટી શું છે ? તેનો મતલબ સમજાવતા નિષ્ણાંત તબીબે કહ્યું હતું કે, જે જિલ્લામાં મેડીકલ કોલેજ હોય ત્યાં એચઆઇવી સામેની સુવિધાઓને વધુને વધુ અપગ્રેડ કરવાની બાબત સાથે જોડાયેલી છે, નહીં કે એચઆઇવીના પ્રમાણ સાથે.
ગર્ભવતી મહીલાઓમાં છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં એચઆઇવી સંક્રમણનું જે પ્રમાણ જોવા મળ્યું છે તેને ઘ્યાનમાં રાખીને રાજયમાં જાગૃતતા જરૂરી છે, ખાસ કરીને યુવા વર્ગને આ મહા રોગથી વધુને વધુ સાવધ કરવા માટે હજુ વધુ કાર્યક્રમો આપવાની જરૂર છે. હાઇસ્કુલોમાં, કોલેજોમાં પણ આ મહા રોગ સામે સાવચેતી રાખવા માટે વિદ્યાર્થીઓને સમજાવવા જોઇએ, થોડાઘણા કાર્યક્રમો થાય છે, પરંતુ હાઇસ્કુલો-કોલેજોમાં એચઆઇવીની જાગૃતતા સામે કાર્યક્રમો હજુ વધારવાની જરૂરીયાત છે એવું પ્રાપ્ત આંકડાઓ પરથી મહેસુસ થાય છે.